ગાંધીનગર ખાતેથી મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીના હસ્તે  ઊંઝા નગરપાલિકા ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ નવનિર્મિત ૩૬૦ ઇડબલ્યુએસ-૨ કક્ષાના આવાસોનું ઈ-લોકાર્પણ

રાજ્યમાં ગરીબ અને જરૂરિયાતમંદ લોકોનું ઘરના ઘરનું સ્વપ્ન સાકાર કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. રાજ્ય સરકારના કુલ ૭ લાખ સસ્તા આવાસોના લક્ષ્યાંક સામે અત્યાર સુધીમાં ૪ લાખ આવાસો નિર્માણ કરવામાં આવ્યા છે તેમ મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીએ ઊંઝા નગરપાલિકા દ્વારા નવનિર્મિત ઇડલ્યુએસ-૨ કક્ષાના આવાસોના ઈ-લોકાર્પણ પ્રસંગે ગાંધીનગર ખાતેથી જણાવ્યું હતું.

મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીના હસ્તે ઊંઝા નગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નવનિર્મિત ઇડલ્યુએસ-૨ કક્ષાના ૩૬૦ આવાસોનું ગાંધીનગર ખાતેથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ઈ-લોકાર્પણ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી  નીતિનભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીએ આવાસોના ઈ-લોકાર્પણ પ્રસંગે જણાવ્યું હતું કે, મહેસાણા જિલ્લામાં ઊઁઝા નગરપાલિકા લોકો માટે શ્રેષ્ઠ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં અગ્રેસર છે.  ઊંઝા નગરપાલિકા દ્વારા સક્રિય રીતે ટી.પી., પીવાના પાણી, રસ્તા વગેરે સુવિધાઓ લોકો માટે ઉપલબ્ધ કરાવવામાં આવે છે. વૈશ્વિકસ્તરે જીરૂ પ્રસિદ્ધ અને અને મા ઉમિયાના ધામ એવા ઊંઝામાં આ પ્રકારની પાયાની સુવિધાઓ ઉપલબ્ધ હોય એ ખૂબ જ જરૂરી છે. આજે ૩૬૦ નવા ઇડલ્યુએસ-૨ના આવાસોથી ગરીબ લોકોના ઘરના ઘરનું સ્વપ્નું સાકાર થશે. ભારતના વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ આગામી વર્ષ ૨૦૨૨ સુધી તમામને ઘરના ઘરનું સ્વપ્નું સાકાર કરવાનું લક્ષ્યાંક નક્કી કર્યું છે. જેને પૂર્ણ કરવા ગુજરાત સરકારે અત્યાર સુધી ૪ લાખથી વધુ આવાસોનું નિર્માણ કર્યું છે. રાજ્ય સરકાર લોકો માટે ઘર અને રોજગારીની પૂર્તિ વ્યવસ્થા ઉપલબ્ધ કરાવી રહી છે તેમ જણાવી મુખ્યમંત્રીએ આ નવીન સુવિધાયુક્ત આવાસો બદલ લાભાર્થીઓ અને હોદ્દેદારોને શુભેચ્છાઓ આપી હતી.

ED7BD0B0 BE71 4339 83A6 864D615839BB

નાયબ મુખ્યમંત્રી  નીતિનભાઈ પટેલે કહ્યું હતું કે,  વેપાર અને સહકારી પ્રવૃત્તિમાં અગ્રેસર એવા ઊંઝામાં આજે ૩૬૦ ઇડલ્યુએસ-૨ કક્ષાના આવાસોનું ઈ-લોકાર્પણ થઈ રહ્યું છે જેના થકી જરૂરિયાતમંદ લોકોનું ઘરના ઘરનું સ્વપ્નું પૂરું થશે. મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણી દ્વારા વિશેષ મહત્વ આપીને પ્રધાનમંત્રી આવાસ યોજના અને મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત રાજ્યના જરૂરિયાતમંદ લોકોને સસ્તા આવાસો ઉપલબ્ધ કરવામાં આવી રહ્યા છે તે બદલ તેમણે મુખ્યમંત્રીનો આભાર માનીને આ આવાસો પૂર્ણ કરવા બદલ ધારાસભ્ય, ઊંઝા નગરપાલિકાના પ્રમુખ સહિત તમામને અભિનંદન પાઠવ્યા હતા.

ઈ-લોકાર્પણ કાર્યક્રમના પ્રારંભમાં મહેસાણા જિલ્લાના કલેક્ટર  એચ. કે. પટેલ સ્વાગત પ્રવચન કર્યું હતું. જ્યારે આભાર વિધિ ઊંઝા નગરપાલિકાના મુખ્ય અધિકારીએ કરી હતી.

આ પ્રસંગે રામનગર રેસીડેન્સી ઊંઝા ખાતે ઊંઝાના ધારાસભ્ય ડો. આશાબેન પટેલ, મહેસાણાના સાંસદ શારદાબેન પટેલ, રાજય સભાના સાંસદ જુગલજી લોખંડવાલા, મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ નીતિનભાઇ પટેલ, નગરપાલિકા પ્રમુખ મણીલાલ પટેલ સહિતના હોદ્દેદારો અને લાભાર્થી ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.