ઝાલોદના કોંગી ધારાસભ્ય ભાવેશ કટારા પણ કેસરીયા કરવાના મૂડમાં
ગુજરાત વિધાનસભાની ચુંટણીને આડે હવે ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે ત્યારે પક્ષ પલ્ટાની મૌસમ પૂર બહારમાં ખીલી ઉઠી છે. કોંગ્રેસની સ્થિતિ દિનપ્રતિદિન કથળી રહી છે. તાજેતરમાં અરવલ્લી વિધાનસભા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય અનિલ જોશીયારાનું કોરોનાની બિમારીથી અવસાન થયું હતું. દરમિયાન તેઓના પુત્ર કેવલ જોશીયારા આગામી દિવસોમાં ભાજપમાં જોડાઇ તેવી પ્રબળ સંભાવના હાલ જણાઇ રહી છે. આ ઉપરાંત ઝાલોદના કોંગી ધારાસભ્ય ભાવેશ કટારા પણ હવે કેસરીયા કરવાના મૂડમાં છે.
કોંગ્રેસને ગુજરાતમાં એક બાદ એક ઝટકા પડી રહ્યા છે. કાર્યકારી પ્રદેશ અધ્યક્ષ હાર્દિક પટેલે કોંગ્રેસનો સાથ છોડી દીધો છે. આ કળવળે તે પૂર્વે જ કોંગ્રેસને ટૂંક સમયમાં વધુ બે ઝટકા પડે તેવા સંજોગો વર્તાઇ રહ્યા છે. આદિવાસી વિસ્તારની ઝાલોદ વિધાનસભા બેઠક પર કોંગ્રેસના પ્રતિક પરથી ચૂંટાયેલા ભાવેશ કટારા ટૂંક સમયમાં પંજાનો હાથ છોડી ભાજપનો કેસરીયો ખેસ ધારણ કરે તેવી સંભાવના હાલ જણાઇ રહી છે. આ ઉપરાંત અરવલ્લી બેઠકના ધારાસભ્ય અનિલ જોશીયારાનું તાજેતરમાં કોરોનાની બીમારીને કારણે નિધન થયું હતું. તેઓના પુત્ર કેવલ જોશીયારાએ પણ ભાજપમાં જોડાવવાનું મન બનાવી લીધું હોવાનું જાણવા મળી રહ્યું છે.