વિરોધ પક્ષના નેતા વશરામ સાગઠીયાએ સ્ટોરની મુલાકાત લઈ ભાંડો ફોડ્યો: ધગધગતી ફરિયાદ
આજે ૮૦ ફૂટ રોડ ઉપર આવેલ સ્ટોરના વંડાની મુલાકાત લેતા મહાપાલિકાના સ્વચ્છ ભારત મિશન અને સોલીડ વેસ્ટ વિભાગની અનેક ખામીઓ અને વાસ્તવિકતા સામે આવેલ છે. રૂબરૂ સ્થળ તપાસ કરતા રાજકોટ મહાનગરપાલિકાના હજ્જારોની સંખ્યામાં નવેનવા ડસ્ટબીનો વણવપરાયેલા અને ભંગાર હાલતમાં જોવા મળેલ હતા. અમુક વિસ્તારોને બાદ કરતા કોઈપણ જગ્યાએ કોર્પોરેશન દ્વારા ભીનો અને સુકો કચરો અલગ કરવા માટેના ડસ્ટબીન આપવાના હતા જે આપેલ નથી તેમ વિરોધપક્ષના નેતા વશરામ સાગઠીયાએ જણાવ્યું હતું.
રાજકોટમાં જાહેર રસ્તાઓ ઉપર પાનના ગલ્લાઓ, ખાણી પીણાની રેકડીઓ અને હોકર્સ ઝોનની આસપાસ વગેરે જેવા સ્થળોએ મુકવામાં આવતા મોટા લીલા અને બ્લુ કલરના ડસ્ટબીન કે જે લોખંડના બાસ્કેટની અંદર રાખી લોખંડ પાઈપના સ્ટેન્ડ ઉપર ઉભા કરવાના હતા જે પણ હજ્જારોની સંખ્યામાં આ સ્ટોરના વંડામાં નવે નવા વણવપરાયેલ હાલતમાં પડ્યા છે અને લોખંડના બાસ્કેટ તેની ઉપર પડ્યા પડ્યા કાટ ખાઈ ગયેલ છે લોખંડના બાસ્કેટ ઉપર અનેક વિધ છોડવા અને વેલા ઉગી નીકળેલ છે તેમજ આ લીલા અને બ્લુ કલરના નવે નવા ડસ્ટબીનો સુર્યના તાપથી ઓગળી ગયેલા સ્ટોરમાં નજરે પડે છે, સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ખરીદવામાં આવેલ અંદાજે ત્રણ સ્વ ત્રણ ફૂટના પ્લાસ્ટિકના ડસ્ટબીન કે જે સ્પેશિયલ ૧૫૦ ફૂટ રીંગ રોડ અને બીઆરટીએસના વિસ્તારમાં મુકવાના હતા જે પણ હજારોની સંખ્યામાં નવેનવા સીલપેક હાલતમાં ધૂળ ખાઈ અને ઉનાળાના તડકાના હિસાબે પ્લાસ્ટિકની કેપેસીટી ઓછી થતા આ ડસ્ટબીનને દબાવતાં તૂટી જાય છે આની ખરીદી પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ રાજકોટના લોકોના માથે આવેલ છે આ ખરીદીમાં કરોડો રૂપિયાનું ગોલમાલ થયું હોય તેવું દેખાય રહ્યું છે.
વોર્ડ નં.૧૫માં વ્હીલબરોના ડબ્બા ન હોવાને કારણે અને બંને એસઆઈને અમારા દ્વારા દબાણ કરતા વ્હીલબરોના ડબ્બા ન હોવાને કારણે કચરો પુરો લઇ શકતા નથી તેવી હકીકત સામે આવેલ હતી તપાસ કરતા પર્યાવરણ ઈજનેર સાથે ટેલીફોનીક વાતમાં જાણવા મળ્યું કે ફક્ત ત્રણ લાખ રૂપિયા સુધીમાં જ વ્હીલબરોના ડબ્બા ખરીદવાની ફાઈલ હજુ સુધી સહી થયેલ નથી જેથી ફક્ત ત્રણ લાખની ખરીદીના વાંકે રાજકોટના કેટલાય વોર્ડમાં વ્હીલબરો ડબ્બા વગરના પડ્યા છે અને હજારો વ્હીલબરો સ્ટોરના વંડામાં પણ કાટ ખાઈ રહ્યા છે મ.ન.પા. પાસે કરોડો રૂપિયા ખરીદીના હોય છે પરંતુ, ત્રણ લાખ જેવી નજીવી રકમમાં વ્હીલબરોના ડબ્બા ખરીદાતા નથી જેથી સફાઈ કર્મચારીએ વિસ્તારના લોકોનું પણ સંભાળવું પડે છે અને લોકો પાસેથી સફાઈ કર અને ડોર ટુ ડોર ગાર્બેજ ચાર્જ વસુલતા હોવા છતાં પણ લોકોને સુવિધા પૂરી પાડવામાં આવતી નથી તેવા ગંભીર આક્ષેપ સાથેની વિસ્તુત અહેવાલ સાથેની માહિતી મ્યુનિસિપલ કમિશ્રર બંછાનિધિ પાની પાસે માંગવામાં આવેલ છે