સરકાર હસ્તકની જમીનનો કબજો મળતા મહાપાલિકાનાએ ખાનગીરાહે ટેન્ડર પ્રસિધ્ધ કરી દીધા: આજે સાંજે ટેકનિકલ બીડ ખુલશે: ૩૫૦થી વધુ ઝુંપડાધારકોને મળશે પાકા મકાન
ઝુંપડપટ્ટીમાં વસવાટ કરતા ગરીબ લોકોને ઘરનું ઘર આપવા માટે રાજકોટ મહાપાલિકા દ્વારા અમલમાં મુકવામાં આવેલી પીપીપી આવાસ યોજનાને જબ્બર સમર્થન મળ્યું છે. શહેરના પોશ વિસ્તાર એવા અમીન માર્ગ મેઈન રોડ પર આવેલી ઝુંપડપટ્ટીનો પણ પીપીપી આવાસ યોજનામાં સમાવેશ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ માટે ટેન્ડર પ્રસિધ્ધ કરી દેવામાં આવ્યું છે. સાંજે ટેકનીકલ બીડ અને આવતીકાલે ફાઈનાન્સીયલ બીડ ખુલશે.
આ અંગે આવાસ યોજના વિભાગ પાસેથી પ્રાપ્ત થતી વિગતો મુજબ કાલાવાડ રોડ અને અમીન માર્ગ વચ્ચે સૌરાષ્ટ્ર હાઈસ્કુલ પાસે આવેલી ઝુંપડપટ્ટીનો પીપીપી યોજનામાં અગાઉ સમાવેશ કરી દેવામાં આવ્યો છે. જેમાં હિંગળાજનગર મફતીયાપરા નામથી ઓળખાતા વિસ્તારમાં વસવાટ કરતા ઝુંપડાધારકોને પાકા ફલેટ આપવામાં આવશે. આ કામ રાજકોટના જે.પી. સ્ટ્રકચરને આપવામાં આવ્યું છે. જેમાં મહાપાલિકાનેરૂ૪૦.૦૫ કરોડનું પ્રિમીયમ પ્રાપ્ત થયું છે. અમીન માર્ગ મેઈન રોડ પર આવેલા ૩૫૦ ઝુંપડાધારકોને પાકા મકાનો આપવા માટે અહીં પીપીપી આવાસ યોજના લાગુ કરવામાં આવી હતી. જો કે, આ જમીન સરકારની હોવાના કારણે પ્રથમ ફેઈસમાં તેના સમાવેશ થઈ શકયો ન હતો. તાજેતરમાં રાજય સરકાર દ્વારા આ જમીનની મહાપાલિકાને ફાળવણી કરી દેવામાં આવતા આવાસ યોજના વિભાગ દ્વારા જૂન માસના પ્રથમ સપ્તાહમાં ખાનગી રાહે ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવ્યા હતા.
આજે ટેન્ડરની મુદત પૂર્ણ થતા સાંજે ટેકનીકલ બીડ ખોલવામાં આવશે. જેમાં એ વાતનો ખ્યાલ આવી જશે કે અમીન માર્ગ જેવા પોશ વિસ્તારમાં મેઈન રોડ પર આવેલી ઝુંપડપટ્ટીની જગ્યાએ પીપીપી આવાસ યોજના માટે કોને રસ છે. અહીં ૧૯૦૦૦ ચો.મી. જગ્યામાં ૩૫૦ જેટલા ઝુંપડાઓ આવેલા છે. આજે સાંજે ટેકનીકલ બીડ ઓપન કરાયા બાદ કાલે ફાઈયનાન્સીયલ બીડ ખોલવામાં આવશે. જેમાં અહીં પીપીપી આવાસ યોજના લાગુ કરવા માટે જે એજન્સી દ્વારા મહાપાલિકાને વધુ પ્રિમીયમની ઓફર કરવામાં આવશે તેને કોન્ટ્રાકટ આપવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અમીન માર્ગ પરની આ જમીનની બજાર કિંમત કરોડો નહીં પરંતુ અબજો ‚પિયા બોલાય રહી છે. બહુ ઓછી એજન્સી કે ચોક્કસ બીલ્ડરો જ ટેન્ડર પ્રક્રિયામાં સામેલ થઈ શકે તે માટે મહાપાલિકા તંત્ર દ્વારા ખુબજ ખાનગી રાહે ટેન્ડર પ્રસિધ્ધ કરવા સહિતની પ્રક્રિયા આટોપી લેવામાં આવી છે. પીપીપી આવાસ યોજના રાજકોટમાં ખુબજ થઈ છે. જેમાં મહાપાલિકાને અત્યાર સુધીમાં ૩૦૦ કરોડથી પણ વધુનું ટેન્ડર પ્રાપ્ત થયું છે. જો કે આ સફળતમ યોજના સામે વિરોધ પક્ષ કોંગ્રેસે એવો પણ આક્ષેપ લગાવી રહી છે કે, માત્ર બિલ્ડરોને કરોડો ‚પિયાની જમીન પાણીના ભાવે ખેરાત કરવા માટે મહાપાલિકા તંત્ર અને ભાજપના શાસકોને પીપીપી આવાસ યોજનામાં રસ છે. વાસ્તવમાં આ યોજનાથી ખુદ લાભાર્થીઓ જ નારાજ છે.