ધ્રાંગધ્રા ખાતે વિવિધ પ્રોજેકટનું કાર્યવાહક અધ્યક્ષ આઈ.કે. જાડેજાની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરાયું
રાજયમાં શિક્ષણનું સ્તર ઉંચુ આવે અને બાળકોને ગુણવત્તાયુકત શિક્ષણ મળી રહે તે માટે રાજય સરકાર સતત પ્રયત્નશીલ છે. તેમ ધ્રાંગધ્રા ખાતે શિક્ષણ વિભાગ, મહિલા અને બાળ વિકાસ વિભાગના વિવિધ પ્રોજેકટના લોકાર્પણ તથા ખાતમુહુર્તના યોજાયેલા કાર્યક્રમ પ્રસંગે સ્વર્ણિમ ગુજરાત ૫૦ મુદ્દા અમલીકરણ સમિતિના કાર્યવાહક અધ્યક્ષ આઇ.કે. જાડેજાએ જણાવ્યું હતું. તેમણે મહિલાઓ અને બાળકોના સર્વાંગી વિકાસ માટે રાજય સરકાર માળખાગત સુવિધા માટે સતત કાર્ય કરી રહી હોવાનું પણ વધુમાં ઉમેર્યું હતું.
રાજયની સરકારને એક વર્ષ પુરૂ થતા અને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપાઈજીના જન્મ દિવસ નિમિત્તે સમગ્ર રાજયમાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. તે અંતગર્ત આજરોજ ધ્રાંગધ્રા ખાતે વિવિધ પ્રોજેકટનું ઈ -લોકપર્ણ તેમજ ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો. બાળકોને સારું શિક્ષણ મળે અને પોતાનું ભવિષ્ય સારું બને તે માટે સમગ્ર ગુજરાતમાં ડિજિટલ સિસ્ટમથી ખાતમુહૂર્ત તેમજ લોકપર્ણ કરવામાં આવ્યા હતા. ધ્રાંગધ્રા ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં કાર્યવાહક અધ્યક્ષ આઇ.કે. જાડેજા તેમજ મહાનુભાવોના હસ્તે સુરેન્દ્રનગર જિલ્લામાં ૬૫ રૂમો અને એક આંગણવાડીનું લોકાર્પણ તેમજ ૬ આંગણવાડી અને શાળાના સાત ઓરડાઓનું ખાતમુહુર્ત કરવામાં આવેલ હતું. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી મનિષકુમાર બંસલ, અગ્રણી સર્વ દિલીપભાઇ પટેલ, દેવપાલસિંહ ઝાલા, નગરપાલિકા પ્રમુખ ધીરૂભા પઢિયાર, અધિકારીઓ સહિત બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહયા હતાં.