લીંબડી ખાતે આઇ.ટી.આઇ.ના આધુનિક ભવનનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો
સુરેન્દ્રનગર જિલ્લામાં ૭૨ માં સ્વાતંત્ર પર્વની રાજ્યકક્ષાની ઉજવણી અંતર્ગત લીંબડી ખાતે શ્રમ અને રોજગાર મંત્રી દિલીપકુમાર ઠાકોરના હસ્તે અંદાજિત રૂપિયા ૭ કરોડના ખર્ચે નિર્માણ પામેલ આઇ.ટી.આઇ.ના આધુનિક ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતના યુવાનોમા તાલીમ દ્વારા કૌશલ્ય જગાડવાનું કામ રાજ્ય સરકારે કર્યું છે. વાઇબ્રન્ટ ગુજરાતના કારણે રાજ્યમાં નવા ઉદ્યોગો આવી રહ્યા છે, ત્યારે આ ઉદ્યોગોને અનુરૂપ કુશળ માનવબળ ઉપલબ્ધ બને એ માટે રાજ્યની આઈ.ટી.આઈ.ઓમાં નવા તાલીમી કોર્ષ પણ શરૂ કરવામાં આવ્યા છે.
તેમણે જણાવ્યું હતું કે, આઈ.ટી.આઈ. ના ટેકનિકલ કોર્સમાં દીકરાઓની સાથે દીકરીઓ પણ ભણે તેની ચિંતા સરકારે કરી છે, આ માટે ગુજરાતમાં ૨૫ જેટલી મહિલા આઈ. ટી. આઈ. પણ કાર્યરત છે, જેમાં માત્ર મહિલાઓ માટેના વિવિધ કોર્ષ ચલાવવામાં આવે છે. જ્યાં આધુનિક મશીનો દ્વારા મહિલાઓને તાલીમ આપવામાં આવી રહી છે.
મંત્રી આ તકે ઉમેર્યું હતું કે, દરેક હાથને કામ મળી રહે તે માટેના સંનિષ્ઠ પ્રયાસો રાજ્ય સરકાર કરી રહી છે, જેના પરિણામે સમગ્ર દેશમાં રોજગારી આપવામાં ગુજરાત રાજ્ય અગ્રેસર રહયું છે. આ પ્રસંગે પૂર્વ મંત્રી કિરીટસિંહ રાણાએ યુવાનોમાં પડેલી શક્તિઓને બહાર લાવવાનું કાર્ય શ્રમ અને રોજગાર વિભાગ કરી રહયો છે, તેમ જણાવી વિદ્યાર્થીઓને આગળ વધવા અનુરોધ કર્યો હતો.
આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીમનીષકુમાર બંસલ, વિભાગીય નાયબ નિયામક પટેલ, પૂર્વ મંત્રી કિરીટસિંહ રાણા, અગ્રણીઓ સર્વ બાબાભાઈ ભરવાડ, જગદીશભાઈ મકવાણા, રાજભા ઝાલા, સહિતના મહાનુભાવો અધિકારી પદાધિકારીઓ તથા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહયા
હતા.