અંબે માતાજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન કરીને સંવેદનશીલ સીએમ રૂપાણી સાક્ષાત જોગમાયા “અંબે”ને મળવા પહોંચ્યા!
રાજકોટ નજીક ઠેબચડા ગામની સીમમાંથી મળી આવેલી નવજાત બાળકીની મુલાકાત લેવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજકોટની અમૃતા હોસ્પિટલ પહોંચ્યા હતા અને સંવેદના દર્શાવી હતી. બાળકીના આરોગ્ય અંગે તબીબો સાથે ચર્ચા કરી હતી.
આ તકે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, બાળકીને બચાવવા કોઇ પણ ખર્ચ થાય તે સરકાર કરશે, મારી ઇચ્છા હતી બાળકીને મળવાની. બાળકી પર કૂતરા દ્વારા હુમલો થયો હતો. સ્થાનિક લોકોએ તેને બચાવી હતી. આ બાળકીને તંત્રએ દત્તક લઇ ઉત્તમ ઉદાહરણ પૂરુ પાડ્યું છે. બાળકીનું નામ “અંબે” રખાયું છે. ડોક્ટરને તેમણે કહ્યું કે, અંબેને બચાવવા જેટલો પણ ખર્ચ થાય તે સરકાર કરશે. ઉલ્લેખનીય છે કે, તેમનાં નિયત શિડયુલમાં આ મુલાકાત પૂર્વનિશ્ચિત ન હતી. પરંતુ રાજકોટ પોલીસ દ્વારા નિર્મિત મંદિરમાં અંબે માતાજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કર્યાં બાદ તેમણે બાળકી “અંબે”ને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને હોસ્પિટલ ધસી ગયા હતા.
રૂ પાણી પોતાની સંવેદનશીલતાના પુરાવાઓ દરરોજ આપતા રહે છે. અકસ્માતગ્રસ્ત ઇજાગ્રસ્તોને મદદ કરવા ભળ રૂપાણીએ પોતાનો કાફલો રોકી ને જાતે સૂચનાઓ આપી, ઇજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડવાની વ્યવસ્થા કરી હોય, તેવા અનેક ઉદાહરણો છે. લગ્નની જાન લઈ જતો એક ટ્રક અકસ્માતે ખાડામાં ખાબક્યો અને બે ડઝન જાનૈયાના મોત નિપજ્યા તો ગણતરીના કલાકોમાં જ તેમણે જાન માટે એસ.ટી.ની બસ ટોકન દરે ફાળવવાની યોજના જાહેર કરી! અકસ્માતમાં કોઈ મૃત્યુ પામે તો તાત્કાલિક આર્થિક સહાય આપવામાં તેઓ ક્યારેય વાર નથી કરતાં. એમના આવા સંવેદનશીલ અભિગમની ચોતરફ નોંધ લેવાઈ છે.
આજે ફરી એક આવી જ ઘટના બની હતી. થોડાં દિવસ અગાઉ અમદાવાદ એરપોર્ટ સર્કલ પાસેથી સીએમ વિજય રૂપાણીનો કોન્વોય પસાર થઈ રહ્યો હતો. આ દરમ્યાન તેમની નજર એક એક્ટિવા ચાલક પર પડી કે જેનું એક્ટિવા સ્લીપ થઈ જતા તે ઘાયલ થઈ ગયો. સીએમની નજર પડતા જ તેઓએ તેમનો કાફલો તાત્કાલિક અટકાવીને યુવક પાસે પહોંચી ગયા. સીએમ રૂપાણીએ યુવક સાથે વાત કરીને તાત્કાલિક સારવાર કરવા કોન્વોયમાં હાજર સ્ટાફને સૂચના આપી. સીએમની સુચના મળતા જ સુરક્ષા અધિકારીઓએ કાફલાની એમ્બ્યુલન્સમાં જ અકસ્માતમાં ઘાયલ યુવકને ઈમરજન્સી સારવાર આપી.બાદમાં યુવકને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો. આજે “અંબે”ના ખબરઅંતર પૂછવા ધસી જઈ ને તેમણે ફરી એક વખત ગુજરાતની જનતાને સંદેશ આપ્યો છે કે, તેઓ માત્ર શાસક નથી, ૬ કરોડ ગુજરાતીઓના સ્વજન પણ છે!