બજેટની તડામાર તૈયારીઓ: નવા પદાધિકારીઓ ખુરશી સંભાળતાની સાથે જ મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા રજૂ કરાશે અંદાજપત્ર
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની આચારસંહિતાના કારણે રાજ્ય સરકાર દ્વારા તમામ મહાપાલિકાનું આગામી નાણાકીય વર્ષનું અંદાજપત્ર 20મી એપ્રીલ સુધીમાં મંજૂર કરવા માટેની મુદત આપવામાં આવી છે. દરમિયાન હાલ કોર્પોરેશનમાં બજેટ તૈયાર કરવાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ભાજપને પ્રચંડ જનાદેશ આપનાર રાજકોટવાસીઓ પર નવા કરબોજ લાદવામાં આવે તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે. જો કે મ્યુનિ.કમિશનર દ્વારા કર પ્રસ્તાવ સ્ટેન્ડિંગ કમીટીના દ્વારા મંજૂર કરવામાં આવશે કે કેમ તે અંગે પણ શંકા સેવાઈ રહી છે. બીજી તરફ ચાલુ નાણાકીય વર્ષની સરખામણીએ આ વખતે બજેટના કદમાં વધારો આવે તેવું જણાય રહ્યું છે.
મહાપાલિકાનું વર્તમાન નાણાકીય વર્ષનું બજેટ 2065 કરોડનું હતું. કોરોનાકાળમાં ટેકસની આવકમાં તોતીંગ ગાબડુ પડ્યું છે. આ ઉપરાંત રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર દ્વારા ધારી ગ્રાન્ટ ફાળવવામાં આવી નથી. આવા કિસ્સામાં રિવાઈઝડ બજેટનું કદ 50 ટકાથી પણ ઓછુ રહે તેવું હાલ દેખાઈ રહ્યું છે. ટેકસ બ્રાંચને ચાલુ નાણાકીય વર્ષમાં રૂા.248 કરોડનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. જેની સામે હજુ સુધી 167 કરોડની વસુલાત થવા પામી છે અને 29 દિવસમાં હજુ 81 કરોડ વસુલવા પડે તેમ છે જે લગભગ અશક્ય જણાય રહ્યું છે.
ટેકસનો રિવાઈઝડ ટાર્ગેટમાં તોતીંગ કાપ મુકવામાં આવે તેવું જણાય રહ્યું છે. હાલ મહાપાલિકામાં વહીવટદાર શાસન છે અને વહીવટદાર તરીકે ખુદ મ્યુનિ.કમિશનર અગ્રવાલ છે. આવતા સપ્તાહે મહાપાલિકામાં નવી બોડી કાર્યરત થઈ જાય તેવી શકયતા જણાય રહી છે ત્યારે વહીવટી વિભાગ દ્વારા બજેટ તૈયાર કરવા માટેની તડામાર તૈયારીઓ ચાલ રહી છે. ચાલુ નાણાકીય વર્ષનું બજેટ રૂા.2065 કરોડનું હતું. જેમાં નાણાકીય વર્ષ 2021-22માં વધારો થાય તેવી સંભાવના જણાય રહી છે. બીજી તરફ હવે આ વર્ષે કોઈ ચૂંટણી યોજાનાર ન હોય મ્યુનિ. કમિશનર દ્વારા રાજકોટવાસીઓ પર પાણી વેરો, મિલકત વેરો, ડ્રેનેજ ચાર્જ કે ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન ચાર્જમાં વધારો કરવાની દરખાસ્ત મુકવામાં આવે તેવી સંભાવના છે. રાજકોટવાસીઓએ ભાજપ તરફી પ્રચંડ જનાદેશ આપ્યો છે અને 72માંથી 68 બેઠકો પર ભાજપનો વિજય થયો છે. આવામાં જો કમિશનર નવો કર પ્રસ્તાવ લાવશે તો લોકોના મનમાં સારા થવા માટે શાસકો આ કરબોજ ફગાવશે અને હયાત કર માળખુ યથાવત રાખવામાં આવશે. આટલું જ નહીં પ્રચંડ જનાદેશની રીટર્ન ગીફટ આપવા માટે કેટલીક નવી યોજના બજેટમાં મુકવામાં આવે તેવું જણાય રહ્યું છે.
કોર્પોરેટરોના નામ કાલ સુધીમાં ગેઝેટમાં પ્રસિધ્ધ: આવતા સપ્તાહે બોર્ડ
રાજકોટ મહાનગરપાલિકાની નવમી સામાન્ય ચૂંટણીમાં શહેરના 18 વોર્ડની 72 બેઠકો પરથી ચૂંટાયેલા ભાજપના 68 કોર્પોરેટર અને કોંગ્રેસના 4 નગરસેવકના નામ રાજ્ય સરકાર દ્વારા આજે સાંજ સુધીમાં અથવા મોડામાં મોડા આવતીકાલ સુધીમાં ગેઝેટમાં પ્રસિધ્ધ કરી દેવામાં આવશે. મેયર, ડે.મેયર તથા સ્ટેન્ડિંગ કમીટીના 12 સભ્યોની વરણી કરવા માટે મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા જનરલ બોર્ડ બોલાવવામાં આવશે. સામાન્ય રીતે ચૂંટણીનું પરિણામ આવ્યાના એકાદ સપ્તાહમાં સરકાર દ્વારા ચૂંટાયેલા સભ્યોના નામ ગેઝેટમાં પ્રસિધ્ધ કરી દેવામાં આવતા હોય છે. મહાપાલિકાનું પરિણામ આવ્યાના આજે એક સપ્તાહ જેવો સમય વીતી ચૂક્યો છે. ત્યારે આજ સાંજ સુધીમાં અથવા આવતીકાલે કોર્પોરેટરોના નામ ગેઝેટમાં પ્રસિધ્ધ થયા બાદ મ્યુનિ. કમિશનર દ્વારા મેયર, ડે.મેયરની ચૂંટણી કરવા તથા સ્ટે.કમીટીના 12 સભ્યો માટે બોર્ડ એજન્ડા પ્રસિધ્ધ કરવામાં આવશે. જેની સમય મર્યાદા 7 દિવસની રહેશે. આવતા સપ્તાહમાં મહાપાલિકામાં નવી બોડી કાર્યરત થઈ જશે.