મુખ્યમંત્રીના નેતૃત્વમાં ડિજિટલ ગુજરાતના નિર્માણ ક્ષેત્રે ગુજરાત સરકારનું વધુ એક નક્કર કદમ

રાજ્યના નાગરિકોને જનહિતના લાભો સત્વરે મળી રહે તે આશયથી ડીઝીટલ ગુજરાતના નિર્માણ માટે રાજ્ય સરકારે સમયબદ્ધ આયોજન કર્યું છે. જેના ભાગરૂપે અનેકવિધ યોજનાઓનું ડીઝીટલાઈઝેશન થઈ રહ્યું છે. ચીફ ઈલેકટ્રીકલ કચેરી દ્વારા રાજ્યમાં વિદ્યુત શુલ્ક માફીની અરજીઓ ઓનલાઈન પોર્ટલ ઉપર સ્વીકારવાનો તથા વિદ્યુત શુલ્ક માફી ઓનલાઈન આપવા અંગેની શરૂઆત તાજેતરમાં મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી છે. આ સેવાઓને વિસ્તૃત કરતા વીજ કોન્ટ્રાકટરના લાયસન્સ, વિવિધ પરીક્ષામાંથી મુક્તિ, લીફટ અને એસ્કેલેટર પ્રભાગની તમામ કામગીરીઓ ઓનલાઈન કરાઈ છે. જેના થકી રાજ્યના નાગરિકોના સમયના બચતની સાથે કામગીરી વધુ વેગવાન બનશે. તેમ ઉર્જામંત્રી સૌરભભાઈ પટેલે જણાવ્યું હતું.

તેઓએ ઉમેર્યું હતું કે, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના માર્ગદર્શન હેઠળ રાજયમાં અરજદારોને વધુમાં વધુ ઝડપી સેવાઓ, સરળ અને ઓનલાઇન મળી રહે તે માટે મુખ્ય વિદ્યુત નિરીક્ષકની કચેરીની કામગીરી ઓનલાઇન કરવામાં આવી છે. લાયસન્સીંગ બોર્ડ તથા લિફ્ટ અને એસ્કેલેટર્સની કામગીરીને લગતાં મોડયુલ ઓનલાઇન થતાં નાગરિકોને ઉપરોક્ત સેવાઓ ઝડપથી મળતી થઈ જશે. ઊર્જા મંત્રી સૌરભભાઇ પટેલે આ અંગે વિગતો આપતાં કહ્યું કે, ઓનલાઇન અરજીઓ મંજૂર કરવાના આ પ્રોજેકટ અંતર્ગત તા. ૫ ફેબ્રુઆરી, ૨૦૨૦થી રાજયમાં વીજળી કોન્ટ્રાકટર તરીકેનું લાયસન્સ મેળવવા ઇચ્છુક અરજદારો તથા સુપરવાઇઝર  અને વાયરમેનની પરીક્ષામાંથી મુક્તિ મેળવવા માંગતા અરજદારો, સુપરવાઇઝર અને વાયરમેનની પરીક્ષા આપવા માંગતા અરજદારોએ હવેથી ઓનલાઇન અરજી કરવાની રહેશે. રાજયમાં લીફટ અને એસ્કેલેટર્સનું સ્થાપન કરવા માટે તેમજ લિફ્ટના લાયસન્સ મેળવવા તથા રીન્યુ કરવા અંગેની અરજીઓ પણ ઓનલાઈન  કરવાની રહેશે.

7537d2f3 3

સૌરભભાઇ પટેલે જણાવ્યું કે, રાજયમાં નવા લીફટ સ્થાપન કરવા ઇચ્છતા નાગરીકોએ તેના નકશા મંજૂર કરાવી, લીફટની તપાસણી કરાવીને વર્કીંગ લાયસન્સ મેળવવાનું હોય છે. આ કામગીરી હવે ઓનલાઇન થતાં સૌને આ સુવિધાનો ઝડપી લાભ મળશે. તેમણે ઉમેર્યું કે, રાજયમાં હાલમાં ૮૦૦૦૦ જેટલા લીફટ સ્થાપનો છે અને દર વર્ષે અંદાજે ૫૦૦૦ જેટલા નવા લીફટ સ્થાપનો આવી રહયા છે તે અને જેમને લીફટના લાયસન્સ દર પાંચ વર્ષે રીન્યુ કરાવવાના થાય છે તે તમામને આ સુવિધાનો ઝડપી લાભ મળશે.તેમણે ઉમેર્યું કે, રાજયમાં  વીજ સ્થાપનોની કામગીરી ગુણવત્તાયુકત થાય અને વીજ અકસ્માતો ઘટાડી શકાય તે માટે વીજળી  કોન્ટ્રાકટરના લાયસન્સ આપવામાં આવે છે અને ગત વર્ષે આવા ૧૨૦૦ જેટલાં લાયસન્સ આપવામાં આવ્યા છે.

મંત્રીએ કહ્યું કે, યોગ્ય શૈક્ષણિક લાયકાત ધરાવતા લોકો વીજળીના કામ માટે મળી રહે તે માટે  સુપરવાઇઝર અને વાયરમેનની પરીક્ષા વર્ષમાં બે વખત લેવામાં આવે છે. આ પરીક્ષા આપવા ઈચ્છુક ઉમેદવારો તથા ઇલેકટ્રીકલ શાખામાં ડીપ્લોમા/ડીગ્રી ધરાવતાં સુપરવાઇઝર/વાયરમેન પરીક્ષામાંથી મુક્તિ મેળવવા ઈચ્છુક અરજદારોએ પણ અરજી હવેથી ઓનલાઇન કરવાની રહેશે. ચીફ ઈલેક્ટ્રીકલ ઇન્સપેક્ટર કચેરીની પ્રજાલક્ષી બધી જ કામગીરી તા. ૩૧ માર્ચ, ૨૦૨૦ સુધીમાં ઓનલાઇન કરવાનું લક્ષ્યાંક રાખવામાં આવેલ હતું તે વહેલું પૂર્ણ કરવામાં આવ્યું છે. આ બધી કામગીરી ઓનલાઇન થવાથી સમગ્ર રાજયના નાગરિકો આવી સેવાઓનો લાભ ઝડપથી મેળવી સમયનો બચાવ કરી શકશે. આ માટે વેબસાઈટ www.ceiced.gujarat.gov.in પર અરજી સાથે જરૂરી દસ્તાવજો અપલોડ કરવાના રહેશે તેમ તેમણે ઉમેર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.