રણમાં મીઠું પકવતા અગરિયાઓ માટે 3000 સોલાર મંજૂર કરાયા હતા. રણમાં મીઠું પકવતા અગરિયાઓને સોલાર સિસ્ટમ આવતા એમને મીઠું પકવવામાં ખુબ ફાયદો થતાં એમનું જીવનધોરણ ઊંચુ આવ્યું છે. અગરિયાઓને 2 માસમાં સબસિડી આપવાની ગાઇડલાઇનને 700 અગરિયાઓને 3 વર્ષથી સબસિડી ન ચૂકવાતા અગરિયાઓ લાલઘૂમ બની ચૂંટણી બહિષ્કારની ચિમકી આપી છે. અને ચૂંટણી પહેલા બેંક ખાતામાં સબસિડીની રકમ જમા નહીં થાય તો અગરિયાઓ મુખ્યમંત્રીને આવેદનપત્ર આપવા ગાંધીનગર સુધી ધસી જવા મક્કમ બન્યા છે.
ગુજરાત સરકાર અને ભારત સરકાર દ્વારા રણમાં મીઠું પકવતા અગરિયાઓ માટે 3000 સોલાર મંજૂર કરવામાં આવ્યા હતા. જેમાંથી સૌથી વધુ સુરેન્દ્રનગર જિલ્લામાં 2000 કરતા વધારે સોલાર સિસ્ટમ અગરિયાઓને આપવામાં આવી હતી. સોલાર સિસ્ટમ લાગ્યા પછી અગરિયાઓને બે માસમાં સબસિડી આપવી એવી સરકારની ગાઇડલાઇન છે. જેમાં સોલાર સિસ્ટમ પર 80 % સબસિડી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા આપવામાં આવે છે. રણમાં સોલાર આવતા અગરિયાને ખુબ મોટો ફાયદો થયો છે. જેનાથી અગરિયાઓને દર મહિને રૂ.30,000 બચે છે.
એમને સોલાર સબસિડીનો લાભ વ્યાજમાં ગયો છે. આજે સબસિડી ના આવતા અગરિયો સોલાર સિસ્ટમ લઇને ફસાઇ ગયો છે. રણમાં મીઠું પકવતા અગરિયાઓની ઉગ્ર માંગણી છે કે સોલાર લાગ્યાને બે-ત્રણ વર્ષ વિતવા છતાં અગરિયાઓના ખાતામાં સબસિડી જમા થઇ નથી. જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા રણમાં આવીને સ્થળ તપાસ કરી જવાની સાથે અગરિયાઓ દ્વારા તમામ જરૂરી ડોક્યુમેન્ટ પુરા પાડવા છતાં અને અનેકો ધક્કા ખાવા છતાં છેવાડાના માનવી ગણાતા એવા અગરિયાની રજૂઆતો તંત્રના બહેરા કાને અથડાતી પણ નથી.
આ અંગે અગરિયા હિત રક્ષક મંચના જિલ્લા કો.ઓર્ડિનેટર ભરત સોમેરા આક્રોશ સાથે જણાવે છે કે અગરિયાની વ્યાપક રજૂઆત છે કે 700 કરતા વધારે સોલાર પંપની સબસિડી તાકીદે આપવામાં આવે નહિંતો અગરિયા સમુદાય આ વિધાનસભા ચૂંટણીમાં મતદાન બહિષ્કાર કરવાનું પણ ગંભીર રીતે વિચારી રહ્યાં છે. અને રણમાંથી એક પણ અગરિયો મતદાન કરવા ગામમાં નહીં આવે. અને ચૂંટણી પહેલા અગરિયાઓના બેંક ખાતામાં સબસિડીની રકમ જમા નહીં થાય તો અગરિયાઓ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને આવેદનપત્ર આપવા ગાંધીનગર સુધી ધસી જવા મક્કમ છે.