નોંઘણી અને સ્ટેમ્પ ડયુટી મૂલ્યાંકન તંત્ર દ્વારા સુવિધાઓ, કાયદા-નિયમો અને કાર્ય પધ્ધતિ અંગે લોકો પાસેથી સુચનો મંગાવ્યા

દસ્તાવેજ નોંધણીનો મુળભૂત હેતુ નાગરિકોને દસ્તાવેજ મુજબના વ્યવહારો થયાની જાહેરાત સાથે ભરોસાપાત્ર માહિતી પુરી પાડી. દસ્તાવેજોના ખરાપણાની ખાત્રી અને અધિકૃતતા આપીને નકલી દસ્તાવેજોથી થતી છેતરપીંડી અટકાવીને પ્રજાજનોને સુરક્ષા આપવાનો છે.

નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯ દરમિયાન રાજયમાં ૧૨ લાખથી વધુ દસ્તાવેજો નોંધણી માટે રજુ થયા હતા. જેના દ્વારા રાજય સરકારને રૂા. ૭૭૬૦ કરોડની આવક સ્ટેમ્પ ફી સ્વરૂપે થઇ છે. હાલ સમગ્ર રાજયમાં નોંધણી અધિનિયમ ૧૯૦૮, ગુજરાત નોંધણી નિયમો ૧૯૭૦ અને તે હેઠળ રાજય સરકાર તથા સ્ટેમ્પ ડયુટી મૂલ્યાંકન તંત્ર દ્વારા થયેલા ઠરાવ, જાહેરનામા અને પરિપત્રોની જોગવાઇ-સુચનાઓ હેઠળ દસ્તાવેજોની નોંધણી કરવામાં આવે છે. નોંધણી દરમિયાન અને જરૂર પડયે નોંધણી પછી દસ્તાવેજ ઉપર યોગ્ય સ્ટેમ્પ ડયુટીની વસુલાત કરવામાં આવે છે. સામાન્ય રીતે પ્રતિ વર્ષે અંદાજે ૫૦ લાખ જેટલા લોકો સબ રજિસ્ટ્રાર કચેરી અને નાયબ કલેકટર (સ્ટેમ્પ ડયુટી, મૂલ્યાંકન તંત્ર)ની કચેરીઓની જે તે જિલ્લામાં મુલાકાત લેતા હોય  છે. આથી સુધારાત્મક અને રચનાત્મક ઉદેશથી સ્ટેમ્પ ડયુટી મૂલ્યાંકન તંત્રની કચેરીઓ તથા તેની સુવિધાઓ, કાયદા-નિયમો અને કાર્ય પધ્ધતિ બાબતે નિષ્ણાંતો, કર્મચારીઓ અને પ્રજાજનો પાસેથી નીચેની વિગતે સુચનો મંગાવવામાં આવેલ છે.

આ સુચનોના મુદાઓમાં રજિસ્ટ્રેશન અને સ્ટેમપ એકટ તથા ઠરાવો-પરિપત્રોની સુચનાઓનું અર્થઘટન, અમલવારી, નોંધણીની પ્રક્રિયા/કાર્ય પધ્ધતિ, કચેરીઓમાં ઇન્ફાસ્ટ્રકચર તથા ટેકનોલોજી, સ્ટેમ્પ ડયુટીના દર, સ્ટેમ્પ પેપર વેંચાણ તથા સ્ટેમ્પ રીફંડ, મિલ્કતની બજાર કિંમત નકકી કરવાની કાર્ય પધ્ધતિ, તંત્રના માળખામાં કરવાપાત્ર ફેરફાર, ફોર્મના નમુનાઓની વિગતો/પત્રકો વિગેરેનો સમાવેશ થાય છે.

આથી પ્રજાજનોને તેમના સુચનો તા. ૫/૬/૧૯ સુધીમાં રાજયની સંબંધકર્તા સ્ટેમ્પ ડયુટી કચેરીઓમાં, સુપ્રિ.ઓફ સ્ટેમ્પ્સ અને ઇન્સ્પેકટર જનરલ ઓફ રજિસ્ટ્રેશન સ્ટેમ્પ અને નોંધણી ભવન, ખ-પ સર્કલ પાસે, સેકટર-૧૪, ગાંધીનગર-૩૮૨૦૧૬, વોટસઅપ નંબર ૯૮૭૯૫૫૧૭૫૧, વેબસાઇટ https://garvi. gujarat.gov.in ઉપર મોકલવા દિનેશ પટેલ, સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પ્સ અને નોંધણી સર નિરીક્ષક, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.