મ્યુનિ.કમિશનરે રજૂ કરેલા રૂ.2275.80 કરોડના બજેટના કદમાં રૂ.15.44 કરોડનો વધારો કરતી સ્ટેન્ડિંગ કમિટી
મહાપાલિકાની વર્તમાન સ્થિતિને નજર સમક્ષ રાખી વાસ્તવિક અને પ્રજાલક્ષી બજેટ આપવાનો પ્રયાસ: સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ
આજી અને ન્યારી ડેમ સાઈટ પર 300 એમએલડી ક્ષમતાના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવશે
રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમીટી દ્વારા આજે વર્ષ 2021-22ના રૂા.2291.24 કરોડના બજેટને મંજૂરીની મહોર મારવામાં આવી હતી. મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલે રજૂ કરેલા કરબોજ વિહોણા રૂા.2275.80 કરોડના બજેટના કદમાં 15.44 કરોડનો વધારો કરવામાં આવ્યો છે. રાજકોટની વિકાસયાત્રા સતત આગળ ધપતી રહે તે માટે બજેટમાં રૂા.56.70 કરોડના નવા 22 પ્રોજેકટનો સમાવેશ કરવામાં આવ્યો છે. કોલ સેન્ટરનું અપગ્રેડેશન કરવામાં આવશે. મહાપાલિકાની તમામ સેવાઓ હવે શહેરીજનોને વોટ્સએપ પર પ્રાપ્ત થશે. આ ઉપરાંત શહેરના અલગ અલગ ત્રણ સ્થળે નવા બ્રિજ બનાવવાની બજેટમાં જાહેરાત કરવામાં આવી છે. બજેટ એકંદરે રાજકોટની વિકાસયાત્રાને આગળ ધપાવનારૂ અને વાસ્તવિકતા સાથે દુરંદેશીને અનુરૂપ આપવામાં આવ્યું છે.
બજેટ મંજૂર કર્યા બાદ પત્રકાર પરિષદને સંબોધતા સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલે જણાવ્યું હતું કે, મહાપાલિકામાં ફરી એકવાર રાજકોટવાસીઓએ ભાજપને ધુરા સોંપી એ સાબીત કરી દીધું છે કે ભાજપના વિકાસલક્ષી અભિગમને તેઓએ આવકાર્યા છે. આ વિકાસ યાત્રાને સતત તેઓ આગેકુચ કરતી રહે તેવા વિશ્ર્વાસ સાથે પ્રજાજનોએ સત્તા ભાજપને સોંપી છે. આગામી 5 વર્ષમાં શહેરની વિકાસને એક નવી ઉંચાઈએ લઈ જવા માટે શાસકો મક્કમ છે. નવી ચૂંટાયેલી પાંખ દ્વારા આજે પ્રથમ અંદાજપત્રમાં પ્રજાજનોની અપેક્ષાઓ અને આકાંક્ષાઓનો પડઘો પડે તેવા પ્રામાણીક પ્રયાસો કરવામાં આવ્યા છે. કોરોનાની વૈશ્ર્વિક મહામારીને ધ્યાનમાં રાખી શાસકો દ્વારા શહેરીજનોની સુવિધા માટે લોકઉપયોગી યોજનાઓ ચાલુ રાખવાની સાથે એક પણ રૂપિયાના કરબોજ વિનાનું અંદાજપત્ર તૈયાર કરવામાં આવ્યું છે. મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા સ્ટેન્ડિંગ કમીટી સમક્ષ રૂા.2275.80 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. કમીટી દ્વારા ઉંડાણપૂર્વકની ચર્ચા-વિચારણા કરી શહેરના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. રૂા.56.70 કરોડના નવા 22 પ્રોજેકટ સાથે 2291.24 કરોડનું કદ ધરાવતું વાસ્તવિક અને પ્રજાલક્ષી બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. મ્યુનિ. કમિશનરે રજૂ કરેલા બજેટમાં 15.44 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, શહેરીજનોને આરોગ્યલક્ષી સેવા આસાનીથી મળી રહે તે માટે બજેટમાં વિશેષ ભાર મુકવામાં આવ્યો છે. આ ઉપરાંત મહાપાલિકાની જાહેર સેવા વ્યવસ્થા વધુ લોકભોગ્ય બને તે માટે કોલ સેન્ટરનું અપગ્રેડેશન, વોટ્સએપ આધારિત સેવા, આરોગ્ય કેન્દ્રનું અપગ્રેડેશન જેવા પ્રોજેકટનો બજેટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. કોઠારીયા, વાવડી વિસ્તારમાં નવો બ્રીજ, સીસી રોડની સુવિધા, શહેરમાં ઈ-લાઈબ્રેરી, વોકળાઓ પાકા કરવા, મહિલા હાટ થીમ બેઈઝ ચિલ્ડ્રન પાર્ક, પર્યાવરણના સંરક્ષણ માટે ગો ગ્રીન ક્ધસેપ્ટ, મૃત પશુના નિકાલ માટે અદ્યતન ઈન્સીનરેન્ટર મશીન, પીપીપીના ધોરણે મીયાવાકી ક્ધસેપ્ટથી ધનિષ્ઠ વૃક્ષારોપણ અને મહાપાલિકાની આંતરીક કામગીરી માટે ઈલેકટ્રીક કાર ખરીદવા સહિતની યોજનાનો બજેટમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલે જણાવ્યું કે, શાસક પક્ષે કોરોનાની વેશ્ર્વીક મહામારીને ધ્યાનમાં રાખી શહેર અને મહાપાલિકાની વર્તમાન સ્થિતિ નજર સમક્ષ રાખી વાસ્તવિક અને પ્રજાલક્ષી બજેટ આપવાનો પ્રયાસ કર્યો છે. શહેરીજનોની અપેક્ષાઓને પરિપૂર્ણ કરવા સ્ટેન્ડિંગ કમીટીએ ગહન વિચાર વિમર્શ કરી લોકભોગ્ય નિર્ણય લીધા છે. આગામી વર્ષ માટેની વિકાસની રૂપરેખા રજૂ કરતા આ બજેટને રાજકોટવાસીઓ આવકારશે તેવો વિશ્ર્વાસ તેઓએ અંતમાં વ્યકત કર્યો હતો. સ્ટેન્ડિંગ કમીટીએ મંજૂર કરેલા બજેટને મેયર ડો.પ્રદિપભાઈ ડવ સહિતના પદાધિકારીઓએ વિકાસલક્ષી ગણાવી આવકાર્યું હતું.