કોટડા સાંગાણી તાલુકાના માણેકવાડા ગ્રામ પંચાયતની ચૂંટણીના પરાજીત ઉમેદવારની જૂના મનદુ:ખના કારણે સરપંચ સહિતના છ શખ્સોએ પાઇપ, ધોકા અને પથ્થર મારી હત્યા કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. હોસ્પિટલે એકઠા થયેલા ટોળાએ તાત્કાલિક હત્યાનો ગુનો નોંધી ધરપકડની માગ સાથે લાશ સ્વીકારનો ઇન્કાર કરતા પોલીસને દોડધામ થઇ ગઇ છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ માણેકવાડાના નાનજીભાઇ મેઘાભાઇ સોંદરવા નામના ૩૫ વર્ષના દલિત યુવાન બાઇક પર રાજકોટથી માણેકવાડા જઇ રહ્યા હતા ત્યારે સોડીયા નજીક ચંદુભાઇ વઘાસીયાની વાડી પાસે કારમાં ઘસી આવેલા માણેકવાડાના સરપંચ મહેન્દ્રસિંહ ભીખુભા જાડેજા, ઘનશ્યામસિંહ ચંદુભા જાડેજા, હિતેન્દ્રસિંહ ચંદુભા જાડેજા, હિતેન્દ્રસિંહ નિર્મળસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજા અને જગા ભરવાડ સહિતના શખ્સોએ પાઇપ, ધોકા અને પથ્થર મારી હત્યા કર્યાનું પોલીસમાં નોંધાયું છે.
મૃતક નાનજીભાઇ સોંદરવા માણેકવાડા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મહેન્દ્રસિંહ જાડેજા સામે પરાજય થયો હતો. બંને વચ્ચે ચૂંટણીના કારણે મનદુ:ખ ચાલતું હતું. દરમિયાન નાનજીભાઇએ ગ્રામ પંચાયતના કામ અંગેની આરટીઆઇ કરી માહિતી માગતા બંને વચ્ચે વૈમનશ્યમાં વધારો થયો હતો.
નાનજીભાઇ સોંદરવા પર અગાઉ હુમલો થયો હોવાની જિલ્લા પોલીસ વડા અંતરિપ સૂદને રજૂઆત થઇ હતી. ગઇકાલે રાજકોટ ખાતે અભ્યાસ કરતા પુત્રોને મળી નાનજીભાઇ સોંદરવા પરત જઇ રહ્યા હતા ત્યારે સોળીયા ગામ પાસે આંતરી સરપંચ મહેન્દ્રસિંહ જાડેજા સહિતના શખ્સોએ હુમલો કરી હત્યા કર્યાનું બહાર આવતા કોટડા સાંગાણીના પી.એસ.આઇ. ગોહિલ સહિતના સ્ટાફે મૃતકની લાશનું પોસ્ટમોર્ટમ કરાવવા રાજકોટ હોસ્પિટલમાં મૃતદેહ લાવ્યા ત્યારે દલિત સમાજનું ટોળુ એકઠું થઇ ગયું હતું.
મૃતકના પુત્ર રાજેશ સોંદરવાએ જ્યાં સુધી મહેન્દ્રસિંહ જાડેજા સહિતના શખ્સો સામે હત્યાનો ગુનો ન નોંધાઇ અને ધરપકડ ન થાય ત્યાં સુધી લાશ સ્વીકારવાનો ઇન્કાર કરતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા.
મૃતક નાનજીભાઇ સોંદરવાએ માણેકવાડાની કોળી યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હોવાનું અને અગાઉ મારામારી, ચોરી અને દારૂના ગુનામાં ધરપકડ થઇ હોવાનું પોલીસસુત્રો જણાવી રહ્યા છે.