રાજ્યની 14 યુનિવર્સિટીઓ સંલગ્ન કોલેજોમાં એડમીશન પ્રક્રિયા માટે કોમન પોર્ટલ અંગે રાજ્ય સરકારની જાહેરાતની પ્રથમ ગ્રાસે મક્ષિકાની જેમ ડો. બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટીએ સ્વતંત્ર પ્રવેશની જાહેરાત કરી દીધી છે ત્યારે, 20 વર્ષ કરતા વધુ સમયથી શાસન કરતી ભાજપ સરકાર પ્રવેશ, પરીક્ષા, પરિણામ અને પદવી અંગે સમયબધ્ધ, પારદર્શક અને ગુણવત્તા યુક્ત વ્યવસ્થા ઉભી કરવામાં નિષ્ફળ ગઈ હોવાનો આક્ષેપ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા ક્ધવીનર અને પ્રવક્તા ડો. મનિષ દોશીએ જણાવ્યું હતું.
દરેક યુનિવર્સિટી પોતાની રીતે અર્થઘટન કરી કામ કરી રહી છે
ગુજરાતની શૈક્ષણીક વ્યવસ્થામાં જુદા જુદા મનઘડંત નિર્ણય કરીને અનેક વિસંગતતા ઉભી કરવામાં શિક્ષણ વિભાગ ખુદ જ કાર્યરત હોય તેમ જણાય છે. રાજ્યની નિતિ નિયમો અલગ અલગ છે. કોમન એડમીશન પોર્ટલ પાછળનો હેતુ મોટાપાયે ડેટા કલેક્શનનો હોય તેવુ જણાય છે. કોમન એડમીશન પોર્ટલ થી સૌથી નુકસાન ગ્રામીણ વિસ્તારના વિદ્યાર્થીઓને સ્થાનિક અભ્યાસ થી વંચિત રહેવુ પડે તેવી શક્યતા જણાય છે. ગુજરાતમાં આવેલી જુદી જુદી યુનિવર્સિટીઓનું ભૌગોલિક મહત્વ હોય છે અને સાથોસાથ, વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓની સ્થાનિક પસંદગી પણ એટલી કેન્દ્ર સ્થાને હોય છે. કોમન એડમીશન પોર્ટલ માત્ર 14 સરકારી યુનિવર્સિટીઓ માટે જ લાગુ કરવામાં આવેલ છે.
હકીકતમાં રાજ્ય સરકારની નિતિ નિયમ સાફ હોય અને કેન્દ્ર સ્થાને વિદ્યાર્થીઓ હોય તો પછી ખાનગી યુનિવર્સિટીઓ મનફાવે તેમ સીધી ફી સ્વીકારતી હોય તેવી વ્યવસ્થાનો ભોગ સામાન્ય-મધ્યમવર્ગના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ બની રહ્યા છે. રાજ્યની સરકારી યુનિવર્સિટીઓમાં પ્રવેશની કાર્યવાહીમાં અતિ વિલંબ થાય છે. બીજીબાજુ, પ્રવેશ નહિ મળે તેવા ભયથી દેખા-દેખીમાં ગરીબ-સામાન્ય-મધ્યમવર્ગના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ ખાનગી યુનિવર્સિટીઓમાં સીધો પ્રવેશ મેળવી લે છે. વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને ઉંચા ટકાવારી છતાં ખાનગી યુનિવર્સિટીમાં ઊંચી ફી ભરવા મજબૂર બને છે.
રાજ્યની શૈક્ષણિક વ્યવસ્થમાં પૂરતા અભ્યાસ કર્યા વિના નિર્ણયો કરવાથી હજારો વિદ્યાર્થીઓ ભોગ બને છે ત્યારબાદ, પાંચ વર્ષે નિર્ણય પરત ખેંચવાની રાજ્ય સરકારને ફરજ પડી છે જેમકે માધ્યમિક-ઉચ્ચ માધ્યમિક સેમેસ્ટર સીસ્ટમ, ગુજકેટ, જેઈઈ, નીટ જેવા ગંભીર અને કારકિર્દી બઢતી પ્રવેશ પરીક્ષા અંગે પણ અનેક વખત શિક્ષણ વિભાગ બદલવાની ફરજ પડી છે.
કોમન એડમીશન પોર્ટલમાં રજિસ્ટ્રેશન માટે રૂ. 300 જેટલી માતબર ફી નક્કી કરવામાં આવી છે તે ઘટાડવી જોઈએ. ઈજનેરી, ફાર્મસી અને મેડીકલ-પેરા મેડીકલ સહિતના અભ્યાસક્રમો માટેની પ્રવેશ સમિતિ લાખો રૂપિયા પ્રવેશ ફોર્મ ફી પેટે વસૂલ કરે છે આવા પ્રકારની નફાખોરી પર રોક લાગવી જોઈએ.