ભારતના અર્થતંત્રમાં ઐતિહાસિક વૃદ્ધિ જોવા મળી છે. પ્રથમ વખત, ભારતની અર્થવ્યવસ્થા 4 ટ્રિલિયન ડોલરને પાર કરી ગઈ છે અને આ સાથે તે વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા ધરાવતો દેશ બનવાની ખૂબ નજીક પહોંચી ગયો છે. ભારતની 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા હાંસલ કરવાની દિશામાં આ એક મોટું પગલું છે.
વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવામાં ભારત હવે થોડું જ દૂર : 2025 સુધીમાં 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થાનું લક્ષ્ય
નાણાકીય વર્ષ 2023-24 ના પ્રથમ ત્રિમાસિક ગાળા દરમિયાન, ભારતનો જીડીપી 7.8 ટકા વધ્યો હતો. હાલમાં જ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે દેશની અર્થવ્યવસ્થા પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. શક્તિકાંત દાસે 31 ઓક્ટોબરે એક નિવેદનમાં કહ્યું હતું કે આર્થિક ગતિવિધિઓને જોતા કેટલાક પ્રારંભિક આંકડાઓ સામે આવ્યા છે, જેના કારણે મને આશા છે કે નવેમ્બરના અંતમાં બીજા ક્વાર્ટર દરમિયાન આવનારા જીડીપીના આંકડા ચોંકાવનારા હશે.
જો આપણે જીડીપી લાઈવ ડેટા પર નજર કરીએ તો તે સ્પષ્ટ થાય છે કે ભારતે 18મી નવેમ્બરની મોડી રાત્રે આ સીમાચિહ્ન હાંસલ કર્યું હતું અને પ્રથમ વખત રૂ. 4 ટ્રિલિયનનો આંકડો પાર કર્યો હતો. જોકે, ભારત હજુ ચોથા સ્થાનથી દૂર છે. હાલમાં, જર્મની વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા ધરાવતો દેશ છે અને ભારત અને તેની વચ્ચેનું અંતર ઘણું ઘટી ગયું છે.
ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ ટ્વિટર પર પોસ્ટ કર્યું, ‘અભિનંદન, ભારત. વૈશ્વિક જીડીપીની દ્રષ્ટિએ ત્રીજો સૌથી મોટો દેશ બનવા માટે ભારતને હજુ બે વર્ષ બાકી છે, જે જાપાનને અને જર્મનીને પાછળ છોડી દેશે.
ઇકોનોમીમાં ટોપ -5 દેશો
- યુએસએ – 26.7 ટ્રીલિયન ડોલર
- ચીન – 19.24 ટ્રીલિયન ડોલર
- જાપાન – 4.39 ટ્રીલિયન ડોલર
- જર્મની – 4.28 ટ્રીલિયન ડોલર
- ભારત – 4 ટ્રીલિયન ડોલર
2030 સુધીમાં ભારત જાપાનને પાછળ છોડી ત્રીજા ક્રમે આવી જશે
હવે કેન્દ્ર સરકારનું આગામી લક્ષ્ય 2025 સુધીમાં દેશની અર્થવ્યવસ્થાને 5 ટ્રિલિયન ડોલર સુધી લઇ જવાનો છે. એસએન્ડપી ગ્લોબલ ઇન્ડિયા મેન્યુફેક્ચરિંગે તાજેતરમાં એક નિવેદનમાં જણાવ્યું હતું કે 2030 સુધીમાં ભારતની અર્થવ્યવસ્થા જાપાનને પછાડીને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે અને આ સાથે તે એશિયાની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા પણ બની જશે.