વાગ્યો રે ઢોલ…. વાગ્યો રે ઢોલ….
આપણી કાઠિયાવાડી સંસ્કૃતિના ગીતો-ગરબા અને રાસમાં ઢોલનું મહત્વ અનેરૂ છે: પ્રાચિનકાળથી ‘ઢોલ’ આપણાં લોકવાદ્યોમાં જોડાયેલ છે: ઢોલ-નગારાને શરણાઇના સુરે આનંદોત્સવની ઉજવણી થાય છે
રાજાશાહીમાં પણ લોકોને સંદેશ પહોંચાડવા કે વાત કહેવા પહેલા ઢોલ વગાડીને બધાનું ધ્યાન ખેંચતાને પછી સુચના આપતા: સમુહગાન, સંઘ, નૃત્ય અને યુધ્ધના પ્રારંભે પણ તેનો ઉપયોગ થતો હતો: સંગીતનું પ્રથમ સાધન 37 હજાર વર્ષ પહેલા કે એથી પણ જુનું હોય શકે છે.
દુનિયાના વિવિધ પ્રાંતોમાં સંગીત સાધનો સ્વતંત્ર રીતે વિકસાવવામાં આવ્યા
જેમ-જેમ માનવ સંસ્કૃતિનો વિકાસ થતો ગયો તેમ-તેમ તેનો વિકાસ થતો ગયો. વિવિધ પ્રાંતોમાં, સંસ્કૃતિમાં સંગીતના સાધનોનો સ્વતંત્ર રીતે વિકાસ થયો હતો. મધ્યકાલીનયુગમાં એકબીજા સંસ્કૃતિના વાદ્યોનું આદાન-પ્રદાન થયુંને સંગીત વાદ્યોનો વિકાસ થયો. આપણી જુની ફિલ્મોમાં 100 ટકા ભારતીય વાદ્યોનો ઉપયોગ સંગીતકારો કરતા પણ વેસ્ટર્ન મ્યુઝિકનો યુગ શરૂ થતાં વિદેશી વાદ્યો બોલીવુડ ગીતોમાં આવ્યા. સંગીતના સાધનોની અનુક્રમણિકા અંદાજે 1400ની સાલ સુધીની માન્ય રાખી શકાય તેમ છે. સંગીતના સાધનો કેમ બન્યા અને વિકસ્યા તે જાણવાની પધ્ધતિ પણ પુરાતત્વ ખાતાના કલાત્મક ચિત્રો અને સાહિત્ય સંદર્ભો આધારિત છે. નગારાનું સંશોધન ધાર્મિક વાદ્ય તરીકે થયું હતું.
આફ્રિકાની કેટલીક સંસ્કૃતિએ પણ નગારા બનાવ્યા હતા, જો કે ત્યાંની તમામ સંસ્કૃતિમાં નગારાનું ચલણ વ્યાપક હતું. નગારૂં ખૂબ જ પવિત્ર મનાય છે. કાળક્રમે માનવજાતિએ સુસ્વર સંગીતના સર્જન માટે સંગીતના સાધનો વિકસાવ્યા તે અગાઉ માત્ર ગાયકી પુરતું મર્યાદિત હતું. સંગીતના સાધનોના ચિત્રો મેસો પોટેમિયાના સમયગાળામાં ઇ.સ.2800માં કે તેના પહેલા પણ જોવા મળે છે. ઇ.સ.પૂર્વે 2000માં બેબી લોન સંસ્કૃતિમાં પણ સંગીતના સાધનોને બે વિભાગમાં વહેંચ્યા હતાં. વિશ્ર્વનાં ઘણા ભાગોમાંથી પુરાતત્વ ખાતાને સંગીતના સાધનો મળ્યા છે. કેટલાક લોકોને તો 67 હજાર વર્ષ જુના સાધનો પણ હાથ લાગ્યા હતા. આ પરથી ખ્યાલ આવે કે સંગીતનું પ્રથમ સાધન 39 હજાર પહેલા કે એથી પણ જુનું હોય શકે છે.
સંગીતના સાધનોની બનાવટ કે તેનો ઉપયોગ સંગીતના સાત સુરો ઉત્પન કરવા માટે થાય છે. બધા જ સાધનો અવાજ ઉત્પન કરી શકે છે. તેને સંગીતના સાધન ગણી શકાય. માનવ સંસ્કૃતિની શરૂઆત થઇ ત્યારથી જ આ સંગીત સાધનો પણ શરૂ થયા હતાં. સંગીતમાં ક્યુ સાધન પ્રથમ હતું તેના વિશે અનેક વાતો પ્રચલિત છે પણ પહેલું સાધન આજથી સાત હજાર વર્ષ પહેલા જુનું હતું તેમ મનાય છે. આ સાધનને 37 હજાર વર્ષ પહેલાની જુની વાંસળી સાથે સરખાવી શકાય છે.ઢોલ પર દાંડી પડે તો તેનો અવાજ સમગ્ર વાતાવરણને પ્રફૂલ્લીત કરી દે છે. ઢોલ એ બે બાજુવાળા નળાકાર લાકડાથી બનેલું સાથે બંને સાઇડ ચામડાનું પડ ચડાવીને એક સંગીતવાદ્ય બનાવાય છે. લાકડાની દાંડી દ્વારા તેને તાલમાં વગાડાય છે. ઢોલ વગાડનારને ઢોલી કે ઢાઢી કહેવાય છે. આનો મુખ્ય ઉપયોગ ગરબા-ભાંગડા કે બિહુ જેવા વિવિધ નૃત્યોમાં થાય છે. ગુજરાતનાં ગરબા ઢોલના તાલ વગર નકામાં ગણાય છે. પંજાબી ભાંગડાનું નૃત્યુમાં ઢોલ અત્યંત લોકપ્રિય છે. આપણે ત્યાં લગ્ન તથા અન્ય શુભ પ્રસંગે ઢોલ અચૂક વગાડાય છે.
આપણાં લોકવાદ્યોમાં ઢોલનું વિશેષ મહત્વ છે. પ્રાચિન સંગીત વાદ્યોનો આપણાં પ્રાચિન ગ્રંથોમાં ઉલ્લેખ છે. રાજાશાહીમાં પણ લોકોને સંદેશ પહોંચાડવા વાત કહેવા પહેલા ઢોલ વગાડીને બધાનું ધ્યાન ખેંચતાને પછી સુચના અપાતી. ભારતીય સંગીતમાં 36 પ્રકારના વાદ્યોનો ઉલ્લેખ જોવા મળે છે, જેમાં ઢોલ અતી મહત્વનું છે. તેને મેદાની વાદ્ય પણ કહેવાય છે.
સમુહગાન, સંઘનૃત્ય, સવારી અને યુધ્ધમાં પણ તેનો ઉપયોગ થતો હતો. આ વાદ્ય સિવાય વિશ્ર્વભરમાં એકપણ સારૂ વાદ્ય નથી આપણે ત્યાં ગુજરાત-સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઢોલ પર વિવિધ તાલે નૃત્ય સાથે રશિયા અને હંગેરી દેશમાં પણ આ ઢોલ ધબુકે છે. ભારતીય લોક સંગીતમાં જેટલું સ્વર વૈવિધ્ય છે તેટલું લોકનૃત્યમાં પગલાનો પડકાર પણ છે. આ બધામાં અવાજનો તાલમય નાદ એટલે લોકવાદ્ય ઢોલ છે. ઢોલ લોકોનું વાદ્ય કહેવાય છે. આ વાદ્ય લોકજીવન સાથે વણાયેલ છે.
આપણા પ્રાચિન પુરાવામાં ખજૂરાહોના શિલ્પો કે પાષાણ યુગમાં ઢોલ વગાડતી સ્ત્રીના પુરાવા મળ્યા છે. ઢોલ આદિકાળથી માનવી સાથે જોડાયેલ છે. આપણાં પ્રાચિન ગ્ંરથોમાં ભારતીય વાદ્યોને તંતુ, ઘન, અવનદ્ય અને સુષિર એમ ચાર વર્ગમાં વહેંચવામાં આવ્યા છે. મેદાની કે રણ વાદ્ય તરીકે આપણા ઉત્સવ, યુધ્ધ, ધિંગાણા કે સંકટ સમયે સંદેશો આપવા વગાડાતો ઢોલ લગ્ન પ્રસંગે મંગલ વાદ્ય પણ બને છે. દુનિયાભરમાં જુદા-જુદા પ્રકારે આ વાદ્ય છે. ક્ષુણ્ણક કમલ કે આનક તેના નામો છે. તેના વગાડવાના અવાજ પરથી તેને પટહ કે ડિંડીમ પણ કહેવાય છે.
ભરત નાટ્ય શાસ્ત્રમાં ઢોલ-વાદ્ય યંત્રના શોધક તરીકે ‘સ્વાતિ’ નામના ઋષીનું નામ આદીકાળથી જોડાયેલું છે. આ ગ્રંથમાં 33માં અધ્યાયમાં વાદ્ય ઉત્પતિની કથા જોવા મળે છે. તેની એક વાર્તા પણ આ શાસ્ત્રોમાં આવે છે. ચોમાસાના છાંટા પડેને તેનો અવાજ ટપટપાટપ જેવા તાલબધ્ધ અવાજ આનો ઉદ્ભવ હોઇ શકે છે. ચામડાથી મઢેલા પુષ્કર ઢોલનો અવાજ વાગતા જ ગ્રામ્ય સંસ્કૃતિ જીવંત થઇ જાય છે. આજે પણ આપણે આપણાં નાના-નાના સંતાનોને નાનકડા ઢોલ અપાવીએ છે. લોકનૃત્ય હોય કે નવરાત્રીના રાસ-ગરબા આ બધામાં ઢોલનો ધબકાર વાતાવરણને ઉત્સાહ પ્રેરક બનાવીને બાળથી મોટેરાને રૂમઝુમ થવા મજબૂર કરે છે.
લોકવાદ્ય માટે મૂલ્યવાન પ્રાચિનગ્ંરથ ‘ઢોલ સાગર’ નામે જાણિતો છે. જેમાં તેની ઉત્પતિ એના વિવિધ અંગોના દેવતાઓ સાથે તેનું સંગીત-નૃત્યમાં સ્થાન-મહત્તાનો ઉલ્લેખ જોવા મળે છે. વિવિધ આંગળીનો જુદા-જુદા સ્વરોની માહિતી સાથે આ ગ્રંથમાં સચોટ માહિતી આપી છે.
બે દોરી વચ્ચેની કડી જેને કસીણકા કહેવાય છે તેને ખેંચીને ચડાવીને ઢોલને સુર મેળવાય છે. કડીને ગણીપુત્ર પણ કહે છે. સુતરની દોરી પરોવીને બાર છિદ્રોમાંથી પસાર કરીને શ્રેષ્ઠ ઢોલ બનાવાય છે. આ છિદ્રોના પણ નામ હોય છે, જેમાં પ્રત્યેક છીદ્ર કે ઘરને દેવતાના નામથી ઓળખાય છે, જેમ કે સરસ્વતિ, દુર્ગા વિગેરે.
ઢોલના પિતા શંકર અને માતા પાર્વતી-પત્ની ભાવશક્તિ સાથે ગૌત્ર અગ્નિ છે. સતયુગમાં ઇન્દ્રરાજાને ઉમદાદાસ નામનો ઢોલી હતો. દ્વાપર યુગમાં માંધતા રાજાને વામનદાસ નામે ઢોલી હતો. આવી જ રીતે ત્રેતાયુગ અને કળિયુગમાં ઢોલી હતાં. આજે આ બાબતે ઢોલના જાણકારો બહુ ઓછા છે. ખંભે ભરાવીને વગાડાતો ઢોલની દોરી સુતરની હોય છે. અસલ દેશી ઢોલ માટે બિયાનું લાકડું વપરાય છે.
ઢોલનું કોઇ નક્કી કરેલ માપ હોતું નથી પણ તે દોઢ ફૂટથી સાડા ત્રણ ફૂટના જોવા મળે છે. મારવાડી કે આદિવાસીનાં ઢોલ ખૂબ જ મોટા હોય છે. ઢોલ પરથી નાની ઢોલકી કે ઢોલક આવ્યા હતાં. આજે તો સ્ટીલના ઢોલ આવી ગયા છે. નાનકડા ઢોલ છોકરાને શીખવામાં ઉપયોગ કરાય છે. ગુજરાતના ભાલ પંથકમાં ત્રાંબાના ઢોલ જોવા મળે છે. રાજા-રજવાડા તો શુભ પ્રસંગે આજુબાજુના ઢોલીને રમવા બોલાવે છે. દાંડીને પણ ચાંદીનું મોરૂ અને નાની ઘૂઘરીયોથી શણગારે છે. આજે તો લગ્ન પ્રસંગે ઢોલના તાલે ઘોડીને નચાવે છે.
આપણાં તહેવારો હોળી, ગોકળ આઠમ, નવરાત્રીએ ઢોલમાં હિંચ વાગે એટલે નારીઓના હૈયા અને પગના ઝાંઝર બેય રૂમઝુમ થવા લાગે છે. કાઠિયાવાડમાં કચ્છ-સાબરકાંઠા, ભાલ વિસ્તારોની પ્રજા રાસની રમઝટ બોલાવે છે.
“ઢોલીડા ઢોલ રે વગાડ…..મારે હિંચ લેવી છે” આવા અનેક ગીતોના તાલે ઢોલ આપણા લગ્નના તમામ રિવાજો જેવા કે ગણેશ સ્થાપન, મંડપારોપણ, ફૂલેકુ કે ‘પહ’ ભરાવતી વખતે ઢોલનો ધબકાર જોવા મળે છે. આપણા તમામ પ્રસંગોમાં ઢોલ અચુક હોય છે. જેમાં જન્મ, જનોઇ, સીમંત, વાસ્તુ, રાંદલ વિગેરે આપણા ગુજરાતમાં વિવિધ ગામો, શહેરો ઢોલી હોય છે. આદીકાળમાં તો ઢોલ વગાડવાના ગામોની સોંપણી પણ કરાઇ હતી.
“વાગ્યો રે ઢોલ વાગ્યો રે ઢોલ, હે મારા મીઠાના રણમાં વાગ્યો રે ઢોલ.”