શાળા બાળ આરોગ્ય ચકાસણીમાં મેયર નયનાબેને બાળપણના સંસ્મરણો વાગોળ્યા
રાષ્ટ્ર્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અભિયાન અંતર્ગત ગુજરાત સરકાર ના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના માર્ગદર્શન હેઠળ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે વોર્ડ નં.14માં 9/10 માસ્તર સોસાયટી, ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં, 80 ફૂટ રોડ, રાજકોટ ખાતે આવેલ શ્રી કસ્તુરબા હાઈસ્કુલ ખાતે શાળા બાળ આરોગ્ય ચકાસણી કાર્યકમ યોજવામાં આવ્યો.આ કાર્યક્રમમાં સાંસદ પરસોતમભાઇ રૂપાલા, સાંસદ રામભાઈ મોકરીયા, ડો.ભરતભાઈ કાકડીયા સહીતના ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મુકવામાં આવ્યો.
આ તકે પરસોત્તમભાઈ રૂપાલાએ જણાવ્યું હતું કે, આજનો આ કાર્યક્રમ ખુબ જ અગત્યનો કહેવાય. આપ સૌ બાળકોનું સ્વાસ્થ્ય તંદુરસ્ત રહેશે તો આપણા દેશનું ભવિષ્ય સ્વસ્થ બનશે. રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવતા આ કાર્યક્રમનો મુખ્ય ઉદેશ્ય એ છે કે, જન્મજાત બાળકનું પ્રાથમિક તબક્કાથી જ આરોગ્ય સારું રહે. ઘણી વખત પરિવારને નાની બીમારી વિશે જાણકારી નથી હોતી પરંતુ આ શાળા બાળ આરોગ્ય ચકાસણી કાર્યક્રમ થકી બાળકની બીમારી ઉજાગર થાય છે અને તેના માટે મેડીકલ ટીમ દ્વારા આગળની સારવાર માટે મોકલવામાં આવે છે. બાળકને જે પણ બીમારી નીકળે તેના માટે રાજ્ય સરકાર તરફથી વિનામૂલ્ય સારવાર કરાવવામાં આવે છે.
આ તકે મેયર નયનાબેન પેઢડીયાએ જણાવેલ કે, જ્યાં ભણ્યા હોય ત્યાં પ્રગતિ થાય ત્યારે ખુશી થાય. મે અહી આજ મેદાનમાં બેસીને અભ્યાસ કર્યો છે. અમારા સમયે આ મેદાનમાં રાજ્ય સરકારની વિવિધ રમતો રમતા હતા જેમાં મારી પસંદગીની રમત ‘ખો–ખો’ હતી. બાળપણમાં રમેલી રમતો અત્યારે બહુ યાદ આવે છે. દિકરીઓ તમારે આવનારા સમયમાં બે પરિવારને ઉજાગર કરવાના છે માટે અત્યારથી જ દરેક કામને એવી રીતે કરો કે પોતાનું કામ હોય. કોઈપણ કામથી ભાગવું નહી. દીકરીઓ પોતાના સ્વાસ્થ્યને સારું રાખશે તો પરિવારના તમામ સભ્યોની કાળજી કરી શકશે. આપણે શાળામાં હોઈએ ત્યારે શાળામાં પ્રાથમિક તબક્કાના જે ગુણો આપવામાં આવે છે તે ગુણો આખી જીંદગી કામ આવે છે.
આ કાર્યક્રમમાં શ્રી કસ્તુરબા હાઈસ્કુલની છાત્રો દ્વારા મહાનુભાવોનું પુસ્તક અર્પણ કરી સ્વાગત કરવામાં આવેલ. આ કાર્યકમમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેની જયમીન ઠાકર દ્વારા ઉપસ્થિત સૌ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું. આ કાર્યક્રમની આભારવિધિ આરોગ્ય સમિતિના ચેરમેન કેતનભાઈ પટેલ દ્વારા કરવામાં આવી. ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દાતા નાનુભાઈ અને નીલેશભાઈ જલુનું પુસ્તક આપી સન્માન કરવામાં આવ્યું હતું.
ઉપસ્થિત સૌ મહાનુભાવો દ્વારા આજના શાળા બાળ આરોગ્ય ચકાસણી કાર્યક્રમમાં બાળકોને કરવામાં આવ્યું હેલ્થ ચેકઅપ અંગે કામગીરી નિહાળી હતી ત્યારબાદ શાળાના ગ્રાઉન્ડમાં સૌ મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું.