Ambaji: યાત્રાધામ ખાતે 12 મી સપ્ટેમ્બરથી આસ્થાના મહાકુંભ ભાદરવી પૂનમના મેળાનો શુભારંભ થયો છે. તેમાં રાજ્ય સરકારના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, જિલ્લા વહીવટીતંત્ર, આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા માઈભક્તો માટે સેવા અને સુશ્રુષા સાથે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ભાદરવી પૂનમના મેળામાં આવતા ભક્તોના નાદથી અંબાજી માર્ગો “જય અંબેના ઘોષથી ગુંજી રહ્યા છે. ત્યારે ખંભાત તાલુકાના ગોલાણા ગામનો પ્રકૃતિ પ્રેમી યુવાનોનો સંઘ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.
“જય અંબે …બોલ મારી અંબે…અંબાજી દૂર હૈ… જાના જરૂર હૈ’’ ના નાદ સાથે ભક્તો આગળ વધી રહ્યા છે. મેળાના ત્રીજા દિવસે માઈ ભક્તોનો અવિરત પ્રવાહ યાત્રાધામ અંબાજી ખાતે માં અંબાના દર્શન માટે ઉમટી રહ્યો છે.
દાંતા- હડાદના માર્ગો પર બહોળી સંખ્યામાં પદયાત્રીઓ અને સંઘમાં આવતા માઈભક્તોનો ઘસારો જોઈ શકાય છે. તેમજ આબાલવૃદ્ધ સૌ કોઈ માં ના દર્શનની ઝંખના સાથે દર વર્ષની જેમ આ વર્ષે અંબાજી તરફ આગળ વધી રહ્યા છે.
શક્તિ, ભક્તિ અને શ્રદ્ધા સાથે અવિરત આવી રહેલા માઈભક્તોના સંઘોથી અંબાજી તરફના માર્ગો ધમધમી ઉઠ્યા છે. આ સાથે “જય અંબેના” નાદથી અરવલ્લીની ગિરિમાળાઓ ગુંજી રહી છે. તેમજ પ્રકૃતિના રમણીય સાંનિધ્યમાં આનંદ, ઉલ્લાસ અને નાચતા ગાતા માઈભક્તો અંબાજી માર્ગો પર ગરબે ઘૂમતા અને મસ્તી સાથે અંબાજી આવી રહ્યા છે. આ દરમિયાન દરરોજ મેળામા દોઢ લાખથી વધુ માઈભક્તો અંબાજી દર્શન કરી ધન્ય બને છે.
અંબાજી મહામેળામાં ગુજરાતના ખૂણે ખૂણેથી માઈભક્તો હાથમાં ધજા, ત્રિશૂળ, ચુંદડી અને અનેક વેશભૂષા સાથે મોજ મજા અને શ્રદ્ધા સાથે અંબાજી તરફ આગળ વધી રહ્યા છે. આ સાથે દાંતા અંબાજી માર્ગો પર આવા પદયાત્રી સંઘોનો અવિરત પ્રવાહ આગળ વધી રહ્યો છે. ત્યારે ખંભાત તાલુકાના ગોલાણા ગામનો પ્રકૃતિ પ્રેમી યુવાનોનો સંઘ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. મેળામાં સૌનું ધ્યાન આકર્ષિત કરવા આ યુવાનો માથે ફૂલ અને પત્તાની ચોટલી બનાવી પોતાની મસ્તી સાથે અંબાજી આવ્યા હતા.