“રાજયકક્ષા શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કાર વિતરણ સમારોહ ૨૦૧૮–૧૯ રાજકોટ ખાતે કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાની અધ્યક્ષતામાં યોજાયો”
રાજય કક્ષાનો શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કાર ૨૦૧૮-૧૯ વિતરણ સમારોહ રાજકોટ સ્થિત અટલ બિહારી બાજપાઇ ઓડીટોરીયમ, પેડક રોડ ખાતે પશુપાલન વિભાગના કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાની અધ્યક્ષતામાં યોજાયો હતો.
કૃષિ સાથે પશુપાલનને પણ ઉદ્યોગનો દરજ્જો મળે અને પશુપાલક પોતાના વ્યવસાયમાં પશુ સંવર્ધન, પશુ સ્વાસ્થ્ય, પશુ પોષણ, પશુ વ્યવસ્થાપન અને દુધ ઉત્પાદન ક્ષેત્રે જાગૃતિ કેળવી વૈજ્ઞાનિક અભિગમ કેળવે તે માટે જુદા જુદા ૬ જેટલા ક્ષેત્રોમાં શ્રેષ્ઠ પશુપાલકોને તાલુકા, જિલ્લા અને રાજય કક્ષાએ પુરસ્કાર આપી નવાજવામાં આવે છે. જેમાં કુલ રૂા. ૪૬,૪૫,૦૦૦/- ના પુરસ્કારોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે રાજ્યના પશુપાલન વિભાગ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કાર વિજેતાઓને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, પશુપાલકો પરંપરાગત્ત પશુપાલનને બદલે વ્યાવસાયિક રીતે પશુપાલન અપનાવે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. પશુપાલન વ્યવસાય જ ન બની રહેતા પશુ સંવર્ધન, સંસાધનોનું સુચારૂ આયોજન, નવી ટેકનોલોજી અને વૈજ્ઞાનિક ઢબનો ઉપયોગ કરતા તે પશુપાલન નફાકારક વ્યવસાય બની રહ્યો છે. વૈજ્ઞાનિક ઢબે પશુપાલન કરતા લોકોની આર્થીક પરિસ્થિતિમાં પણ સુધારો થાય છે.
વર્તમાન સમયમાં શુધ્ધ સંવર્ધન, દૂધ ઉત્પાદન, મુલ્ય વૃધ્ધિ, ડેરીફાર્મમાં નવી ટેકનોલોજી, પશુ પોષણ, પશુ માવજત વગેરે પરિબળોને ધ્યાનમાં રાખીને પશુપાલકો પશુપાલન કરી રહ્યા છે જેનો લાભ સમગ્ર ગુજરાતને મળી રહ્યો છે. આ ઉપરાંત, રાજ્ય સરકાર દ્વારા પશુ વંધ્યત્વ નિદાન અને સારવાર કેમ્પ, ગરીબ પશુપાલકનું પશુ સારવારની સુવિધાઓથી વંચીત ના રહી જાય તે માટે રાજ્ય સરકારે ૧૦ ગામડાઓ વચ્ચે એક એમ્બ્યુલન્સની સુવિધા પણ ચાલુ કરવામાં આવી છે.
આ પ્રસંગે સાંસદ મોહનભાઇ કુંડારીયાએ જણાવ્યું હતું કે, ખેડૂતની આવક બમણી કરવામાં કૃષિ સાથે પશુપાલનને પણ પુરક વ્યવસાય તરીકે અપનાવવો જરૂરી છે તેવો ઉપસ્થિત સૌને અનુરોધ કર્યેા હતો.
રાજયના પશુપાલન વિભાગ દ્વારા દર વર્ષની માફક રાજયના શ્રેષ્ઠ પશુપાલકોને શુધ્ધ ગાય/ભેંસનું નફાકારક પશુ સંવર્ધન, દુધ ઉત્પાદન, ઓર્ગેનિક ફાર્મિંગ દ્વારા શ્રેષ્ઠ પશુપાલન, વાછરડી/પાડીના શ્રેષ્ઠ ઉછેર દ્વારા પશુ સંવર્ધન, આદર્શ પશુ રહેઠાણ, દુધ ઉત્પાદન અને મૂલ્ય વૃધ્ધી જેવા વિવિધ છ ક્ષેત્રોમાં રાજયકક્ષાએ શ્રેષ્ઠ પશુપાલક તરીકે પ્રથમ વિજેતા સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના વીણાબેન રાજેન્દ્રભાઇ પટેલ (રૂા.૫૦ હજાર), દ્વિત્તિય કક્ષાએ રાજકોટ જિલ્લાના તાલુકો/ગામ ધોરાજીના પિયુષભાઇ ચંદુભાઇ બાબરીયા (રૂા.૩૦ હજાર) અને તૃત્તિય ક્રમે અમરેલી જિલ્લા-તાલુકાના સરંભડા ગામના હિંમતભાઇ બાબુભાઇ ગઢીયા અને સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના નેત્રામલી ગામના વૈશાલીબેન કલ્પેશકુમાર પટેલ (રૂા.૨૦ હજાર) વિજેતા ઘોષિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત જિલ્લાકક્ષાએ પ્રથમ કક્ષાએ ૩૩ વિજેતાઓ અને દ્વિત્તિય કક્ષાએ ૩૩ વિજેતાઓ ઘોષિત કરાયા હતા. જેમને અનુક્રમે રૂા. ૧૫ હજાર અને રૂા. ૧૦ હજાર લેખે પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.