સંત શિરોમણી જલારામ બાપાની આજે 222મી જન્મજયંતિ: સૌરાષ્ટ્રભરમાં ઉજવણી
વિરપુર, રાજકોટ, ગોંડલ, જામનગર, જૂનાગઢ, વેરાવળ, મોરબી, અમરેલી સહિત ગામો-ગામ જલારામ જયંતિની કોરોના ગાઇડલાઇનની ચુસ્ત પાલન સાથે ઉજવણી: અન્નકૂટ, મહાઆરતી અને મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો: સંત શિરોમણીના દર્શનાર્થે સવારથી જ ઠેર-ઠેરથી શ્રદ્વાળુઓ આવી પહોંચ્યા
આજે સંત શિરોમણી પૂ.જલારામ બાપાની 222મી જન્મજયંતિ છે. સૌરાષ્ટ્રભરના ગામોગામ જલારામ જયંતિની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. આજે વહેલી સવારથી ફક્ત વિરપુર જ નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રમાં જય જલિયાણનો નાદ ગુંજી ઉઠ્યો છે અને વિરપુર આખું ‘જલા’મય બની ગયું છે.
સુપ્રસિદ્વ યાત્રાધામ વિરપુરમાં પૂ.જલારામ બાપાની 222મી જન્મજયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. આજે વહેલી સવારથી શોભાયાત્રા પણ વિરપુર ખાતે નીકળી હતી અને ગ્રામજનો સહિત સૌરાષ્ટ્રભરમાંથી ભાવિકોનો ઘોડાપૂર ઉમટી પડ્યો હતો. આજે લગભગ આખા દિવસ દરમિયાન દોઢ થી બે લાખ લોકો બાપાની પ્રસાદીનો લાભ લેશે અને દર્શન કરીને ધન્યતા અનુભવશે.
સૌરાષ્ટ્રનો જગવિખ્યાત યાત્રાધામ વિરપુર કે જ્યાં સંત શિરોમણી પૂ.જલારામ બાપાની 222મી જન્મજયંતિ કારતક સુદ-7 ને ગુરૂવારે એટલે કે આજ રોજ છે. ગત વર્ષે કોરોનાની મહામારીને કારણે પૂ.બાપાની જન્મજયંતિ ભાવિકોએ સાદાઇ પૂર્વક ઉજવી હતી. પરંતુ ચાલુ વર્ષે કોરોના મહામારી હળવી થતાં યાત્રાધામ વિરપુરમાં આજે વહેલી સવારથી બાપાના દર્શન માટે ઉમટી પડ્યા હતા અને બપોરે લાખો લોકોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો. આજે બાપાની જન્મજયંતિ ઉજવવા અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે.
પૂ.બાપાની જન્મજયંતિના ઉજવણીના ભાગરૂપે વિરપુરની મેઇન બજારમાં રંગબેરંગી લાઇટીંગ, ડેકોરેશન તેમજ પૂ.જલારામ બાપાની જન્મજયંતિ નિમિતે રાત્રે 12 વાગ્યે 222 કેક કાપીને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી તો બીજી બાજુ વિરપુરવાસીઓએ પણ પોતાના ઘરમાં, હોટેલો અને દુકાનોને અવનવી લાઇટથી ડેકોરેટ્સ કર્યા હતાં.
આ ઉપરાંત બાપાની જન્મજયંતિને લઇને વિરપુર જલારામ બાપાના દર્શને આવતા ભાવિકો કોઇ અડચણ વિના બાપાના દર્શન કરી શકે તે માટે અઢી સો જેટલા સ્વયંસેવકો પૂ.બાપાની જગ્યામાં તેમજ બાપાની ધર્મશાળા ખાતે પ્રસાદ કેન્દ્રમાં પોતાની સેવા આપી રહ્યાં છે તેમજ પૂ.બાપાની જન્મજયંતિ નિમિતે સમસ્ત ગ્રામજનો દ્વારા આજે વહેલી સવારે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીના કારણે શોભાયાત્રા નીકળી શકી ન હતી જેથી આ વર્ષે કોરોના હળવો થતાં શોભાયાત્રામાં ભાવિકોનું જાણે કિડીયારૂં ઉભરી આવ્યું હોય તેવા દ્રશ્યો નજરે ચડ્યાં હતાં.
જલારામ બાપાની 222મી જન્મજયંતિએ સમગ્ર વિરપુર જલામય બન્યું છે ત્યારે વિરપુર ખાતે તમામ ઘરમાં રંગોળીઓ તેમજ વિરપુરના અલગ-અલગ ચોકમાં અવનવાં ફ્લોટ તૈયાર કરવામાં આવ્યા છે. પૂ.બાપાની જન્મજયંતિ ઉજવવા માટે વિરપુરવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે.
વિરપુર મંદિરે આજે કોરોનાની ગાઇડલાઇનના સંપૂર્ણ પાલન સાથે મહાઆરતી અને મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા હતાં. લોહાણા મહાજન સમાજના તમામ ભાવિકોએ એકબીજાને જલારામ જયંતિની ખૂબ-ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી. મંદિર ખાતે ભાવિકો સોશ્યિલ ડિસ્ટન્સ જાળવે, માસ્ક પહેરે સહિતના નિયમોનું ચુસ્ત પાલન કરાવવામાં આવ્યું હતું.
રઘુવંશી ગ્રુપો દ્વારા જલાબાપાની અન્નકૂટ, મહાઆરતી, મહાપ્રસાદ સહિતના આયોજનો કરવામાં આવ્યા છે.ઘણી જગ્યાએ જલાબાપાને વિશેષ શણગાર કરવામાં આવ્યાં છે. વિરપુરધામ ખાતે આજે સવારથી જ ઉત્સવો ઉજવાઇ રહ્યાં છે. ઠેર-ઠેરથી શ્રદ્વાળુઓ સંત શિરોમણીના દર્શનાર્થે આવી પહોચ્યા છે.