ચીલ ઝડપનો પ્રયત્ન કરનાર વ્યકિતને ઓછામાં ઓછી પાંચ અને વધુ ૧૦ વર્ષની સખત કેદની સજા અને રૂ.૨૫ હજારનો દંડ: પ્રદિપસિંહ જાડેજા
મહિલાઓના પવિત્ર મંગળસુત્ર, ચેઈન અને કિંમતી ઘરેણા જેવી સ્નેચીંગની ઘટનાઓને અંકુશમાં લેવા માટે કડક હાથે કામ લેવા આઈપીસીમાં નવી કલમો ઉમેરીને રાજય સરકારે કડકમાં કડક સજા કરવાનો નિર્ણય કર્યો છે. આ માટે રાજય સરકાર વટહુકમ બહાર પાડીને નાગરિકો-મહિલાઓને વધુ સુરક્ષા પુરી પાડશે તેમ ગૃહ રાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું.
હાલ આઈપીસી કલમ હેઠળ આવા ગુન્હા માટે ચોરીની ત્રણ વર્ષ સુધીની કેદની સજા અને દંડની જોગવાઈ છે જે અપુરતી છે જેને ધ્યાને લઈને આ વટહુકમ દ્વારા આઈપીસીમાં નવી કલમ ૩૭૯ (ક) અને ૩૭૯ (ખ)નો ઉમેરો કરવાનો નિર્ણય કરાયો છે.
તેમણે ઉમેર્યું કે, આ વટહુકમને આધારે ચીલ ઝડપનો પ્રયત્ન કરનાર વ્યકિતને ઓછામાં ઓછા પાંચ અને વધુમાં વધુ ૧૦ વર્ષની સખત કેદની સજા અને રૂ.૨૫,૦૦૦ દંડ થઈ શકશે. જયારે ચેન જેવી વસ્તુઓ ચોરી જનાર વ્યકિતને ઓછામાં ઓછા સાત વર્ષની સજા અને રૂ.૨૫,૦૦૦નો દંડની જોગવાઈ કરવામાં આવી છે. કલમ ૩૭૯ (ક) ૪ હેઠળ ચેન આંચકી જવાનો પ્રયત્ન કરનાર વ્યકિત નાસી જવાના ઈરાદાથી કોઈ વ્યકિતને ઈજા કરે અથવા ઈજા કરવાનો ભય ઉભો કરે તેને પણ વધુ ત્રણ વર્ષની સખત કેદની સજા સુચવવામાં આવી છે.
આ ઉપરાંત ૩૭૯ (ખ) મુજબ આંચકી લીધેલ મિલકત રાખી લેવા માટે કોઈ વ્યકિતનું મૃત્યુ નિપજાવવા કે અવરોધ ઉભો કરી મૃત્યુ કે ઈજા પહોંચાડવા બદલ કે તેમ કરવાના પ્રયત્ન કરવા બદલ ઓછામાં ઓછા સાત વર્ષ અને વધુમાં વધુ ૧૦ વર્ષની સખત કેદની અને રૂ.૨૫ હજારના દંડની જોગવાઈ કરાઈ છે. આ વટહુકમને કારણે ચેન-સ્નેચીંગ ગુન્હા કરતા ગુનેગારોને આકરી સજા થઈ શકશે અને તેને કારણે રાજયમાં આવા ગુન્હા બનતા અટકાવી શકાશે.