ગ્રામજનો દ્વારા આવેદન આપ્યા વચ્ચે  સડક પીપળીયા ગામે ખનીજ ચોરીના ફોટા વીડિયો વાયરલ

ગોંડલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ખનીજ ચોરી બેફામ બની છે.ખનીજ ચોરીને લઈને તાલુકાના રીબડા ગામના રહીશ ખેડૂતોએ તાજેતરમાં ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને ખનીજ ચોરો સામે પગલા ભરવાની માંગ કરી હતી.આ સાથે જ ઉપવાસ આંદોલનની ચિમકી ઉચ્ચારી છે.  જવાબદાર અધિકારીઓ અને રાજકોટના ખાણ ખનીજ ખાતાના અધિકારીઓ કુંભકર્ણની નિન્દ્રામાં પોઢેલ હોવાની ઘટના સામે આવી છે.

તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ખનીજ માફિયાઓએ ગૌચર અને ખરાબાની જમીનોમાંથી બેફામ ખનીજ ચોરી કરીને સરકારની તિજોરીને લાખો કરોડોનું નુકસાન કરી રહ્યા છે.સરકાર દ્વારા વારંવાર ખનીજ ચોરો સામે કડક હાથે પગલા ભરવાના આદેશો કરવામાં આવે છે તેમ છતા ત્રણ બંદરોની ભૂમિકા ભજવતા જવાબદાર અધિકારીઓ દ્વારા ખનીજ ચોરો સામે કોઈ પણ જાતના પગલા ભરવામાં આવતા નથી.આવો જ એક કિસ્સો ગોંડલ નજીકના સડક પીપળીયા ગામે ગૌચરની જમીનમાંથી ખનીજ ચોરી કરતા હોવાના ફોટા વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થવા પામે છે.

વાયરલ થયેલ ફોટો વિડીયો સડક પીપળીયા ગામે ગૌચરની જમીનમાંથી જેસી બીની મદદથી ટ્રેકટરો ભરીને લાખો રૂપિયાની રોયલ્ટી કે પાસ વિના ખનીજ ચોરી કરી રહ્યા હોવાની વિગતો સામે આવી છે.વાયરલ થયેલ ફોટો અને વિડીયોમાં જેસીબી મારફત ટ્રેકટરો ભરીને માટી અન્યત્ર ઠાલવવામાં આવી રહી છે.ચાલુ વરસાદમાં ધમધમતી ખનીજ ચોરી સામે કલેક્ટર,ખાણ ખનીજ  વિભાગ,ડેપ્યુટી કલેક્ટર,મામલતદાર સહિતના અધિકારીઓ પગલા ભરવામાં વામણા પુરવાર થયા છે.જેમને લઈને રીબડાના ગ્રામજનો દ્વારા આપવામાં આવેલ આવેદનપત્ર પછી પણ તંત્ર તાલુકાના ગામડાઓમાં ધમધમતી ખનીજ ચોરી સામે ક્યારે પગલા ભરશે કે લોકમાંગ તંત્રના બહેરાકાને અથડાતી રહેશે કે પછી માથાભારે ઈસમોના પગમાં તંત્ર ઝુકતું રહેશે એ જોવાનું રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.