ગુજરાતમાં પધારો ત્યારે ‘અબતક’ના આંગણે પાવનકારી પધરામણી કરવાનું સ્નેહ નિતરતુ નિમંત્રણ સહર્ષ સ્વીકારતા સદગુરુ જગ્ગિ વાસુદેવજી
અબતક-રાજકોટ
વિશ્વપ્રસિધ્ધ સંત, ભારતીય આધ્યાત્મિક ગુરૂ યોગી, આધ્યાત્મિક વક્તા સ્વામિ જગ્ગિ વાસુદેવજી દ્વારા કોઇમ્બતુર ખાતે મહાશિવરાત્રિના પર્વ પ્રસંગે ‘શિવજીના સંગાથની એક રાત’ કાર્યક્રમનું શ્રધ્ધા અને ભક્તિભાવસભર ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેનું આવતીકાલે સાંજે 6 થી સવારના 6 સુધી ‘અબતક’ ચેનલ, યુ-ટ્યુબ અને ફેસબુકમાં લાઇવ ટેલિકાસ્ટ કરવામાં આવશે.
સ્વામિ જગ્ગિ વાસુદેવજીને તેમના અનુયાયીઓ તેમને સદગુરુના નામથી સંબોધે છે. તેઓ ઇશા ફાઉન્ડેશન નામની સ્વૈચ્છિક માનવ સેવા સંસ્થાનના સ્થાપક છે.
ઇશા ફાઉન્ડેશન ભારત સહિત અમેરિકા, ઇંગ્લેન્ડ, લેબેનાન, સીંગાપુર અને ઓસ્ટ્રેલિયામાં યોગ શિખવે છે. સદ્ગુરૂને સંયુક્ત રાષ્ટ્રસંઘની આર્થિક અને સામાજીક કાઉન્સીલમાં ખાસ સલાહકારની પદવી આપવામાં આવી છે.
સદગુરુ જગ્ગિ સ્વામીએ આઠ ભાષાઓમાં 100થી વધુ પુસ્તકોની રચના કરી છે. 2017માં તેઓને પદમ વિભૂષણ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.
માત્ર 25 વર્ષની ભર યુવાનીમાં તેઓને અનાયાસે એકદમ વિચિત્ર રીતે ગહન આત્મ અનુભૂતિ થઇ અને જીવનની દિશા બદલાઇ ગઇ.
1999માં સદગુરુ જગ્ગી વાસુદેવ સ્વામિ દ્વારા ધ્યાનલીંગ એવું પ્રથમ લીંગ છે. તેની પ્રતિષ્ઠા અને આ ધ્યાન લીંગ 13 ફૂટ અને 9 ઇંચની ઉંચાઇ ધરાવતું વિશ્ર્વનું સૌથી મોટુ પારદ આધારિત જીવીત લીંગ છે.
વિશ્ર્વસ્તરે મોટું નામ ધરાવતા આ સ્થાને દર શિવરાત્રીએ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે.જો કે મહાશિવરાત્રિ પર પાંચ ગ્રહ એક જ રાશીમાં અને છ રાજયોગ પણ વર્ષમાં એક વખત જ બને છે. જેથી આ દુર્લભ સંયોગ છે.
આ કાર્યક્રમમાં અસંખ્ય નામાંકિત કલાકારો પોતાની કૃતિઓનું પ્રદર્શન કરશે. આ કાર્યક્રમમાં ભાગ લેનાર લોકોને પ્રાણ પ્રતિષ્ઠિત રૂદ્રાક્ષ પણ આપવામાં આવશે.આવતીકાલે શરૂ થનાર આ કાર્યક્રમ 8 માર્ચ સુધી ચાલશે. દરમિયાન આધ્યાત્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.
25 વર્ષની ઉંમરે સદગુરુને થયેલા આધ્યાત્મિક અનુભવોએ તેમને પોતાના જીવનના ઉદ્દેશ્ય અંગે પુનર્વિચાર કરવાની ફરજ પાડી. 1983માં તેમણે યોગ પ્રશિક્ષક બનવાનું નક્કી કર્યું. જેના 10 વર્ષ બાદ તેમણે ઈશા ફાઉન્ડેશનની સ્થાપના કરી અને સમય જતાં તેમની સંસ્થા સામાજિક અને સમુદાય વિકાસ કાર્યક્રમોમાં પણ સામેલ થઈ.
સદગુરુની ઈશા ફાઉન્ડેશને આંતરરાષ્ટ્રીય સ્તરે ઘણું નામ કમાયું છે. ઘણા દેશોમાં તેમના ફાઉન્ડેશનના કાર્યક્રમો ચાલે છે. સદગુરુએ વર્ષ 2006, 07, 08 અને 09માં વર્લ્ડ ઈકોનોમિક ફોરમમાં ભાગ લીધો હતો. તેમણે વર્ષ 2000માં યુનાઈટેડ નેશન્સ મિલેનિયમ વર્લ્ડ પીસ સમિટને પણ સંબોધી હતી. સારા વક્તા હોવા ઉપરાંત, તેઓ કવિ અને લેખક પણ છે. તેમણે અંગ્રેજીમાં 8થી વધુ પુસ્તકો લખ્યા છે. તેમને રસોઈ બનાવવાનો પણ શોખ છે.