ઈણાજની મોડેલ સ્કૂલમાં વાર્ષિકોત્સવ યોજાયો
વિદ્યાર્થીઓએ દેશભાવના અને બેટી બચાવો જેવી ૧૫ કૃતિઓ રજુ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા
ઇણાજ ખાતે આવેલ મોડેલ સ્કુલ અને કેજીબીવી દ્વારા વાર્ષિક ઉત્સવ યોજાયો હતો. કલેકટર અજયપ્રકાશ અને જિલ્લા વિકાસ અધિકારી ધર્મેન્દ્રસિંહ રહેવરની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલ વાર્ષિક ઉત્સવમાં વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી ઉપસ્થિતોને મંત્રમુગ્ધ કર્યા હતાં. આ તકે કલેકટર એ જણાવ્યું હતું કે, સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં દેશભાવના પ્રબળ બને છે. રાજ્ય સરકારે શિક્ષણક્ષેત્રે શિક્ષણમાં ગુણાત્મક સુધાર માટે અનેક પગલાઓ લીધા છે. શિક્ષકે માત્ર શાળામાં જ શિક્ષણ કાર્ય કરવું તેવું નથી. શિક્ષક હંમેશા તેમનાં દૈનિક જીવનમાં શિક્ષક જ હોય છે. જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે, ધો.૩ થી ૮નાં તમામ વિદ્યાર્થીઓનીદર શનિવારે અલગ-અલગ વિષયની એકમ કસોટી લેવામાં આવે છે. આવા અનેક પ્રયાસોનાં પરિણામે છેલ્લા પાંચ વર્ષમાં સમગ્ર રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં અંદાજે ૨,૬૨,૦૦૦ વિદ્યાર્થીઓએ ખાનગી પ્રાથમિક શાળામાંથી સરકારી પ્રાથમિક શાળાઓમાં પ્રવેશ મેળવ્યો છે.
મોડેલ સ્કુલનાં વિદ્યાર્થીઓ દ્વારા સવાબશેરનું મારૂ દાતરડું, દેશભાવના, બેટીબચાવો જેવી ૧૫ કૃતિઓ રજૂ કરી હતી. શાળામાં અને કૃતિમાં પ્રથમ, બીજા અને તૃતિય નંબર આવેલ વિદ્યાર્થીઓને મહાનુભાવોનાં હસ્તે શિલ્ડ આપી સન્માનિત કરાયા હતા.