ઈંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકાના પ્રથમ મેચથી વર્લ્ડકપ બનશે રોમાંચક
શું બેટીંગમાં પારંગત ઈંગ્લેન્ડ બોલીંગના મહારથી આફ્રિકાને હરાવશે?
ઈંગ્લેન્ડના મહારાણી એલીઝાબેથ કેપ્ટનો સાથે પાર્ટીમાં થયા સામેલ
વિશ્વકપ ૨૦૧૯નો ધમાકેદાર પ્રારંભ થઈ ચૂકયો છે. ત્યારે પ્રથમ મેચ યજમાન ઈંગ્લેન્ડ અને આફ્રિકા વચ્ચે રમાવા જઈ રહ્યો છે. ત્યારે ઈંગ્લેન્ડ બેટીંગના મહારથી તરીકે તેઓએ તેમનું સ્થાન પ્રસ્થાપિત કર્યું છે. જયારે સાઉથ આફ્રિકા બોલીંગમાં મહારથી છે ત્યારે આ પ્રથમ મેચ અતિ રોમાંચક બની રહેશે તેવું પણ માનવામાં આવી રહ્યું છે.
બીજી તરફ જયારે વાત કરવામાં આવે તો વિશ્વકપમાં જેમ જેમ મેચો આગળ વધશે તેમ તેમ ટૂર્નામેન્ટ અતિ રોમાંચક બની રહેશે અને રનોની હારમાળા પણ સર્જાશે. કારણ કે, ટૂર્નામેન્ટમાં ડયુક બોલનો ઉપયોગ થવાનો છે જેના કારણે સ્પીનરોને સ્પીન જે નોર્મલ બોલથી મળવી જોઈએ તે નહીં મળી શકે અને જેમ જેમ ટૂર્નામેન્ટ આગળ ચાલશે તેમ તેમ વિકેટો પણ એટલી જ સપાટ બનશે જેનાથી બેટ્સમેનોને રમવામાં ખુબજ સરળતા રહેશે.
વિશ્વકપ પહેલા અનુમાન લગાવવામાં આવ્યું હતું કે, ઈંગ્લેન્ડની વિકેટ ઉપર ૫૦૦ રન થવાની પણ સંભાવના સેવાઈ રહી છે. જે ખરા અર્થમાં સાર્થક થશે તે વાત પણ સાચી સાબીત થાય તો નવાઈ નહીં. આ વિશ્વકપ અતિશય રોમાંચક બની રહેવાનો છે તેમાં પણ કોઈપણ જાતનો મીનમેક છે નહીં. આ વિશ્વકપ ૨૦૦ દેશોના ૩૦ કરોડ લોકો બાર ડિજીટલ પ્લેટફોર્મ પર મેચ નિહાળી શકશે. વિશ્વકપ ટૂર્નામેન્ટ ૪૬ દિવસ સુધી ચાલનાર છે એટલે વિશ્વ આખામાં બીજી લોકપ્રિય રમત ગણાતા ક્રિકેટમાં ક્રિકેટ ફીવર ચરમસીમાએ પહોંચ્યો છે.
૨૭ વર્ષ બાદ રાઉન્ડ રોબીન ફોર્મેટમાં આ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે એટલે કે દરેક ટીમો તેની વિરોધી ટીમ સામે મેચ રમશે.
ઈંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે પ્રથમ મેચ રમાવા જઈ રહ્યો છે ત્યારે ઈંગ્લેન્ડની ટીમ વિશે વાત કરવામાં આવે તો ઈંગ્લેન્ડ હાલ તેના ઉચ્ચકક્ષાએ એટલે કે ઉચ્ચસ્તરીય પ્રદર્શન અને ફોર્મમાં છે અને આફ્રિકાને પોતાના પર લાગેલા ચોકર્સનો દાગ હટાવવા માટે પ્રયત્ન કરશે. એટલે આફ્રિકાની ટીમ પ્રથમથી જ પોતાની આક્રમક રમત દાખવવી પડશે ત્યારે વિશ્વકપમાં સાઉથ આફ્રિકાનું વિષલેશણ કરવામાં આવે તો ટીમ તેના બેટ્સમેનો પર આધીન નહીં રહે કારણ કે તેનું બોલીંગ ડિપાર્ટમેન્ટ ખૂબજ વધુ અન્ય ટીમોની સરખામણીમાં માનવામાં આવી રહ્યું છે. ઈંગ્લેન્ડની ટીમ પોતાનું ઉચ્ચસ્તરીય પ્રદર્શન કરી રહ્યું છે જેનાથી તેના હોમ ગ્રાઉન્ડનો અને તેમના ફોર્મનો લાભ તેને મળી રહેશે એટલે કહીં શકાય કે વિશ્ર્વકપના પ્રથમ મેચથી જ ટૂર્નામેન્ટ રોમાંચક તબકકામાં આવી જશે અને જેમ જેમ ટૂર્નામેન્ટ આગળ ધપાશે તેમ તેમ રનોના ખડકલા એટલા જ થશે. ત્યારે તમામ ટીમોએ બોલીંગમાં સ્પીડ નહીં પરંતુ બોલીંગ ચાતુર્યથી કાર્ય કરવું પડશે.
આ ટૂર્નામેન્ટમાં ટોપ-૩ ટીમો ટાઈટલ જીતવાની દાવેદાર માનવામાં આવી રહી છે જેમાં ઈંગ્લેન્ડ, ભારત અને ઓસ્ટ્રેલીયાનો સમાવેશ થાય છે. જયારે ચોથી ટીમની વાત કરવામાં આવે તો પાકિસ્તાન અથવા ન્યુઝીલેન્ડ હોય શકે ત્યારે અન્ય ટીમો પણ ભારતીય ટીમના વખાણ કરતું નજરે પડે છે. ત્યારે વિશ્વકપ પહેલા બકિંગહમ પેલેસમાં ઈંગ્લેન્ડના મહારાણી તમામ ટીમના કેપ્ટનો સાથે પાર્ટીમાં સામેલ થયા હતા અને પ્રિન્સ હેરી પણ વિરાટ કોહલી સાથે હાથ મિલાવી અનેકવિધ ચર્ચાઓ પણ કરી હતી.
માઈન્ડ રીડર ‘માહી’ હુકમનું પાનુ બની જશે
ભારતીય ટીમના સ્પીનર યજુવેન્દ્ર ચહલે મહેન્દ્રસિંહ ધોનીના વખાણ કરતા સહેજ પણ અચકાયો નથી અને તેણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, વિરોધી ટીમના ખેલાડીઓનું માનસ પારખવામાં મહેન્દ્રસિંહ ધોની ખૂબજ આગળ છે અને તે ભારતીય ટીમ માટે હુકમનું પાનુ પણ બની રહેશે.
વધુમાં તેને જણાવતા કહ્યું હતું કે, જયાં સુધી ભારતીય ટીમ પાસે મહેન્દ્રસિંહ ધોની ઉપલબ્ધ છે ત્યાં છે વિરોધી ટીમ હરહંમેશ પ્રેશરમાં રહેશે તો નવાઈ નહીં ત્યારે એવું પણ સામે આવે છે કે, આ વિશ્ર્વકપમાં ભારતીય ટીમનો સુકાની ભલે વિરાટ કોહલી હોય પરંતુ સર્વે લોકો અને વિરોધી ટીમનું ધ્યાન મહેન્દ્રસિંહ ધોની પર જ કેન્દ્રીત રહેશે ત્યારે ભારતીય ટીમ જો આ વિશ્વકપ જીતવામાં સક્ષમ થશે તો તેનો શ્રેય પૂર્ણત: ધોનીના શીરે જાય તો નવાઈ નહીં.
ધોનીની કાબેલીયત એ છે કે તે વિરોધી ટીમના બેટ્સમેન બીજા બોલમાં કયાં પ્રકારનો શોર્ટ રમશે તેની ખબર તેને પહેલાથી જ પડી જતી હોય છે અને તે અંગે તે બોલરોને પણ સુચીત કરી તે પ્રકારે બોલ નાખવાનું સુચન કરતો હોય છે. ક્રિકેટ એક મેન્ટલ ગેમ માનવામાં આવે છે જેથી માહી વિરોધી ટીમના ખેલાડીઓનું માનસ પારખવામાં પારંગત છે અને તેની માનસીક સુઝબુઝ અને તેની કુશળતાથી વિરોધીઓને તે હંફાવી દે છે અને ટીમને વિજય સુધી દોરી જાય છે.