જૈન ધર્મ ભારતની શ્રમણ પરંપરામાંથી નીકળેલો પ્રાચીન ધર્મ અને દર્શન છે. જૈન દર્શનમાં સૃષ્ટિકર્તાનું કોઈ સ્થાન નથી. કોઈ કર્તા, ધર્તા કે ભોક્તા હોતું નથી. દરેક જીવ પોત પોતાના કર્મોનું ફળ ભોગવે છે. જૈન ધર્મમાં તીર્થંકર નું અનુસરણ કરીને આત્મબોધ અને જ્ઞાન મેળવવાનો પ્રયાસ કરવામાં આવે છે. આ તીર્થંકરો એટલે જેમણે પોતાના મન અને ઇન્દ્રિયોને વશમાં કરીને જીતી લીધી છે અને આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું છે તે જિનેશ્વર, અને આ જિનેશ્વર ભગવાનને જે માને તે જૈન.
સમ્મેદ શિખર, પાવાપુરી, ગીરનાર, શત્રુંજય, વગેરે જૈનોના પ્રસિદ્ધ તીર્થો છે. આ તીર્થો પરથી જૈન ધર્મના 24 તીર્થંકરોએ કઠોર તપ અને ધ્યાન કરીને મોક્ષ પ્રાપ્ત કર્યો છે. આજે પણ જૈન લોકો તેમજ મુનિઓ આ તીર્થોની સવિશેષ પૂજા કરે છે. તેમાં પણ સમ્મેદ શિખર તીર્થને “તીર્થોના રાજા” કહેવાય છે. કારણ કે જૈન ધર્મના 24 તીર્થંકરોમાંથી 20 તીર્થંકરોએ સમ્મેદ શિખર પર નિર્વાણ પામીને મોક્ષ પ્રાપ્ત કર્યો છે.
તેમજ અસંખ્ય મુનિઓ અને ગણધરો અહીંથી સિદ્ધગતિને પામ્યા છે તેથી સમ્મેદ શિખરને સિદ્ધ ક્ષેત્ર પણ કહેવાય છે. જૈન ધર્મની પ્રાચીન ધારણા છે કે સૃષ્ટિની રચના થઈ ત્યારથી સમ્મેદ શિખર અને અયોધ્યા, આ બંને તીર્થોનું અસ્તિત્વ રહ્યું છે. સૃષ્ટિની સમાંતરનું અસ્તિત્વ હોવાથી સમ્મેદ શિખર ને “અમર તીર્થ” પણ કહેવાય છે. જૈન શાસ્ત્રમાં લખ્યું છે કે જીવનમાં એક વખત પણ સમ્મેદ શિખર તીર્થની યાત્રા કરનાર વ્યક્તિને પશુ યોની માં કે નરક ગતિમાં જવું પડતું નથી.
સમ્મેદ શિખર તીર્થ નું વાતાવરણ અદભુત અને અનુપમ છે. કુદરતી હરિયાળી અને પ્રદૂષણ મુક્ત આ તીર્થ અહિંસા અને શાંતિનો સંદેશ ફેલાવે છે. સમ્મેદ શિખર ની યાત્રા કરનાર દરેક યાત્રિકોના મન શ્રદ્ધા, ભાવ અને ઉત્સાહના ત્રિવેણી સંગમ બનીને ભક્તિના સાગરમાં ભળી જાય છે. તળેટીમાં બિરાજતા ભોમિયાજી દાદા આજે પણ રાહ ભૂલનારને રસ્તો બતાવવા હાજર હોય છે.આમ સમ્મેદ શિખર એક જાગૃત તીર્થ છે.
સમ્મેદ શિખર તીર્થ ઝારખંડ રાજ્યમાં આવેલ એક પહાડી છે. જે 27 કિલોમીટરમાં ફેલાયેલી છે. આ પહાડી સમુદ્રથી 1365 મીટર ઊંચી છે અને તેના પર 30 ટોંક આવેલી છે. ટોંક એટલે જ્યાંથી સિદ્ધ ભગવાન મોક્ષે ગયા હોય, ત્યાં ધ્યાન લગાવવા માટે કે શ્રદ્ધાંજલિ આપવા માટે સ્થાન સ્થાપિત કરવું તે. આવી એક એક ટોંક પરથી અસંખ્ય સિદ્ધ મોક્ષ પામ્યા છે.
સમ્મેદ શિખર મધુબન જંગલના વિસ્તારમાં આવેલું છે. ઝારખંડની સરકારે આ તીર્થ સ્થાનને પર્યટન સ્થળ બનાવવાનું ઘોષિત કર્યું છે. જો આ પવિત્ર તીર્થસ્થાનને પર્યટન સ્થળ તરીકે વિકસિત કરે તો વૃક્ષોનો કચ્ચરઘાણ વળે, તેમજ પથ્થરો કાપીને રસ્તા બનાવાય, તેમજ માંસ-મદીરાનું વેચાણ થાય. આવી હિંસક પ્રવૃત્તિઓથી બચવા અને 20 તીર્થંકરોની નિર્વાણ ભૂમિ સમ્મેદ શિખરને બચાવવા જૈન સમાજ આંદોલન કરી રહ્યું છે.
આવા મહાન અને ભવ્ય તીર્થ સ્થાનને પર્યટન સ્થળ તરીકે વિકસિત કરે તો ત્યાં ધર્મની ભાવના સાથે નહિ પરંતુ, મોજમસ્તીનાં વિચારથી લોકો આવશે. જૈન મુનિ કે શ્રાવક દ્વારા આ તીર્થ ની યાત્રા ઉપવાસ રાખીને કરવામાં આવે છે, તેનાથી ઊલટું પર્યટન સ્થળ બનવાથી જૈનેતર લોકો પૂરા તીર્થમાં ખાવાનાં પેકેટ્સ અને પાણીની બોટલો ઉડાડીને આ સ્થાનને ગંદુ કરશે, તેમજ માંસ, મદિરા અને શરાબ જેવી વસ્તુઓનું સેવન કરીને આ પાવનકારી ભૂમિને અપવિત્ર કરશે.
ઝારખંડની સરકાર જ્યારથી સમ્મેદ શિખરને પર્યટન સ્થળ બનાવવાની ઘોષણા કરી છે ત્યારથી જૈન સમાજને ઠેસ પહોંચી છે અને તેઓ રોષે ભરાયા છે. પર્યટન સ્થળ બનતું અટકાવવા જૈન સમાજના લોકોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. જેમા જૈન તીર્થને અકબંધ રાખવાની માંગ કરતા લખ્યું છે કે…
સમ્મેદ શિખર અહિંસાનું ક્ષેત્ર છે,તેની પવિત્રતા અકબંધ રહેવા દ્યો,અમારી ધરોહરને સુરક્ષિત રહેવા દ્યો, અમારા ધાર્મિક સ્થળની છેડછાડ ન કરો, જો ઝારખંડ સરકારને પૈસાની ખોટ પડતી હોય તો અમારા જૈન મંદિરોમાં પૈસાની પેટી રખાવી દો, અમે ઝારખંડ સરકારને પૈસા આપતા રહીશું. જો સમ્મેદ શિખર તીર્થને પર્યટન સ્થળ બનાવવામાં આવશે તો અમે જૈન લોકો અને મુનિઓ અન્ન જળનો ત્યાગ કરીને રસ્તા પર આવી જઈશું.આમ, ધીમે ધીમે જૈનોના આંદોલનની સક્રિયતા વધતી જાય છે.
ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, ગુજરાત વગેરે રાજ્યોના દિગંબર અને શ્વેતાંબર જૈનો એક થઈને અહિંસાના માર્ગે ચાલીને વિરોધ પ્રદર્શન કરે છે. લોકસભામાં ભાજપના સાંસદ મનોજ તિવારી દ્વારા સમ્મેદ શિખર તીર્થસ્થાનને બચાવતો પત્ર વાંચવામાં આવ્યો હતો. જૈનો એ પોતાના ધર્મના સંદેશા પ્રમાણે અહિંસા અપનાવીને વિરોધ પ્રદર્શન દ્વારા સરકારને સમજાવવાનો પ્રયાસ કર્યો છે. સરકારના સકારાત્મક વલણની અપેક્ષા રાખતો જૈન સમાજ પોતાના તીર્થસ્થાન માટે આખરે શાંતિ અને સુરક્ષા માંગે છે.
જૈનમ જયતિ શાસનમ્…