કોલેજમાં ઓછી હાજરી હોવાના કારણે પરીક્ષામાં ન બેસવા દેતા ટ્રેન નીચે પડતું મૂકી જીવન ટૂંકાવ્યું
ખંભાળિયાના બ્રહ્મ સમાજ અગ્રણીના આશાસ્પદ પુત્ર અને ગાંધીનગર આઇઆઇટીના વિધાર્થીએ ગાંધીનગરમાં ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કર્યાનો બનાવ બહાર આવ્યો છે. કોલેજમાં ઓછી હાજરીના હિસાબે પરીક્ષામાં બેસવા ન દેતા કોલેજીયન યુવકે ટ્રેન હેઠળ પડતું મૂકી જીવન ટૂંકાવ્યું છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ખંભાળિયા બ્રહ્મ સમાજના આગેવાન, હોમગાર્ડ-ખંભાળિયાના કમાન્ડિંગ ઓફિસર અને બ્રહમ વિકાસ પરિષદ દ્વારકા જિલ્લાના પ્રમુખ સંદીપભાઈ ખેતિયાના પુત્ર અને આઇઆઇટી-ગાંધીનગરના વિધાર્થી કેશવ ખેતિયા (ઉ.વ.19)એ ગાંધીનગરમાં ગુરૂવારે બપોરે ટ્રેન હેઠળ પડતુ મુકી જીવાદોરી ટુંકાવી લીઘી હોવાનો બનાવ સામે આવ્યો છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ કેશવને હાજરી ઓછી હોય, ગુરૂવારે સવારે પરીક્ષાના પેપરમાં તેને બેસવા ન દેવાતા તે ફરી પાછો પોતાના રૂમે આવ્યો હતો. ત્યાં તેના સહપાઠીઓએ સમજાવતા ફરી પાછો તે પેપર દેવા વિનંતી કરવા ગયો હતો,તેને પેપર ન દેવા દેતા બપોરે આ પગલુ ભરી લીઘુ હોવાનુ જાણવા મળી રહયુ છે.આ સમગ્ર બનાવની વધુ તપાસ રેલ્વે પીએસઆઇ જે.ડી. ગઢવી ચલાવી રહ્યા છે. માતા-પિતાના એકને એક આશાસ્પદ પુત્રે અંતિમ પગલુ ભરી લેતા બ્રહ્મ સમાજ તથા શહેરમાં શોકનુ મોજુ ફરી વળ્યુ છે.