રાજકોટ સરકીટ હાઉસ ખાતે રાજકોટ શહેર પ્રાંત-૧,૨ અને રાજકોટ ગ્રામ્યના લોક પ્રશ્નો સાંભળતા જિલ્લાના પ્રભારી મંત્રી
જીલ્લાના પ્રભારી મંત્રી અને રાજયના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, રાજય સરકારે પીવાના પાણીના પ્રશ્નને ટોચ અગ્રતા આપેલ છે, ત્યારે કોઇપણ વિસ્તારના પીવાના પાણીના લાંબા અને ટૂંકા ગાળાના પ્રશ્નો રહેવા જોઇએ નહી. પાણીના પ્રશ્નના ઉકેલને ટોચ અગ્રતા આપવા અધિકારીઓને સૂચના આપી હતી.
સરકીટ હાઉસ ખાતે રાજકોટ શહેર પ્રાંત ૧, ર અને રાજકોટ ગ્રામ્યના પ્રાંત કક્ષાના પ્રશ્નોના ઉકેલ માટે યોજાયેલ બેઠકમાં અધ્યક્ષસને ઉદબોધન કરતાં પ્રભારી મંત્રીએ ઉપર મુજબ જણાવ્યું હતું. તેમણે અધિકારીઓને વિવિધ ખાતાઓને સ્પર્શતા વિકાસના લોક પ્રશ્નોનો સમય મર્યાદામાં ઉકેલ લાવવા તાકીદ કરી હતી. તેમણે અધિકારીઓને તેમના કાર્યક્ષેત્રના જિલ્લા, તાલુકા કક્ષાના પ્રશ્નો ઉકેલ તેમની કક્ષાએ વિના વિલંબે લાવવા જણાવ્યું હતું.
મંત્રીએ રાજય કક્ષા, નીતિ વિષયક અને બજેટના સંદર્ભના વિકાસ પ્રશ્નો તેમને મોકલવા સંબંધકર્તા ખાતાઓને જરૂરી સૂચના આપી હતી. જેથી યોગ્ય પ્રશ્નોનો નિકાલ લાવી શકાય.
બેઠકમાં રાજકોટ શહેર, કોટડાસાંગાણી, લોધીકા અને પડધરી તાલુકાના ૩૫ થી વધુ પ્રશ્નો રજુ થયા હતા. મંત્રીશ્રીએ વિવિધ પ્રશ્નોમાં જરૂરી માર્ગદર્શન આપીને હકારાત્મક ઉકેલ લાવવા જણાવ્યું હતું. રજુ યેલાં પ્રશ્નોમાં મહેસુલ, પંચાયત, રસ્તા, વીજળી, શહેરી વિકાસ, રૂડા, પાણી પુરવઠા, સ્ટેમ્પ પેપર, સ્ટેમ્પ ડયુટી, સીટી સર્વે, સૂચિત સોસાયટી, ધરાળના પ્લોટ આપવા, શિક્ષણ વિગેરેનો સમાવેશ થાય છે.
આ બેઠકમાં સાંસદ મોહનભાઇ કુંડારીયા, ધારાસભ્યો ગોવિંદભાઇ પટેલ, લાખાભાઇ સાગઠીયા, અરવિંદભાઇ રૈયાણી, જીલ્લા ભાજપા પ્રમુખ ડી.કે.સખીયા, મહામંત્રી ભાનુભાઇ મેતા, નાગદાનભાઇ ચાવડા, પૂર્વ ધારાસભ્ય શ્રીમતિ ભાનુબેન બાબરીયા, બાવનજીભાઇ મેતલીયા, આગેવાનો અરૂણભાઇ નિર્મળ, શ્રી હિરેનભાઇ જોશી, અધિક નિવાસી કલેટકર પરિમલ પંડયા, નાયબ મ્યુનિ. કમિશ્નરો નંદાણી, ગણાત્રા, પ્રાંત અધિકારીઓ પટેલ, પ્રજ્ઞેશ જાની, નાયબ જીલ્લા વિકાસ અધિકારી મકવાણા, મામલતદાર ભગોરા, અને સંબંધકર્તા ખાતાના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.