ઠંડીનો લાભ લઇ તસ્કરો મોડી રાત્રે કળા કરી ગયા, સીસીટીવીમાં આઠ ગઠિયાઓ કેદ: વેપારીમાં રોષ
ભાણવડમાં ઠંડીનો લાભ લઇ તસ્કરોએ જાણે જી.આઇ.ડી.સી. વિસ્તારમાં સર્જીકલ સ્ટ્રાઇક કરી હોય તેમ એક સાથે આઠ ઓફિસોના તાળા તોડી રૂા.94,000ની રોકડની ચોરી કરી ગયાની ઘટના પોલીસ ચોપડે ચડી છે. પોલીસે સીસીટીવી ફૂટેજ તપાસતા આઠ તસ્કરો કળા કરી ગયાનું નજરે ચડ્યુ છે.
ભાણવડમાં હાલમાં શિયાળાની ઠંડીનો લાભ લઇ નિશાચરોએ જી.આઇ.ડી.સી. વિસ્તારમાં રાત્રિનાં સમયે ટ્રેક્ટરના શોરૂમ સહિત આઠ જેટલી ઓફિસ, કારખાનાને નિશાન બનાવી હથિયારો વડે તાળા તોડી કુલ 94,000ની રોકડ રકમની ચોરી થયાની ફરિયાદ ભાણવડ પોલીસ થાણે નોંધાઇ છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.
ચોરીના બનાવની પોલીસ સૂત્રોમાંથી એવી વિગત જાણવા મળી છે કે શહેરની બારોબાર ભાણવડ ત્રણ પાટીયા હાઇવે માર્ગ ઉપર આવેલી જી.આઇ.ડી.સી.માં રાત્રિનાં સમયે ખોળ કપાસીયાનાં વેપારી ગોપાલ ઇન્ડસ્ટ્રીક, અરમાન ઇન્ડસ્ટ્રીઝ તેમજ ગણેશ ઇન્ડસ્ટ્રીઝ અને ખોજા બહાદુરઅલી સહિત કવૈયા સીમેન્ટ પ્રોડક્શન તેમજ જેઠાભાઇ નંદાણીયા, સરકારી વિનયન કોલેજ સહિતનાં ઓફીસનાં તાળા તોડી તમામ માલ સામાન ટેબલનાં ખાના ફંફોસીયા હતાં.
જેમાં ત્રણથી ચાર ઓફીસ મળી કુલ રૂા.94,000ની રોકડાની ચોરી થયાની ફરિયાદ ધ્વનીત પ્રકાશભાઇ દાવડા સહિતે ભાણવડ પોલીસમાં નોંધાવતા પોલીસ સીસીટીવી ફૂટેજનાં આધારે તપાસ શરૂ કરી છે. સીસીટીવી ફૂટેજમાં કુલ આઠ જેટલા ઇસમો એકબીજાને મદદગારી કરી રહ્યાનું જણાઇ આવ્યું છે.