હાર્દિકનો અહમ્ વાટાઘાટનું પ્લેટફોર્મ પણ તૈયાર થવા દેતો નથી: સ્થિતિ ભરેલા નાળિયેર જેવી
હાર્દિકના આંદોલનથી પક્ષને જેટલી નુકસાની થવાની હતી તેટલી થઈ ગઈ હવે ભાજપ કે રાજય સરકાર રતિભાર પણ નમતું તોળવા તૈયાર નથી
જીદ્દી હાર્દિક પટેલને મનાવવામાં ખોડલધામના પ્રમુખ નરેશભાઈ પટેલ પણ નિષ્ફળ’
પાટીદાર નેતા અને અગ્રણીઓ રોજે-રોજ અલગ-અલગ નિવેદનો આપે છે પણ સમાધાનનો રસ્તો કોઈ પાસે નથી
હાર્દિક પાસે આમરણાંત ઉપવાસ આંદોલન હવે અંતિમ શસ્ત્ર: હવે નિષ્ફળતા હાર્દિકની રાજકીય કારકિર્દીને ખીલે તે પહેલા જ મુરઝાવી દેશે
ગુજરાતમાં સૌથી વધુ વસ્તી ધરાવતા પાટીદાર સમાજને અનામત આપવા અને રાજયના ખેડુતોનું દેવુ માફ કરવાની માંગણી સાથે પાસના કન્વીનર હાર્દિક પટેલ છેલ્લા એક પખવાડીયાથી આમરણાંત ઉપવાસ પર બેસી ગયા છે. હાર્દિકને પારણા કરાવવાનો નરેશ પટેલનો પ્રયાસ પણ નિષ્ફળ રહ્યો છે.
ઉપવાસના ૧૫માં દિવસે તબિયત લથડતા ગઈકાલે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે ત્યારે હવે દિવસે-દિવસે રાજય સરકાર અને હાર્દિક વચ્ચેની ખાઈ સતત વધી રહી છે કોઈ કાલે મડાગાંઠ ઉકેલવાનું નામ ન લેતી હોવાના કારણે સરકાર ભીંસમાં આવી ગઈ છે. બીજી તરફ કોંગ્રેસ આ સમગ્ર ઘટનામાં શકય તેટલો રાજકીય લાભ ખાટવાનો પ્રયાસ કરી રહી છે.
કહેવાતા પાટીદાર નેતાઓ અને અગ્રણીઓ રોજે-રોજ પડમાં આવે છે અને નવા-નવા નિવેદનો આપે છે પરંતુ છેલ્લા એક પખવાડીયાથી ચાલતા ઉપવાસ આંદોલનનો અંત કયારે આવશે તે કહેવું તો દુર પણ કરવું પણ મુશ્કેલ બની ગયું છે.
વિધાનસભાની ચુંટણી બાદ હાર્દિક ખોવાય જશે તેવો ભાજપનો ભ્રમ ભાંગીને ભુકકો થઈ ગયો છે. લોકસભાની ચુંટણી નજીક આવી રહી છે ત્યારે હાર્દિક પટેલે ફરી આમરણાંત ઉપવાસ આંદોલનનું શસ્ત્ર ઉગામતા રાજય સરકાર ભીંસમાં મુકાય છે.
ઉપવાસના ૧૪માં દિવસે ગઈકાલે રાજય સરકારે બિનસતાવાર રીતે એવી જાહેરાત કરાવી હતી કે, કઈ-કઈ માંગણી સાથે હાર્દિક આમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કર્યા છે તેની જાણ હજુ સુધી રાજય સરકારને કરી નથી. ગઈકાલે જયારે તબિયત વધુ લથડતા હાર્દિક પટેલ સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ત્યારે રાજય સરકારે એવી સ્પષ્ટતા કરી હતી કે હાર્દિક સ્વૈચ્છાએ હોસ્પિટલમાં દાખલ થયા છે સરકાર દ્વારા આગ્રહ કરવામાં આવ્યો નથી.
રાજય સરકાર અને હાર્દિક વચ્ચેની ખાય દિન-પ્રતિદિન પહોળી અને ઉંડી થઈ રહી છે. હાર્દિકને પારણા કરી લેવા મનાવવા રાજય સરકારે ટ્રમ્પ કાર્ડ તરીકે નરેશ પટેલને મોકલ્યા હતા પરંતુ હાર્દિકને મનાવવામાં નરેશભાઈ પણ નાકામ રહ્યા હતા એટલું જ નહીં હાર્દિકને મનાવવા ગયેલા નરેશભાઈ ગઈકાલે મુખ્યમંત્રીને મળ્યા વિના રાજકોટ પરત ફર્યા હતા અને આજે પણ નહીં મળે.
હાર્દિકને જલ્દીથી પારણા કરાવવા કરતા રાજય સરકાર સમક્ષ હાલ સૌથી મોટો પડકાર રાજયમાં શાંતી જાળવી રાખવાની છે. તબિયત અત્યંત ખરાબ હોવા છતાં હાર્દિક પટેલ પારણાનું નામ લેતો નથી બીજી તરફ રાજય સરકાર પણ નમતું તોળવા તૈયાર ન હોય તેમ હાર્દિક શાંત પડે તેવા પ્રયાસ કરવાના બદલે ઉપવાસ આંદોલનનો ઈશ્યુ સળગતો રહે તેવા નિવેદનો આપી રહ્યા છે.
ભાજપ સરકાર અને હાર્દિક આમ જોઈએ તો છેલ્લા સાડા ત્રણ વર્ષથી આમને-સામને છે બંને વચ્ચે સમાધાનનો સેતુ બનતો નથી એ ખાય સતત પહોળી થઈ રહી છે. હાર્દિક અને રાજય સરકાર વચ્ચેની લડાઈમાં રાજકીય લાભ ખાટવા કોંગ્રેસે એક મોકો પણ ચુકતી નથી અત્યાર સુધી ગુજરાતમાં ખેડુતોના દેવા માફીના પ્રશ્ને કુંભકર્ણની નિંદ્રા માણતી કોંગ્રેસે હાર્દિકના ઉપવાસ આંદોલનના ૧૪માં દિવસે ગઈકાલે ખેડુતોના દેવા માફના પ્રશ્ને જિલ્લા કક્ષાએ એક દિવસના પ્રતિક ઉપવાસ કર્યા હતા. કહેવાતા પાટીદાર નેતાઓ અને અગ્રણીઓ પણ હાર્દિક અને સરકાર વચ્ચેની લડાઈમાં રોજ નીત નવા નિવેદનો ચોકકસ આપે છે પરંતુ આ જંગમાં કયારે શસ્ત્રવિરામ થશે તે કોઈ છાતી ઠોકીને કહેતું નથી.
છેલ્લા સાડા ત્રણ વર્ષથી પાટીદારને અનામત મળે તે માટે આંદોલન ચલાવી રહેલા હાર્દિક માટે હવે આમરણાંત ઉપવાસ અંતિમ શસ્ત્ર છે. જેમાં જો તે સફળ ન થાય તો તેની રાજકીય કારકિર્દી શરૂ થાય તે પહેલા જ પૂર્ણ થઈ જાય તેમ છે. બીજી તરફ રાજય સરકાર પણ એ વાત સારી પેટે જાણે છે કે હાર્દિકના આંદોલનથી પક્ષને જેટલી નુકસાની થવાની હતી તે થઈ ચુકી છે હવે પક્ષે બહુ જતુ કરવા જેવુ નથી.
ચુંટણી નજીક આવે ત્યારે હાર્દિક આંદોલનની પીપુડી વગાડવા ઉભો થાય છે તે વાત હવે તમામ લોકો સારી રીતે જાણી ચુકયા છે. આવામાં હાર્દિકના આમરણાંત ઉપવાસના ૧૫માં દિવસે પણ રાજય સરકારના પેટનું પાણી હલતું નથી. પાટીદાર સમાજ તથા કોંગ્રેસના નેતાઓ એવા નિવેદનો ચોકકસ આપે છે કે સરકારે હાર્દિકને પારણા માટે મનાવવો જોઈએ પણ સરકાર પણ હવે નમવા તૈયાર નથી જેના કારણે ખાય વધુ પહોળી થઈ રહી છે.
ઉપવાસ આંદોલનના ૧૪માં દિવસે હાર્દિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થતા રાજય સરકારે ચોકકસ રાહતનો શ્વાસ લીધો છે. જોકે બન્ને વચ્ચેની મડાગાંઠ કયારે ઉકેલાશે અને ખાય કયારે પુરાશે તે કહેવું મુશ્કેલ છે.