ખેડૂતોને ગાય સંલગ્ન કૃષિ કિટની પ્રેરકસહાય: રાજકોટ જિલ્લામાં ૧૬ હજારી વધુનું રજીસ્ટ્રેશન
કૃષિ ક્ષેત્રે આધુનિક ખેતીનો અભિગમ ખેડૂતો અપનાવે તે માટે કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર દ્વારા વિવિધ યોજનાઓ થકી ખેડૂતોને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. ખેડૂતો આધુનિક બને તે માટે સેમિનાર અને કૃષિ મેળાઓનું આયોજન રાજ્ય સરકાર દ્વારા પણ અવારનવાર કરવામાં આવે છે.
પ્રધાનમંત્રી દ્વારા ખેડૂતોની આવક બમણી બને તે દિશામાં સરકાર વિવિધ પગલાંઓ ભરી રહી છે. જેમાં એક મહત્વના અભિગમ તરીકે પ્રાકૃતિક ખેતી તરફ વધુને વધુ ખેડૂતો આગળ આવે તે દિશામાં સરકારે પ્રોત્સાહક નીતિ અમલી બનાવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી, રાજ્યપાલઆચાર્ય દેવવ્રત, તેમજમુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીદ્વારા ખેડૂતોનો પ્રાકૃતિક ખેતી તરફ હકારાત્મક અભિગમ કેળવાય તે અર્થે વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.
રાસાયણિક ખાતરનો ખર્ચ અને આરોગ્ય પર પડતી વિપરીત અસરને ધ્યાને લઈ પ્રાકૃતિક ખેતી તરફ કિશાન આગળ વધે તે માટે રાજ્ય સરકાર દ્વારા આત્મા પ્રોજેક્ટ અમલી બનાવ્યો છે. જે અંતર્ગત ખેડૂતો માટે સેમિનાર, વર્કશોપ અને ટ્રેનર તૈયાર કરવાની કામગીરી જોરશોરી કરવામાં આવી રહી છે.
આ ઉપરાંત ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે ખેડૂતોને ગાય દીઠ રૂ. ૧૦,૮૦૦ ની સહાય તેમજ જીવામૃત રસાયણ તૈયાર કરવા માટે જરૂરી કીટ જેમાં બેરલ, કેરબા, તગારું સહિતની કીટની કુલ કિંમતના ૭૫% સહાય રાજ્ય સરકારના કૃષિ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી હતી. જેના માટે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોએ ગત તા. ૧૫ ઓગસ્ટ સુધીમાં આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની હતી.
રાજકોટ જિલ્લાના ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીમાં રસ દેખાડતા ગાય દીઠ જીવામૃત રસાયણ તૈયાર કરવા માટે આપવામાં આવતી રૂ. ૧૦,૮૦૦ ની સહાય માટે ૧૩,૫૫૯ ખેડૂતોએ અરજી કરી છે તેમજ કીટ માટે ૨૫૪૭ ખેડૂતોએ અરજી કર્યાનું રાજકોટ જિલ્લા આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર બી એમ આગઠે જણાવ્યું છે.
રાજકોટ જિલ્લામાં આત્મા પ્રોજેક્ટ એક મિશનના ભાગરૂપે રાજકોટ જિલ્લાના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અંગે તાલીમ આપવાની એક ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવી રહી છે.
જે અંતર્ગત જામકંડોરણા અને વડતાલ મુકામે પ્રાકૃતિક કૃષિની તાલીમ આપી રાજકોટ જિલ્લામાં ૬૦૦ થી વધારે માસ્ટર ટ્રેનર બનાવ્યા છે જેઓ વધુને વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે સમજ પુરી પાડી રહ્યા હોવાનુ કૃષિ આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટરએ જણાવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી થકી ખેડૂતોને ખર્ચમાં બચત, પાણી અનેવીજળીમા બચત, પર્યાવરણની જાળવણી, જમીનની ફળદ્રુપતા, વૃદ્ધિ, રાસાયણિક ખાતર અને જંતુનાશક દવા વિનાના અનાજ, ફળ, શાકભાજી ઉપલબ્ધ થવાથી લોકોના સ્વાસ્થ્યમાં સુધારો અને રોગપ્રતિકારક શક્તિમાં વધારો થશે.હાલ રાજકોટ જિલ્લામાં ગઢકાના ચતુરભાઈ, રામોદના નાાણીભાઈ, ખોખરાના શક્તિસિંહ સહીત ૫૦૦ થી વધુ ખેડુતો પ્રાકૃતિક ખેતી કરી સારી એવી આજીવિકા મેળવી રહ્યા છે.