શહેરમાં ત્રણ દિવસમાં બે હત્યાથી લોકોમાં ફફડાટ
શહેરમાં ગઇકાલે મોરબી રોડ પર પ્રેમ પ્રકરણના કારણે યુવાનની થયેલી હત્યાના ગુનામાં સંડોવાયેલા ચાર શખ્સોની પોલીસે ધરપકડ કરી ત્યાં સોમનાથ સોસાયટીમાં આહિર યુવાનની છ જેટલા ભરવાડ શખ્સોએ છરીના અનેક ઘા ઝીંકી હત્યા કર્યાનું યુનિવર્સિટી પોલીસમાં નોંધાયું છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સોમનાથ સોસાયટી-૩માં રહેતા હાર્દિક વિભાભાઇ મકવાણા નામના ૨૫ વર્ષના આહિર યુવાનની ગોવિંદ ઘુસા ભરવાડ, ટીટીયો ઘુસા ભરવાડ, ઘુસા વિભા ભરવાડ, છેલા વિભા ભરવાડ, રાહુલ ચના ભરવાડ અને અર્જુન વિભા ભરવાડ નામના શખ્સોએ પૈસાની લેતી-દેતીના પ્રશ્નને છરીના ઘા ઝીંકી હત્યા કર્યાની વિભાભાઇ કાળાભાઇ મકવાણાએ યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
હાર્દિક મકવાણા ગઇકાલે રાતે જમીને વોકીંગ માટે નીકળ્યો ત્યારે ઘર પાસે જ ભરવાડ શખ્સો છરી સાથે તૂટી પડતા તેને માથા, પેટ, હાથ અને પીઠમાં ગંભીર ઇજા થતા તે ઘટના સ્થળે ઢળી પડયો હતો. પડોશી જયદીપસિંહ ડાભી સારવાર માટે હાર્દિક મકવાણાને હોસ્પિટલ લઇ ગયો હતો ત્યાં ફરજ પરના તબીબે તેનું મોત નીપજ્યાનું જાહેર કર્યુ હતું. હાર્દિક મકવાણાની હત્યાની જાણ થતા હોસ્પિટલે મોટી સંખ્યામાં સગા-સંબંધીઓ એકઠાં થયા હતા.
યુનિવર્સિટી પોલીસ મથકના પી.આઇ. ચંદ્રાવાડીયા અને રાઇટર બળભદ્રસિંહ ચુડાસમાએ વિભાભાઇ મકવાણાની ફરિયાદ પરથી ગોવિંદ ઘુઘા, ટીટીયો ભરવાડ, ઘુસા ભરવાડ, છેલા ભરવાડ, રાહુલ ચના અને અર્જુન ભરવાડ સામે હત્યાનો ગુનો નોંધી ઝડપી લેવા શોધખોળ હાથધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક હાર્દિક મકવાણાને ગોવિંદ ભરવાડ સાથે પૈસાની લેતી-દેતીના પ્રશ્નને ઝઘડો થયો હોવાથી હત્યા કર્યાનું બહાર આવ્યું છે.
મૃતક હાર્દિક મકવાણા ઘર પાસે જ રામદેવ દુધાલય નામની દુધની ડેરી ધરવા છે અને તેના બે વર્ષ પહેલાં રામ પાર્કમાં રહેતા ભનુભાઇ ડાંગરની પુત્રી પૂજા સાથે લગ્ન થયા હતા. હાર્દિક મકવાણાની પત્ની પૂજાબેને દસ દિવસ પહેલાં જ પુત્રી કાવ્યાનો જન્મ આપ્યો હતો. રાજકોટમાં ગઇકાલે થયેલી હત્યાની તપાસ ચાલી રહી છે ત્યાં હત્યાની બીજી ઘટના બનતા પોલીસ સ્ટાફમાં દોડધામ મચી ગઇ છે. હત્યાના ગુનામાં સંડોવાયેલા ભરવાડ શખ્સોને ઝડપી લેવા યુનિવર્સિટી પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે ચક્રોગતિમાન કર્યા છે. આહિર યુવાનની હત્યાથી પરિવારમાં અરેરાટી સાથે શોક છવાઇ ગયો છે.