પોતાની છબી ઉભી કરવા જે સોશ્યલ મીડિયા માધ્યમનો ઉપયોગ કર્યો તે જ પ્લેટફોર્મ અને મોદી ટીમ આમને-સામને
રાજકારણીઓ વાહ…વાહ… કે ખોચરાઈ કરવા સૌથી વધુ સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યા છે જે જોખમી !!
કોરોના કરતા પણ વધુ ખતરનાક છે સોશ્યલ મીડિયાનો ‘વાયરલ વાયરસ’
આજના આધુનિક યુગ કહેવાતા એવા 21મી સદીમાં ‘પ્રત્યક્ષ’ સંચાર ગાયબ થયો હોય તેમ ‘પરોક્ષ’ પણે એટલે કે ‘ડીજીટલી’ સંચાર વધ્યો છે. આથી જ તો સોશ્યલ મીડિયાનો વ્યાપ ખૂબ વધતો જઈ રહ્યો છે. માત્ર સામાન્ય યુઝર્સ જ શું કામ? મસમોટા ઉદ્યોગ જગતના લોકોથી માંડી રાજકારણીઓ પરા સોશ્યલ મીડિયાનું ‘ભૂત’ સવાર છે.
એમાં પણ જો કોઈ પોલીટીકલ પાર્ટીએ લોકો સુધી પહોચવા ઉપરાંત, ટીકાખોરોની ચાલ ઉંધી પાડવા સૌથી વધુ સોશ્યલ મીડીયા જાયન્ટર્સનો એક હથિયાર તરીકે ઉપયોગ કર્યો હોય તો તે છે. ભાજપ, ટીમ મોદીએ ટવીટર, ફેસબુક, યુટયુબ સહિત પોતાની અલાયદી એપ્લીકેશનો, વેબસાઈટો ઉભી કરી પહેલેથી જ ડીજીટલી પ્રચાર-પ્રસાર વ્યાપકપણે કર્યો છે. આમાં આ સોશ્યલ મીડીયા પ્લેટફોર્મનો અતિ મહત્વનો ફાળો રહેલો છે. એમ પણ કહી શકાય કે ટીમ મોદીને ‘ઉપર’ લઈ જવામાં આ સોશ્યલ મીડિયા જાયન્ટસનો મોટો ભાગ છે.
પરંતુ હાલ પાસાની ચાલ ઉલટી શરૂ થઈ હોય તેમ ટીમ મોદી અને આ સોશ્યલ મીડિયા કંપનીઓ આમને સામને આવી ગયા છે. કહેવત છે ને કે જે પોસતું તે મારતું… આ પંકિત અહી યથાર્થ ઠરે છે. કારણ કે મોદી ટીમને પાલીપોસી ઉપર લઈ જવામાં સો. મીડિયા માધ્યમનો અનન્ય ફાળો રહેલો છે.તો ઘડામ દઈ નીચે પાડવામાં પણ આ પ્લેટફોર્મ મેદાને ઉતરી શકે છે. હાલ કંઈક એવું જ બન્યું છે.
તાજેતરમાં ભાજપ નેતા સંબિત પાત્રાએ ટુલકીટ કેસ મામલે ટવિટ કરતા ટવિટરે તેને ‘મેનીપ્લુટેડ મીડિયા’ એટલે કે ગેરકાયદે ગણાવતા વિવાદ વધુ જામ્યો છે. મોદી સરકારે જાણે ‘ટવીટર’ને ફફડાવી નાખ્યું હોય તેમ નોટીસ ફટકારી કહ્યું કે, કઈ ટ્વિટ ગેરકાયદે છે. કઈ માન્ય છે ?? તે ટ્વિટરે જોવાનું નથી. આ માટે તપાસ કરવા એજન્સીઓ છે.
એક તરફ કોરોના વાયરસ છે તો બીજી તરફ આ સોશ્યલ મીડિયાનો ‘વાયરલ’ વાયરસ કોઈ કોરોનાથી કમ નથી. રાજકારણીઓ વાહ…વાહ… કે ખોચરાઈ કરવા સૌથી વધુ સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યા છે. નેતાઓ માટે આ દેખાવે સારૂ લાગતું હશે પણ તે પરોક્ષપણે ખૂબ જોખમી છે. એમાં પણ સોશ્યલ મીડિયા રાજકારણીઓ નેતા-નેતાઓ વચ્ચે જ નહી યુઝર્સ અને સરકાર વચ્ચે પણ ‘કટાક્ષ યુધ્ધ’નું એક માધ્યમ બન્યું છે.
ઘણા એવા કેસ વધ્યા છે. જેમાં યુઝર્સ વડાપ્રધાન, મુખ્યમંત્રી કે અન્ય કોઈ સરકારી અધિકારીઓના ફોટા, પોસ્ટ, ક્ધટેન્ટ કે વીડીયો ઓડિયો કિલ્પને એડીટ કરી ‘વાયરલ’ કરી રહ્યા છે. આમ કરવું કોઈ વ્યકિત કે નેતાના સન્માનનું હનન છે. પણ એના કરતા પણ વધુ જેતે વ્યકિત જે ‘હોદા’ પર બિરાજમાન છે. તે હોદાનું હનન છે. આથી આ પ્રકારનાં વલણોને રોકવા સોશ્યલ મીડીયાને નિયંત્રીત કરવું જરૂરી છે.
નોંધનીય છે કે, ચૂંટણી સમયે પ્રચાર પ્રસારનું એક મોટા માધ્યમ તરીકે સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ ઉભરી આવ્યા છે. સોશ્યલ મીડિયા ટીમ મેદાને ઉતારી એકબીજી પાર્ટીઓ એકબીજાના નિવેદનો પર બાઝ નજર રાખે છે. જેવું કોઈ વિરૂધ્ધ પાર્ટી તરફથી નિવેદન આવે કે તરત જ તેને જકડી લઈ સોશ્યલ મીડિયા પર જનતાની સહાનૂભૂતિ મેળવવા નીકળી પડે છે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને તો સોશ્યલ મીડિયાએ જાણે ‘પપેટ’ બનાવી દીધા હોયતેમ કમેન્ટ, પોસ્ટ થાય છે. જયારે સોનિયા ગાંધી ‘મોતના સોદાગર’ એક શબ્દ બોલ્યા કે તરત જ મોદીએ મુદો ઉઠાવી પ્રહારનો પણ પ્રત્યક્ષ પણે લાભ ઉઠાવી લીધો હતો. રાજકીય નેતાઓ આ માધ્યમ થકી જ ‘ઉતર’ આપવાના પ્રયાસોમાં જુટાયા છે.
સોશ્યલ મીડિયાનો વાયરલ ‘વાયરસ’ અનિયંત્રિત થતા અમેરિકાએ પણ ભોગવવું પડેલું
સોશ્યલ મીડિયા પ્લેટફોર્મનો સદઉપયોગ થાય ત્યાં સુધી તો ઠીક છે પણ જયારે આ માધ્યમનો દૂરૂપયોગ થાયતો ‘દુષણો’ ઉભા થઈ શકે. ગત ચૂંટણી પ્રક્રિયામાં અમેરિકામાં ‘હિંસા’ ફેલાયેલી ગેરકાયદે રીતે ચૂંટણી થઈ હોવાના આક્ષેપ સાથે ટ્વિટર, ફેસબુક સહિતના પ્લેટફોર્મ પર આરોપોનો ધોધ વરસ્યો હતો. એટલું જ નહીં સોશ્યલ મીડીયા અમેરિકામાં થયેલી હિંસા પાછળ એક કારણભૂત પરિબળ પણ બનેલું આવી સ્થિતિ ભારતમાં ઉભી થાય તે પહેલા નિયંત્રણની જરૂર છે. નહીંતર અમેરિકાની જેમ ભારતને પણ ઘણુ ભોગવવું પડશે.
અમેરિકાના ઈતિહાસને કલંકિત કરતી ઘટના પ્રમુખ પદની ચૂંટણી દરમ્યાન ઘટી હતી. આ પાછળ સોશિયલ મીડિયાના વાયરલ વાયરસ પણ જવાબદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે. કાર્યવાહીના ભાગરૂપે અમેરિકી પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું એકાઉન્ટ રદ કરી દેવામાં આવ્યું હતું. ભારે અંધાધૂંધી ફેલાઈ ગઈ હતી. આથી આવી ચળવળોને વધુ ફેલાતી અટકાવવા સોશ્યલ મીડિયાને નિયંત્રિત કરવું ખૂબ જરૂરી બન્યું છે.
સમજયા વગર ઝઘડીએ તો ‘ત્રીજો’ ફાવી જાય !!
ટુલકીટ કેસ મામલે ભાજપ નેતા સંબિત પાત્રાનું ટવિટ ટવિટરે ગેરકાયદે ગણાવતા વિવાદ
કહેવાય છે ને કે સમજ્યા વગર ઝઘડીએ તો ત્રીજો ફાવી જાય… વાંદરો અને બે બિલાડીઓની વાર્તા સૌને ખબર હશે. રોટલીના બટકા માટે જેમ બે બિલાડીઓ વચ્ચે વાંદરો ફાવી જાય છે એજ રીતે હાલ રાજકીય પક્ષો વચ્ચે સોશ્યલ મીડિયા માધ્યમો ફાવી રહ્યા છે. કોરોના સંકટની વચ્ચે ભાજપ-કોંગ્રેસ ટૂલકિટ પર રાજનીતિ કરી રહ્યા છે. તેની વચ્ચે ટ્વીટરએ મોટુ પગલુ ભર્યુ છે.
ભાજપના પ્રવક્તા સંબિત એક ટૂલકિટનો હવાલો આપતા કોંગ્રેસ પર આરોપ લગાવ્યો હતો. ટ્વીટરે આ ટ્વવીટને મેન્યુપ્લેટેડ મીડિયા ગણાવી છે. એટલે કે આ દાવો તથ્યાત્મક રુપે યોગ્ય નથી તેમ જણાવ્યું છે. આ મુદ્દે ભાજપે મેદાને આવી ટ્વિટરને આકરી ભાષામાં કહ્યું છે કે ટ્વિટ ગેરમાન્ય છે કે નહીં તે ટ્વીટર નહિ પણ એજન્સી તપાસ કરશે.
ટૂલકિટ મામલે ભાજપ- કોંગ્રેસ વચ્ચે આર પારની લડાઈ જામી છે. ભાજપના આરોપને કોંગ્રેસે નકારી કાઢ્યા છે. તેમણે રાહુલ ગાંધીથી લઈને પ્રિયંકા ગાંધી સહિત પર જુઠ્ઠાણુ ફેલાવવાના આરોપ લગાવ્યા હતા. પલટવારમાં કોંગ્રેસ દિલ્હી પોલીસ કમિશનરને ચીઠ્ઠી લખી સંબિત પાત્રા, જેપી નડ્ડા પર ફરિયાદ નોંધાવાની માંગ કરી છે.
એર ઇન્ડિયાના 4પ લાખ પ્રવાસીઓના ડેટા ચોરાયા !!
સરકારી એરલાઇન્સ કંપની એર ઇંડિયાના ડેટા લીક થયાનો ઘટસ્ફોટ થયો છે. ખુદ એર ઇંડિયાના જણાવ્યા અનુસાર હેકિંગ દ્વારા એર ઇંડિયાના 45 લાખ મુસાફરોના ડેટા સહિતની અત્યંત અંગત માહિતી લીક થઇ ગઇ છે અને તેને જાહેર કરી દેવામાં આવી છે.લીક થયેલી માહિતીમાં મુસાફરોના નામ, જન્મ તારીખ, સંપર્ક નંબરો, પાસપોર્ટના નંબર સહિતની જાણકારી, ટિકિટની માહિતી, સ્ટાર એલાયંસ, એર ઇંડિયા ફ્રિક્વેંટ ફ્લાઇર ડેટા (પાસવર્ડ ડેટા) અને ક્રેડિટ
કાર્ડની જાણકારી પણ લીક થઇ ગઇ છે. એર ઇંડિયાના જણાવ્યા અનુસાર ડેટા લીક થવાની આ ઘટના 26મી ઓગસ્ટ 2011થી 3 ફેબુ્રઆરી 2021વચ્ચેની છે. કંપનીએ ક્રેડિટ કાર્ડ અંગે કહ્યું છે કે અમારા ડેટા પ્રોસેસર પાસે સીવીવી/સીવીસી નંબર નથી હોતા. બાદમાં અમારા ડેટા પ્રોસેસરે એ વાતની ખાતરી કરી છે કે પ્રભાવિત સર્વર પર કોઇ પણ પ્રકારની અસમાન્ય ગતિિવિધ નથી જોવા મળી. એર ઇંડિયાના કહ્યા મુજબ આ ઘટનાની જાણકારી મળ્યાના તૂરંત બાદ જ તેની તપાસ કરવામાં આવી. પ્રભાવિત સર્વરને સુરક્ષિત કરી લેવામાં આવ્યું છે.
ક્રેડિટ કાર્ડ જારી કરનારાઓનો સંપર્ક કરવામાં આવ્યો છે અને તેમને લીક થવા અંગેની જાણકારી પણ આપવામાં આવી છે. સાથે જ એર ઇંડિયા એફએફપી પ્રોગ્રામના પાસવર્ડને રીસેટ કરી દેવામાં આવ્યો છે. ડેટા સુરક્ષિત રહે તે માટે કંપનીએ મુસાફરોને કહ્યું છે કે તેઓ પોતાનો જે પાસવર્ડ છે તેને તાત્કાલીક ધોરણે બદલી લે. પોતાના નિવેદનમાં એર ઇંડિયાએ કહ્યું છે કે અમે અમારી ડેટા પ્રોસેસર કાર્યવાહી જારી રાખીશું. આ દરમિયાન અમે મુસાફરોને પાસવર્ડ બદલવા માટે પ્રોત્સાહિત કરીશું. મુસાફરોની ગુપ્ત માહિતી સુરક્ષિત રાખવી તે અમારા માટે મહત્વપૂર્ણ છે. જોકે જે માહિતી લીક થઇ ગઇ છે તેનો દુરૂપયોગ થવાની પણ પુરી શક્યતાઓ હોવાનું નિષ્ણાતો માની રહ્યા છે.
એરટેલના 30 કરોડ યુઝર્સ પર ‘ડેટા ચોરી’નો ખતરો !!
સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ વધતા સાયબર એટેકનું જોખમ પણ વધતું જઈ રહ્યું છે. ત્યારે આ દરમિયાન કોરોના મહામારીના ફેલાવવા વચ્ચે એરટેલના 30 કરોડ યૂઝર્સ પર ડેટા ચોરીનો ખતરો તોળાઈ રહ્યો છે. સીઈઓ ગોપાલ વિટ્ટલે સીઓવીડ -19 કેસના ફેલાવા વચ્ચે ઓનલાઈન ટ્રાન્ઝેક્શનમાં મોટા પ્રમાણમાં વૃદ્ધિને કારણે ભારતમાં સાયબર ફ્રોડની વધતી સંખ્યા સામે તેના ગ્રાહકોને સાયબર એટેક અંગે ચેતવણી આપી છે.
કારોબારીએ ભારતમાં એરટેલના ગ્રાહકોને પત્ર લખીને ઇમેઇલ કરી જાણ કરી છે. છેતરપિંડી કરનારાઓ સાયબર ગુના કરનારા આ બે દિવસોમાં યૂઝર્સને ટાર્ગેટ બનાવી રહ્યા હોવાનો ખુલાસો કર્યો છે. સીઈઓ વિટ્ટલે કહ્યું કે છેતરપિંડી કરનારા ગ્રાહકો એરટેલ કર્મચારી હોવાનો ઢોગ કરીને છેતરપિંડી આચરી રહ્યા છે. તેમણે ઉમેર્યું કે કોવિડ મહામારી વચ્ચે જ્યારે ગ્રાહકો ડિજિટલ ચુકવણી કરી રહ્યા છે ત્યારે સાયબર એટેકનો ભોગ પણ વધુ બની રહ્યા છે આથી સાવચેતીની ખૂબ જરૂર છે.