મેળાના છેલ્લા દિએ ભારે પવન-વરસાદથી મેળાનું ડોમ, સ્ટોલ ખેદાન-મેદાન
વિશ્ર્વ પ્રસિધ્ધ સોમનાથ મહાદેવ કાર્તિક પૂર્ણિમાના અંતિમ દિવસે રાત્રિના ત્રણ વાગ્યાથી વિજળીના ગડગડાટ, ઝરમર વરસાદ અને સવારે સાડા છ વાગ્યે થોડીવાર પુરતા પણ વરસેલા ભારે વરસાદથી કાર્તિક પુર્ણિમાનો મેળો ખેદાન-મેદાન થઇ ગયો અનેક સ્ટોલોના મંડપ કપડાઓના પવન સુસવાટાથી ચીરે ચીરા ઉડ્યા તો કોઇ મંડપ જ પાણીના ભારથી સાવ બેસી ગયા અનેકો લોકોના સામાન-રમકડાઓ-વેંચવાની વસ્તુઓ-ખાદ્ય સામગ્રીઓ બધુંય ભારે વરસાદથી નુકશાન કર્યું કે ભીંજવી ગયું કે ન વાપરી શકાય તેવું કર્યું.
અચાનક આવેલા વરસાદથી સ્ટોલધારકો એટલા ગભરાઇ ગયા હતા કે તેઓએ રીક્ષા-મેટાડોર કે બીજા વાહનો કરી પોતાના ઘરભણી જઇ રહ્યા હતા અને સંપેટાતા માલને લઇ જતાં અનેકો વાહનો મેળામાં માલ ભરી રહ્યા હતા.
તો કેટલાક માટી, પ્લાસ્ટર ઓફ પેરીસ, ધાબળા વેંચનારાઓ જે દુર-સુદૂરથી આવ્યા હતા. તેઓએ રોડની ડીવાઇડર કિનારી પાસે પોતાની વસ્તુઓ તડકામાં સુકવી રહ્યા હતા.
હજુ ગઇરાત્ર સુધી તો જ્યાં આનંદની ચીચીયારીઓ પાવા-પીપુડા અને લાઉડ સ્પીકરોમાં ગીતોના ધૂમ વાગતી હતી ત્યાં આજે સવારે સાવ સોંપો પડી ગયો હતો અને સંપૂર્ણ સૂનકાર હતો સર્વના ચહેરા નિરાશ હતા.
સોમનાથના મેળામાં આ અગાઉ લગભગ બે વાર વરસાદ પડેલ છે. પરંતુ માવઠાનો વરસાદ શમી જતાં લોકો પાછા મેળોયે માણતાં પણ આ વખતેની વાત કોઇ ઔર હતી.
વર્ષ-2019માં વાવાઝોડા આગાહીને પગલે મેળાની મંજૂરી પણ નોતી મળી પરંતુ વાવાઝોડાનો ખતરો ટળતા તા.8 નવેમ્બરને બદલે બે દિવસ મોડો એટલે કે 11 નવે.થી મેળો શરૂ થયો હતો. મેળો ભારત-ચીન યુધ્ધ વખતે તેમજ કોરોના કાળમાં સદંતર બંધ રહ્યો હતો પરંતુ ચાલુ મેળો રદ્ થવાની આ પ્રથમ ઘટના છે. માત્ર સરેરાશ અનુસાર સોમનાથ મંદિરે પુજા-મહાઆરતી થશે અને દર્શનાર્થીઓ માટે મંદિર રાત્રિના એક વાગ્યા સુધી ખુલ્લુ રહેલ હતું.