જરૂરિયાતમંદ લોકોની સેવા કરનારને ગારડી એવોર્ડ એનાયત કરાશે
સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ દ્વારા કોરોનાની ભયાવહ પરિસ્થિતિમાં જાનની બાજી લગાવનાર મરજીવાઓને ગારડી એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. જેમાં એક વ્યકિતને સતત આઠ દિવસ સુધી આ એવોર્ડ આપી નવાજવામાં આવશે. સમગ્ર વિશ્વમાં આજે જયારે કોરોનાએ હાહાકાર મચાવ્યો છે,
સમગ્ર દેશમાં લોકડાઉનની પરિસ્થિતિ હતી એવા સમયે પોતાની જાનની બાજી લગાડી જરૂરિયાતમંદ લોકોની સતત સેવા કરનાર મરજીવાઓને સતત નવમાં વર્ષે પ્રતિષ્ઠિત ગારડી એવોર્ડ એનાયત કરાશે.
દીકરાનું ઘર દ્વારા અપાતા ગારડી એવોર્ડની વિશેષ માહિતી આપતા સંસ્થાના હરેશભાઈ પરસાણા, ઉપેનભાઈ મોદી, કિરીટભાઈ પટેલ, અશ્વિનભાઈ પટેલ તેમજ સુનીલ મહેતાએ જણાવ્યું છે કે આ એવોર્ડ માટે ૩ સભ્યોની જયુરી બનેલ છે જે વિશિષ્ટ કામગીરી કરતા સેવકોની પસંદગી કરે છે.
ચાલુ સાલ આ એવોર્ડ મેળવનારામાં રાકેશભાઈ રાજદેવ, હરસિંગભાઈ સુચરીયા, વિજયભાઈ ડોબરીયા, અતુલભાઈ સંઘવી, સંજયભાઈ હિરાણી તેમજ ભાવેશભાઈ શેઠની પસંદગી કરવામાં આવેલ છે. આ ઉપરાંત દીકરાનું ઘર દ્વારા બે વિશેષ વ્યકિતઓની પણ આ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે જેમાં રાજકોટ શહેરના કડક બાહોશ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તેમજ ઉધોગ ક્ષેત્રે અને સેવા ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન આપનાર ગોપાલ નમકીનના બીપીનભાઈ હદવાણીની પસંદગી કરવામાં આવી છે.
આ એવોર્ડ સંદર્ભે સંસ્થાના મુકેશ દોશીએ જણાવ્યું છે કે ચાલુ સાલ પ્રવર્તમાન કોરોનાની પરિસ્થિતિ બેકાબુ છે ત્યારે કોઈ મોટો જાહેર સમારંભ ન કરતા પસંદગીના સેવકોની ઉપસ્થિતિમાં પ્રતિદિન એક વ્યકિતને સતત આઠ દિવસ સુધી આ એવોર્ડ એનાયત કરાશે. આ એવોર્ડ રોજ શહેરના વિવિધ ક્ષેત્રોના મહાનુભાવોના હસ્તે અર્પણ કરાશે.
સમગ્ર કાર્યક્રમ યશસ્વી-ભવ્ય અને યાદગાર બને એ માટે સંસ્થાના હરેનભાઈ મહેતા, રાકેશભાઈ ભાલાળા, પ્રજ્ઞેશભાઈ પટેલ, પ્રવિણ હાપલીયા, હરદેવસિંહ જાડેજા, ધર્મેશ જીવાણી, ડો.શૈલેષ જાની, ગૌરાંગ ઠકકર સહિતના અગ્રણીઓ જહેમત ઉઠાવી રહ્યા છે.