ચીમનભાઈ સાપરીયાની તરફેણમાં કાર્યકર્તાઓ, પેઈજ અને બુથ સમિતિના પ્રમુખોનું વિશાળ સંમેલન મળ્યું
જામજોધપુર-લાલપુર વિધાનસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના લોકપ્રિય ઉમેદવાર ચિમનભાઈ સાપરીયાની તરફેણમાં પેઈજ પ્રમુખો અને બુથ સમિતિના પ્રમુખો-કાર્યકર્તાઓનું વિશાળ સંમેલન યોજાઈ ગયું. જેમાં ઉત્તરાંચલના પૂર્વ મુખ્યમંત્રી અને પ્રખર વકતા ડો.રમેશ પોખરીયાલે માર્ગદર્શન આપ્યું અને કહ્યું કે, કોંગ્રેસને ઉખાડીને ફેંકી દો. તેના જવાબમાં કાર્યકર્તાઓએ એકી અવાજે કહ્યું કે, આ બેઠકના મતદારોનો અવાજ
બુલંદ છે કે અમારો મત ભાજપની તરફેણમાં જ પડશે !
જામજોધપુર મુકામે સિઘ્ધેશ્ર્વર મહાદેવ મંદિરના પટાંગણમાં ચિમનભાઈ સાપરીયાના સમર્થનમાં ઉત્તરાંચલના પૂર્વ મુખ્યમંત્રી અને પ્રખર વકતા ડો.રમેશ પોખરીયાલે કાર્યકર્તાઓ, પેઈજ પ્રમુખો અને બુથ સમિતિના પ્રમુખોને સંબોધ્યા હતા. તેમણે કહ્યું કે, દેશમાં અને ગુજરાતમાં કોંગ્રેસનું નામોનિશાન મટી ગયું છે. હજુ પણ કયાંક કયાંક તેના અવશેષો છે તેને ઉખાડીને ફેંકી દેવાનો આ યોગ્ય સમય છે.
આ તકે બેઠકના ઈન્ચાર્જ બ્રીજરાજસિંહ જાડેજાએ જણાવ્યું કે, કોંગ્રેસ હવે મૃત:પ્રાય બની ગઈ છે. આપણા ઉમેદવાર ચિમનભાઈ સાપરીયાની લોકપ્રિયતા અજોડ છે. મતદારો તેમણે જ વિજય બનાવવા આતુર છે. કાર્યકર્તાઓને પણ ગામે-ગામથી સંપૂર્ણ સહકાર મળી રહ્યો છે.
કાર્યકર્તા અને પેઈજ-બુથ સમિતિના પ્રમુખોમાંથી કેટલાક અગ્રણીઓએ પોતાનો પ્રતિભાવ વ્યકત કરતા જણાવ્યું કે, અમે જયાં-જયાં જઈએ છીએ ત્યાં ત્યાં ભારતીય જનતા પાર્ટી અને ચિમનભાઈ સાપરીયાના નામ પર લોકો પ્રશંસાના પુષ્પો વેરે છે અને મતદારોનો અવાજ બુલંદ બન્યો છે કે અમારો મત તો ભાજપની તરફેણમાં જ પડશે.
ડો.પોખરીયાલે પોતાના ઉદ્બોધનમાં શીખ આપતા જણાવ્યું હતું કે, વધુમાં વધુ મતદાન થાય અને એ પણ ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં-એવા પ્રયાસ દરેક કાર્યકર્તાએ કરવા.
ખાસ કરીને ભાજપની કામગીરી, સિદ્ધિઓ, ગુજરાતના મુખ્યપ્રધાન અને દેશના વડાપ્રધાનની કામગીરી એકે એક જન સુધી પહોંચાડવા તેમણે કાર્યકર્તાઓને આહવાન કર્યું.