ઉત્સવઘેલી ગુજરાતની જનતા આવતીકાલે ઉત્તરાયણના પર્વની ઉજવણી કરશે. આકાશમાં સપ્તરંગી પતંગોની રંગોળી પુરાશે. સામાન્ય રિતે મક્રર સંક્રાંતની ઉજવણી કરવામાં આવતી હોય છે. પરંતુ આ વર્ષ સુર્યગ્રહનો મકર રાશીમાં પ્રવેશ રવિવારે રાત્રે 2:44 કલાકે થતો હોવાના કારણે ધાર્મિક મકર સંક્રાંતની ઉજવણી 15મીએ અર્થાત્ સોમવારે કરવામાં આવશે.
કાલે ગુજરાત સહિત દેશભરમાં ઉજવાશે ઉત્તરાયણનું મહાપર્વ: ધાર્મિક મક્રર સંક્રાતિની થશે સોમવારે ઉજવણી
અગાશી પર ચિકી, મમરા-તલના લાડુ, જીંજરા, બોર, ઉંધીયુ, જલેબીની જામશે મહેફિલો: ઉત્સવઘેલી જનતા રાત્રે ગરબા રમી ફટાકડા પણ ફોડશે
સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં વર્ષ દરમિયાન મુખ્ય ચાર તહેવારોની ઉજવણી કરવામાં આવે છે. દિવાળી, સાતમ-આઠમ, હોળી-ધુળેટી અને ઉત્તરાયણની હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવે છે. છેલ્લા બે-ત્રણ દિવસથી પતંગ બજારમાં પતંગવીરોની સારી એવી ભીડ જોવા મળી રહી છે. આવતીકાલે રવિવારના દિવસે ઉત્તરાયણનું પર્વ આવ્યુ હોવાના કારણે એક રજા કંપાવાનો લોકોમાં થતો રંજ પણ જોવા મળી રહ્યો છે. કાલે સવારથી ઘર અને એપાર્ટમેન્ટની અગાસીઓ સતત ગુંજતી રહેશે. આખો દિવસ અગાસી પર રહી લોકો પતંગ ચગાવવાનો આનંદ માણશે. ઉત્તરાયણના દિવસે વણલખી પરંપરા મુજબ ઉંધીયુ ખાવાનું ખૂબ જ મહત્વ છે. લોકો કાલે ઉંધીયુ-પુરીનો સ્વાદ માણશે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ઉંધીયુ-જલેબી ખાવાનો ક્રેઝ છે. આ ઉપરાંત ચિકી, મમરા અને તલના લાડુ, બોર, જીંજરા, શેરડીની મહેફીલો જામશે. સૌરાષ્ટ્રમાં ઉત્તરાયણના દિવસે આખો દિવસ પતંગ ચગાવ્યા બાદ લોકો સાંજે સુર્યાસ્ત બાદ અગાસી પર રાસ ગરબાની રમઝટ બોલાવશે. ફટાકડા પણ ફોડશે. અમદાવાદ સહિતના શહેરોમાં 15મી જાન્યુઆરીએ વાસી ઉત્તરાયણની પણ ઉજવણી કરવામાં આવે છે.
વેદાંત રત્ન શાસ્ત્રી રાજદીપભાઇ જોશીના જણાવ્યાનુસાર પંચાગ અને ધર્મસિંધુના નિયમ પ્રમાણે ધાર્મિક મકર સંક્રાંતિ સોમવારે 15 જાન્યુઆરીના રોજ છે. મકર સંક્રાંતિનું સ્વરૂપ વાહન અશ્ર્વનું છે. ઉપવાહન સિંહ છે. કાળા કપડા પહેરેલ છે. હાથમાં ભાલો ધારણ કરેલ છે. જાતી દ્વિજ છે. કઠોળ ખાય છે. સોનુ ધારણ કરેલ છે. દક્ષિણમાંથી આવીને ઉત્તર તરફ જાય છે. તેની દ્રષ્ટિ ઇશાન ખુણા તરફ છે. મુળ પશ્ર્ચિમ તરફ છે.
સંક્રાંતિ માટે એમ મનાઇ છે કે જે-જે વસ્તુઓ સાથે સંબંધ થાય તે મોંઘી બને આ વર્ષે વરસાદ મધ્યમ રહે, ઘોડા તથા સિંહને નુકશાન જાય. આ પ્રાણીઓ લુપ્ત થાય તેમાં રોગચાળો ફેલાવાની શક્યતા ખરી, કાળા તલ, અળદ, ચા-કોફીના ભાવમાં વધારો થવો સંભવ છે.
મકર સંક્રાંતિના દિવસે સોમવારે તલ ખાવા, તલવાળુ પાણી પીવું, તલવાળા જળથી સ્નાન કરવુ, તલનો હવન કરવો, તલનું ધનદેવુ, તલના તેલનું શરીરે લગાવવું તથા કાળા તલ મહાદેવજી ઉપર ચડાવા એમ આમ સાત પ્રકારે મકર સંક્રાંતિના દિવસે તલનો ઉપયોગ કરવો ઉત્તમ ગણાય છે.
આજે સવારથી રાજકોટમાં સદર બજારમાં જ્યાં પતંગ માર્કેટ ભરાય છે ત્યાં પતંગવીરોની ભારે ભીડ જામી છે. પતંગ-દોરાની ખરીદી માટે લોકોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે.
રાશી મુજબ દાનની વિગત
- મેષ, ક્ધયા, કુંભ : પિત્તળનું વાસણ, ચણાની દાળ, પીળું કાપડ, હળદળનો ગાઠીયો અને ચંદનની ડબ્બી
- વૃષભ, સિંહ, ધન : ઘઉં, ગોળ, લાલ કાપડ, લાલ-તલ, ત્રાંબાનું વાસણ અને કંકુની ડબ્બી
- મિથુન, તુલા, મકર : ઘી, ખાંડ, સાકર, સફેદ તલ, પ્રિન્ટેડ કાપડ તથા ચાંદીની વસ્તુ
- કર્ક, વૃશ્ર્ચિક, મીન : કાળા તલ, સ્ટીલનું વાસણ, કાળુ કપડુ, ચાની ભુક્કી, અળદનું દાન કરવું
પતંગ રસિકોને મોજ: કાલે પવન 15 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે
દર વર્ષની જેમ આ વખતે પણ કદાચ પતંગ રસિયાઓના મનમાં એ ચિંતા સતાવતી હશે કે આ વર્ષે ઉત્તરાયણ પર પવન કેવો રહેશે. કારણ કે દર વર્ષે ઉત્તરાયણના દિવસે સવાર-સવારમાં પવનની ગતિ સારી રહેતી હોય છે પરંતુ બપોર બાદ પવનની ગતિ ઓછી થઈ જતી હોય છે. આથી પતંગ રસિકોની મજા બગડતી હોય છે. ત્યારે ઉત્તરાયણના દિવસે રાજ્યનો હવામાન કેવો રહેશે તેની આગાહી પણ સામે આવી છે. આગાહી મુજબ 14 જાન્યુઆરીએ સારો પવન ફંકાશે જેની ઝડપ 15-20 કિમી પ્રતિ કલાકની રહેશે.