પ્રદર્શનમાં આપણા ફોટાવાળી ટીકીટ: સ્પોર્ટસ રસિયન આર્ટ પશુ-પક્ષી વગેરે વિષયો પરની ટિકિટ: પ્રદર્શનમાં ૪૫થી વધુ ફિલાટેલિસ્ટોએ એકથી કરેલી ટિકિટો મુકાઈ: પ્રદર્શન ખુલ્લુ મુકતાની સાથે નિહાળવા લોકોનો ઘસારો
૬ વર્ષ બાદ ભારતીય ટપાલ વિભાગ દ્વારા ટપાલ ટીકીટનું પ્રદર્શન રાજપેક્ષ-૨૦૧૭ આજરોજ ડો.શ્યામ પ્રસાદ આર્ટ ગેલેરી રેસકોર્સ ખાતે નિરંજનભાઈ શાહના હસ્તે દિપ પ્રાગટય કરીને ખુલ્લુ મુકાયું છે. આ તકે ક્રિકેટ સ્ટેડિયમની સુંદર ડિઝાઈનવાળુ સ્પેશિયલ કવર બહાર પાડવામાં આવ્યું હતું. તેમજ આ પ્રદર્શનમાં સુખડની સુંગધ ફેલાવતી ફિલ્મ એકટ્રેસ મધુબાલાની, જઈ ગુલાબ વગેરે ફુલના ફોટાવાળી, ભારતના મેળા વગેરે વિવિધ કેટેગરીની ટીકીટો પ્રદર્શનમાં મુકાય છે. આ બધામાં રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીજીની ટીકીટો સૌથી દુર્લભ અને સૌથી મોંઘી છે.આ ઉપરાંત પ્રદર્શનમાં સ્પોર્ટસ રશિયન આર્ટ આર્મી પશુ-પંખી વગેરે વિષયો પરની ટીકીટો પ્રદર્શનમાં મુકાઈ છે. તેમજ રાજપેક્ષમાં ખાસ કાઉન્ટર રાખવામાં આવ્યું છે. જયાં આપણા ફોટાવાળી ટપાલ ટિકિટ બનાવી આપવામાં આવે છે. જે ૧૨ ટિકીટનું એક પેકેટ બનાવી આપવામાં આવે છે. જેનો ઉપયોગ પોસ્ટલ સ્ટેમ્પ તરીકે સતાવાર થઈ શકશે.આ પ્રદર્શન નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે.તેમજ રાજકોટની વિવિધ શાળાઓના બાળકો પ્રદર્શન નિહાળી રહ્યા છે અને આવતીકાલે તા.૧૨/૧૧ને રવિવારે રાજકોટ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની તથા બી.પી.સારંગી પોસ્ટ માસ્ટર જનરલ રાજકોટ રીજીયનની ઉપસ્થિતિમાં પ્રદ્યુમનપાર્ક રાજકોટની થીમ ઉપર આધારીત કવર બહાર પાડવામાં આવશે. ટપાલ ટીકીટ સંગ્રાહકો માટે સીનીયર અને જુનિયર એમ બે કેટેગરીમાં પ્રદર્શન ખુલ્લુ મુકાયું છે. સ્કૂલના બાળકો માટે આજે સ્ટેમ્પ ડિઝાઈન માટેની ચિત્ર સ્પર્ધા રાખવામાં આવી છે. જેમાં વિવિધ સ્કૂલના બાળકો ભાગ લઈ રહ્યા છે અને આવતીકાલે બાળકો માટે ફીલાટેલીની જાગૃતિ માટે ફીલાટેલી અવેરનેસ કાર્યક્રમ અને ફિલાટેલી ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું છે.આ પ્રદર્શન ખુલ્લુ મુકતાની સાથે જ લોકોનો ઘસારો જોવા મળી રહ્યો છે. તેમજ વિવિધ સ્કૂલના બાળકો પણ આ પ્રદર્શન નિહાળવા માટે આવી રહ્યા છે. તેમજ વધુને વધુ લોકોને આ પ્રદર્શન નિહાળવા માટે રાજકોટ પોસ્ટ ઓફિસ દ્વારા અપીલ કરાઈ છે. આ પ્રદર્શનને સફળ બનાવવા માટે પોસ્ટ ઓફિસર એલ.સી.જોગીના માર્ગદર્શન હેઠળ નિરજભાઈ રાજદેવ, સુનિલભાઈ, મનિષભાઈ સહિતના કર્મચારીઓ જહેમત ઉઠાવી રહ્યા છે.