સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને જોડતાં સાબરમતી નદી પરના જર્જરિત ગલિયાણા બ્રિજનો સ્લેબ ખરી પડતા બ્રિજ બંધ કરાયો હતો. અંગ્રેજોના શાસનમાં બનાવેલા બ્રિજની અવધિ બે દાયકાથી પૂરી થઈ ગઈ છે જ્યારે 2008માં બીજો બ્રિજ બનાવવાની મંજૂરી અપાઈ હતી છતાં કોઈ કામગીરી ન થતાં છેલ્લાં 10 વર્ષથી જર્જરિત પુલ ચાલુ રખાયો હતો.
ચોમાસાની સિઝનમાં પુલ બંઘ કરવો પડતો હતો જ્યારે બે વર્ષ અગાઉ પુર આવતા બ્રિજ અડધો ફૂટ બેસી ગયો હતો. શનિવાર રાત્રે ગલિયાણા બ્રીજનો સ્લેબના પોપડા ઉખડતા બંધ કરી દેવામાં આવ્યો હતો.
આ બનાવવની જાણ થતાં ગુજરાત સ્ટેટ રોડ ડેવલોપમેન્ટ કોર્પોરેશન તથા માર્ગ અને મકાન વિભાગના અમદાવાદના એન્જીનયર દ્વારા બ્રીજનું નીરિક્ષણ કરી જોખમી હોવાનું જણાવતાં ગલિયાણા બ્રીજ કાયમી ધોરણે બંધ કરવાનો વહીવટી તંત્રેએ નિર્ણય લીધો છે.
રાત્રે 11 વાગ્યે બ્રીજ બંધ કરતાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત તરફ અવરજવર કરવા નીકળેલા વાહન ચાલકો મોડી રાત્રે અટાવાઇ ગયાં હતાં. આ બ્રિજ પર રોજ 30 હજાર વાહનોની અવરજવર થતી હતી.