એવું કહેવાય છે કે, છેલ્લી ક્ષણ સુધી સ્ટીવ જોબ્સે બાબા નીમ કરોલીનો ફોટો પોતાનાં ઓશીકા નીચે રાખ્યો હતો.
માર્ક ઝકરબર્ગે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની વાતચીત દરમિયાન કહ્યું હતું કે આશ્રમમાંથી શીખેલો આધ્યાત્મિક પાઠ તેઓ છેલ્લા દસ વર્ષથી અનુસરી રહ્યા છે. ફેસબૂકને આગળ લાવવા પાછળ ભારતની આધ્યાત્મિકતા ઘણા મોટા પ્રમાણમાં અસર કરી ગઈ છે.
આપણા અલૌકિક અને અતુલ્ય દેશમાં કેટલાક વિભૂતિઓ એવા થઈ ગયા જેમનાં વિશે ન ક્યારેય સાંભળ્યા મળ્યું કે ન વાંચવા! સૌએ સ્ટીવ જોબ્સની સક્સેસ-સ્ટોરી વાંચી હશે, માર્ક ઝકરબર્ગનાં સંઘર્ષો વિશે માહિતી મેળવી હશે. પરંતુ બંનેનાં જીવનનો સૌથી કપરો સમય ભારતમાં વીત્યો છે એ વાતની જાણ બહુ ઓછા લોકોને છે. જ્યારે એપલ કંપનીની શરૂઆત પણ નહોતી થઈ એ સમયે સ્ટીવ જોબ્સ ભારત-યાત્રાએ આવેલા. એમની વાત નીકળે ત્યારે ઘણા લોકોનું કહેવું એમ પણ છે કે સ્ટીવ જોબ્સે ભારતમાં કશાક આધ્યાત્મિક તત્વની શોધ આરંભી હતી. મહિનાઓ સુધી તેમણે અહીંયા રહીને સાધના કરી હોવાનાં દાવા પણ થઈ રહ્યા છે.
એક હકીકત મુજબ, તેઓ 1974માં ઉત્તરાખંડમાં આવેલા બાબા નીમ કરોલીનાં આશ્રમ પર ગયા હતાં. બાબા નીમ કરોલી 1973માં જ કાળક્રમ પામ્યા હોવાથી આશ્રમ તો ખાલી હતો, પરંતુ સ્ટીવ જોબ્સે ત્યાંના પરિસરમાં કરેલો આધ્યાત્મિક અનુભવ બન્યો – જાયન્ટ એપલ એમ્પાયરનો પાયો!
બાબા નીમ કરોલીનાં અદભુત વ્યક્તિત્વની વાત શરૂ થાય છે આજથી એક સદી પહેલા, ઇ.સ. 1900ની સાલમાં! ઉત્તરપ્રદેશનાં ફિરોઝાબાદમાં રહેતાં દુર્ગાપ્રસાદ શર્માને ત્યાં એક પુત્રરત્નનો જન્મ થયો, જેનું નામ : લક્ષ્મીનારાયણ શર્મા. નાનપણથી જ આ ભાઈને સાધુ-ફકીરની ટોળકીમાં રહેવાનો જબરો શોખ. એક દિવસ કોઇને કહ્યા વગર તેઓ ઘરથી ભાગીને સાધુ બની ગયા. પિતાએ હાથ જોડીને કાલાવાલા કર્યા કે ભાઈ લક્ષ્મીનારાયણ, એકવાર ઘેર આવી જા. લગ્ન કરી લે! પછી તારે જ્યાં જવું હોય ત્યાં જજે. પિતાને એમ હતું કે એક વખત છોકરો સાંસારિક જીવનમાં પગ મૂકી દેશે તો ક્યારેય તેનો ત્યાગ નહીં કરી શકે. પિતાની વેદના સહન ન થતાં લક્ષ્મીનારાયણ ઘેર પરત ફરી ગયા અને 11 વર્ષની કાચી વયે પરણી ગયા. સંતાનમાં તેમને બે દીકરા અને એક દીકરીનો જન્મ થયો.
પિતાની આજ્ઞા અને ઇચ્છાનું માન રાખીને ઘણા વર્ષો સુધી લક્ષ્મીનારાયણે ઘરસંસાર ચલાવ્યો. તમામ પ્રકારની જવાબદારીઓ નિભાવી. પરંતુ તેમનું સુષુપ્ત મન તો ક્યારનુંય વિરક્તિ પામી ચૂક્યું હતું. ભૌતિક ચીજ-વસ્તુઓ અને સુખ સગવડોનો મોહ પણ હવે છૂટી ગયો હતો. આખરે 1958ની સાલમાં તેમણે ગૃહત્યાગ કર્યો અને ટિકિટ લીધા વગર ફારૂખાબાદની ટ્રેનમાં બેસી ગયા. થોડા સમય પછી ટિકિટ-ચેકર આવ્યો. લક્ષ્મીનારાયણે કહ્યું કે ટિકિટ તો નથી! ગુસ્સે થઈને ટિકિટ-ચેકરે તેમને ટ્રેનની બહાર ધકેલી મૂક્યા.
જે ગામનાં પાટાઓ પર ગાડી ઉભી રાખવામાં આવી હતી તેનું નામ હતું : નીબ કરોરી! લક્ષ્મીનારાયણ કોઇ આનાકાની કર્યા વગર ટ્રેનમાંથી નીચે ઉતરી ગયા. ક્ધડક્ટરને ટ્રેન ચાલુ કરવાનો આદેશ અપાયો. પરંતુ બધાનાં આશ્ચર્યની વચ્ચે, ટ્રેન ચાલુ જ ન થઈ! પુષ્કળ કોશિશો કરવામાં આવી, એન્જિન ચકાસવામાં આવ્યું, જેટલા પ્રકારની તકનિકી ખરાબી થવાની સંભાવના હતી એ તમામ ચકાસવામાં આવી. બધું નિષ્ફળ! ફોલ્ટ પકડાતો જ નહોતો. એમાં વળી કોઇકે ટિકિટ-ચેકરને સલાહ આપી કે પેલા નીચે ઉતારી મૂકેલા સાધુ જેવા દેખાતાં પેસેન્જરને પાછા લઈ આવો.
ટ્રેન પરથી નીચે ઉતારી દીધા તો એન્જિન જ ખોટવાય ગયું… બાબા નીમ કરોલી વિશે જાણો આવા અનેક રસપ્રદ તથ્યો
લક્ષ્મીનારાયણને ફરી ટ્રેનમાં ચડાવવામાં આવ્યા. મનમાં કોઇ જાતનો દ્વેષભાવ રાખ્યા વગર તેમણે ક્ધડક્ટર અને ટિકિટ-ચેકરની વાત માની લીધી. જેવા તેમણે ટ્રેનમાં પગ મૂક્યા કે તરત એન્જિન ચાલુ થઈ ગયું. બધા મુસાફરો અને ટ્રેનનાં અફસરો તો લક્ષ્મીનારાયણનાં પગે પડી ગયા. ટ્રેન-ડાઇવરે લક્ષ્મીનારાયણને તેમની ઇચ્છા પૂછી. તેમણે કહ્યું કે આગામી સમયમાં આ જગ્યા પર નીબ કરોરી સ્ટેશન ઉભું કરવામાં આવે. ટ્રેન અફસરોએ તુરંત જ એમની આજ્ઞા સ્વીકારીને ત્યાં સ્ટેશન બનાવવા માટેનો આદેશ આપી દીધો.
લક્ષ્મીનારાયણે એ પછી તો નીબ કરોરીમાં વસવાટ કર્યો અને ચમત્કારોની હારમાળા સર્જી. એવું કહેવાતું કે એમને મળવા ગયેલા આગંતુક વિશે લક્ષ્મીનારાયણને પહેલાથી જ ખબર પડી જતી અને તેઓ મુલાકાતીનો ભૂત, ભવિષ્ય અને વર્તમાનકાળ કહી દેતાં! નીબ કરોરીને પોતાનું રહેઠાણ બનાવ્યું હોવાથી ગામવાસીઓ તેમને આદરભાવથી નીમ કરોલી બાબા તરીકે ઓળખવા લાગ્યા. આખા ઉત્તર ભારતમાં તેઓ ફર્યા અને તપસ્યા કરી. આપણા ગુજરાતનાં મોરબી જિલ્લામાં આવેલા વવાણિયા ગામમાં તેમણે પોતાની સાધના પૂરી કરી અને નીબ કરોરી પરત ફર્યા. (એ જ ગામ, જ્યાં શ્રીમદ રાજચંદ્રનો જન્મ થયો હતો!)
1960થી 1970નો દશક એવો હતો, જ્યારે ઘણા-બધા અમેરિકન ટેક-બિલિયોનર્સ અને એન્ટરપ્રેન્યોર બાબા નીમ કરોલીનાં દર્શન માટે આવ્યા. કેટલાક તો એટલી હદ્દે ભક્તિનાં રંગમાં રંગાઈ ગયા કે ફરી પાછા ક્યારેય અમેરિકા પરત ફર્યા જ નહીં! ગુગલનાં ભૂતપૂર્વ ફિલાન્થ્રોપિક આર્મ ડિરેક્ટર લેરી બ્રિલિયન્ટ પણ ગુરૂ નીમ કરોલીનાં દર્શનાર્થે આવ્યા હતાં. તેમણે તો ઉત્તરાખંડનાં એ આશ્રમને જ પોતાનું કાયમી ઘર બનાવી લીધું.
પરંતુ તાજેતરનાં એક ઇન્ટરવ્યુમાં તેમણે જણાવ્યું હતું કે, એક દિવસ મહારાજજીએ એમને અમેરિકા પાછા ફરી જવાનો આદેશ આપ્યો. તેમની આજ્ઞા હતી કે અમેરિકા પાછો ફરીને તેઓ ઓરી-અછબડાં નાબૂદી માટે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની સહાયતા કરે!
અમેરિકા પરત ફર્યા બાદ પણ લેરી બ્રિલિયન્ટ બાબાનાં સતત સંપર્કમાં રહ્યા અને તેમની સેવાભક્તિ કરી. તેમણે ગુગલ અને ઇ-બે કંપનીનાં સંસ્થાપક લેરી પેજને પણ ગુરૂ નીમ કરોલી સાથે મેળાપ કરાવ્યો હતો. બાબાએ લેરી પેજને આધ્યાત્મિક પ્રેરણા આપીને ગુગલની સ્થાપના કરવાનાં મનોબળને વધુ મજબૂત બનાવ્યો. જીવનભર એમણે લાખો લોકોને દાણાપાણીથી માંડીને જરૂરી એવી તમામ ઘરવખરીની વસ્તુઓ દાનમાં આપી.
પુષ્કળ મુલાકાતીઓ તેમજ ગરીબોને નિ:સ્વાર્થભાવે આશ્રમમાં જમાડ્યા. ઉત્તરાખંડનાં નીબ કરોરી આશ્રમનો પ્રભાવ એટલો બધો જબરદસ્ત હતો કે લોકો ત્યાં ઘણી માનસિક શાંતિનો અનુભવ કરતાં. દેશ-વિદેશમાં પોતાનાં સત્કાર્યોની સુવાસ ફેલાવ્યા બાદ ગુરૂ નીમ કરોલીનું 1973ની સાલમાં દેહાવસાન થયું.