TAT કલીયર હોવું જરૂરી: ગ્રાન્ટેડ શાળાઓને સરકાર સંચાલિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ૭૦૦૦ શિક્ષકોની ભરતી કરવાની રાજય સરકારની સૌથી મોટી યોજના
રાજય સરકાર ટુંક સમયમાં રાજય સંચાલિત માધ્યમિક શાળાઓ માટે ૧૨૩૯ શિક્ષકોની ભરતી કરશે. આ અભિયાન ગ્રાન્ટેડ શાળાઓ અને સરકાર સંચાલિત માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ૭૦૦૦ શિક્ષકોની ભરતી કરવાની રાજય સરકારની સૌથી મોટી યોજનાનો એક ભાગ છે.
ઓકટોબરમાં ગુજરાતમાં યોજાયેલી પેટાચુંટણીનાં કારણે આ યોજના પાછળ ઠેલવવામાં આવી હતી. શિક્ષકો બનાવવા ઈચ્છુક ઉમેદવારો કાલથી એટલે કે ૨૧ નવેમ્બરથી ૩૦ નવેમ્બર દરમિયાન અરજી કરી શકશે. ટીચર એપ્ટીટયુડ ટેસ્ટ-૨૦૧૮ કલીયર કરનાર જ ઉમેદવાર આ માટે અરજી કરી શકશે.
ગુજરાતની માધ્યમિક શાળાઓમાં જ ૧૨૩૯ શિક્ષકોની ભરતી કરાશે જયારે અંગ્રેજી માધ્યમ માટે માત્ર ૩ જ પોસ્ટ છે. સુત્રોનાં જણાવ્યા મુજબ ગણિત અને વિજ્ઞાનનાં શિક્ષકો માટે ૪૧૬, સામાજીક વિજ્ઞાનનાં શિક્ષકો માટે ૩૭૪ અને અંગ્રેજી વિષયનાં શિક્ષકો માટે ૩૫૩ તેમજ ગુજરાતી વિષયનાં શિક્ષકો માટે ૬૮ જેટલી જગ્યા માટે ભરતી કરવામાં આવશે.
આ ઉપરાંત આગામી ૩ મહિનામાં કુલ ૧૭,૮૪૯ જેટલી જગ્યાઓમાં પારદર્શક રીતે ભરતી કરવામાં આવશે. આ ભરતી અંતર્ગત પોલીટેકનીક કોલેજમાં ૧૦૭૬થી વધુ પ્રાથમિક શાળાઓમાં ૭૦૦૦ જેટલી ભરતી કરવામાં આવશે.
સરકારનાં સ્કુલ ડિજિટલાઈઝેશનનાં પ્રોગ્રામનાં ભાગરૂપે રાજયનાં શિક્ષણ વિભાગે સરકાર દ્વારા સંચાલિત પ્રાથમિક શાળાઓમાં તમામ શિક્ષકોની માહિતી ઓનલાઈન મુકવાની પહેલ કરી છે. શિક્ષકોને તેમની જે વિગતો ઓનલાઈન મુકવામાં આવી છે તેમાં ફેરફાર કે સુધારા હોય તે જણાવવા અંગે આદેશ આપવામાં આવ્યો છે.
તાલુકા અને જિલ્લા સ્તરનાં શિક્ષણ અધિકારીઓ દ્વારા તે માહિતીનું ક્રોસ ચેકિંગ કરવામાં આવશે. વિદ્યાર્થીઓ જોઈ શકે તે માટે શિક્ષકોનું કવોલીફીકેશન, પ્રોફેશનલ કેરીયર તેમજ અન્ય માહિતી ઓનલાઈન શેર કરવામાં આવશે તેમ એક અધિકારી જણાવ્યું હતું.
રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી આર.એસ.ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, શિક્ષકોની ભરતી અન્વયે યુજીસી માન્ય યુનિવર્સિટી દ્વારા મેળવેલ ડિગ્રી જ માન્ય રાખવામાં આવશે. રાજય બહારની યુનિવર્સિટીની ઓપન અને ડિસ્ટન લર્નીંગ દ્વારા મેળવેલ ડિગ્રી માન્ય ન હોય તો તે ગાહ્ય રહેશે નહીં. આ ઉપરાંત પરીક્ષા લેવાયા બાદ જે ઉમેદવારોનું પ્રોવીઝન મેરીટમાં સમાવેશ થશે તેઓને તે અંગેની જાણ એસએમએસથી કરવામાં આવશે ત્યારબાદ તેઓ ડોકયુમેન્ટ વેરીફીકેશન અંગેનો કોલ લેટર ઓનલાઈન પ્રિન્ટ મેળવી અરજીપત્રમાં દર્શાવેલ જિલ્લામાં પસંદગી સમિતિ દ્વારા નિશ્ચિત કરવામાં આવેલ સ્થળ, સમય અને તારીખે પ્રમાણપત્રોની રૂબરૂ ચકાસણી કરવાની રહેશે. જિલ્લાવાર ડોકયુમેન્ટ વેરીફીકેશન કેન્દ્રોની યાદી www.gserc.in વેબસાઈટ પર ઉપલબ્ધ છે.