“આ ગરમા ગરમીમાં તાલુકા પંચાયત પ્રમુખે પણ પોતાનો રોટલો શેકવા પ્રયત્ન કર્યો

પીએસ.ઓ શકિતસિંહે એફ.આઈ.આર. નોંધવાનું ચાલુ કર્યું અને જયદેવ હોસ્પિટલે જતો હતો ત્યાંજ સુરેન્દ્રનગર મોકલેલા હેડકોન્સ્ટેબલ હસુભાઈ રાવળ પાછા આવી ગયા અને જયદેવને કહ્યું કે ટાવર ચોક શું કે સુરેન્દ્રનગર શું આખા જીલ્લામા આ કેસ થયો તેથી અફડાતફડી બોલી ગઈ છે. જયા ત્યાં આજ ચર્ચા ચાલે છે. પોલીસ વડાની કચેરીમાં તો સૌ પહેલા જ અફડાતફડી મચી ગઈ હતી. હુંયાં ગયો તો મને કોઈ જવાબ જ દેતું નહ તુ પરંતુ એલ.આઈ.બી. ફોજદાર ડી.જી. ગોહિલે એક ઈગ્લીશમાં હાથેથી લખેલો નમુનો મને આપ્યો તે લઈને હું આવ્યો છું. તે કોલમ પ્રમાણે ભરીને આપો એટલે હું સુરેન્દ્રનગર જઈ પાછો આપી આવું.

આ અંગ્રેજીમાં લખેલુ ફોર્મેટ લોકસભાના સ્પીકરને સંસદ સભ્યની ધરપકડ થઈ તેની જાણ કરવાનું હતુ જયદેવે કાગળ કાર્બન લઈ તે ફોર્મેટ મુજબ સાંસદ શરદભાઈની હકિકત ભરી દીધી. સહી સીકકા મારી દીધા દરમ્યાન હસુભાઈ રાવળ વાતો કરતા હતા કે શું આમ જુઓ સાહેબ આખા રાજયમાં ખબર પડી ગઈ છે અને બધે અફડાતફડી બોલે છે. આમ જુઓ પોલીસ વડા પણ હળવદ અને બીજા શેરખાં તથા મીર મારવાની વાતો કરવા વાળા પણ કયાં ચાલ્યા ગયા ભગવાન જાણે કોઈ ઓફીસમાં નથી! અને હોમ ઈન્સ્પેકટરતો ઓફીસમાં રાડારાડ છે.

ડખો મુળી પોલીસ સ્ટેશનમાં અને અફડાતફડી ઘણે દૂર સુધી ઘણી જગ્યાએ બોલી ગઈ!

જયદેવ પાછો હોસ્પિટલમાં આવ્યો હજુ સુધી ડોકટર આવ્યા નહતા. જયદેવે કંપાઉન્ડર બાલુભાને કહ્યું કે ડોકટરે આ પોલીસ યાદીમાં સહી કરી રીસીવ કરી લીધી તે અમારે માટે પુરતુ છે. પરંતુ ડોકટરને તે ભારે પડી શકે છે. વહીવટ ભલે કર્યો પણ મદદગારીમાં ડોકટરને ફીટ ન કરૂ તો હું પણ જયદેવ નહિ. બાલુભા બંધાણી હતા દેશીના તેમને જયદેવની કાર્ય પધ્ધતિની તમામ ખબર જ હતી. પેલો દારૂ વાળો કેસ ગોલુ અને સુરજી વાળો (સુરજી પ્રકરણ જુઓ) તેમને બરાબર યાદ હતો.તેથી બાલુભા મુંજાયા અને ડોકટરનો ટેલીફોન ઉપર સંપર્ક કર્યો અને કહ્યું કે ‘હવે આવી જાવ નહિ તો તમારી ખેર નથી ફોજદારને બધી ખબર પડી ગઈ છે. ફોજદાર તમારૂ પણ ‘તપેલુ ચડાવી દેશે’ પોલીસ યાદીમાં સહી કરી દઈ ને જ તમે મોટી ભૂલ કરી છે’. આથી થોડીવારમાં જ ડોકટર આવી ગયા જયદેવને બાતમી મળી કે તે મુળી તાલુકા પંચાયતમાં પ્રમુખ બનારાજા પાસે જ બેઠા હતા!

ડોકટરે ચેમ્બરમાં આવીને લોહીના નમુના લેવા માટે ના ફીયાલ વિગેરે તૈયાર કરવા કહ્યું અને ડોકટરે સંસદ સભ્ય શરદભાઈ સાથે હંસીને વાત ચાલુ કરી મોડુ થવા બદલ માફી માગી શરદભાઈએ કાંઈ ધ્યાન આપ્યું નહિ અને ધીમેથી બોલ્યા “its all right પરંતુ જયદેવનું ધ્યાન બહાર ટોળા ઉપર જતા જ ડોકટરે મનુભાઈ રાયચૂરાને આંખના ઈશારાથી કાંઈક સંકેત કર્યો પરંતુ તે મનુભાઈ સમજયા નહિ. પણ મનુભાઈ વેપારીનો દિકરો તે ડોકટર શું કહેવા માગે છે તે ભલે ન સમજયા, પરંતુ તે જાણવા સમગ્ર કાર્યવાહી જ વિલંબમાં નાખવા માટે નાટક ચાલુ કર્યું. મનુભાઈએ ડોકટરને કહ્યું કે અમારા સોનાના ચેન તથા રૂપીયાની લૂંટ થયેલ છે. અમારી પણ તમે જ ફરિયાદ લો. શરદભાઈએ મનુભાઈને કહ્યું ‘મનુ, મુકને ખોટી માથાકૂટ અને કામ પતાવને.’ પરંતુ આતો વેપારીનો દીકરો એમ માને ? ડોકટરે જયદેવને કહ્યું એક મીનીટ હું આને ખાનગીમાં સમજાવી દઉ જો તમને વાંધો ન હોય તો! જયદેવને તો વાંધો હતો જ તેણે ડોકટરને કહ્યું ડોકટર ફરિયાદ લેવાનું કામ પોલીસનું છે. તમે તમા‚ મેડીકલ શારીરીક તપાસણીનું કામ કરોને ! પરંતુ કયારના મુંઝાઈને ઉભેલા પ્રતાપસિંહ વચ્ચે પડયા અને જયદેવને કહ્યું ‘મળવા દયોને હવે જે થવાનું હશે તે થાશે. ડોકટર અને મનુભાઈ રાયચૂરા પાંચેક મીનીટ ખાનગીમાં મળ્યા અને કાંઈક વાતચીત અને વ્યવહાર થયો તથા ડોકટરને જૂનાગઢ જીલ્લામાં નીમણુંક કરાવી દેવાના વચન અપાયા આથી ત્રણે જણા ડોકટરી કરાવવા તૈયાર થયા. પરંતુ એક શરતે લોહીનો નમુનો પોલીસની હાજરીમાં નહી લેવાનો જયદેવને આખા કાવત્રાનો ખ્યાલ આવી ગયો. પરંતુ પ્રતાપસિંહ કહ્યું ‘સાહેબ’ જે પાણીએ મગ ચડે તે પાણીએ ચડવા દયોને’! જયદેવને વાંધો તો હતો પરંતુ તેની પાસે વાહન પણ નહતુ શું કરે? જેથી તેણે પોતાની ગેરહાજરીમાં ડોકટરને લોહીના નમુના લેવા દીધા.

પરંતુ મનુભાઈનું લોહી લેવાતું હતુ ત્યાં ધી‚ભાઈ ઠકરારે ડોકટરને તેમના ફોન ઉપરથી રાજકોટ વાત કરવા અંગે પુછયું આથી ડોકટરે હા પાડી. ધીરૂભાઈ ઠકરારે જામટાવર રેંજ આઈ.જી.પી.ની કચેરીમાં રાજકોટ ફોન લગાડયો અને જયદેવેકરેલાડખાની વાત ત્યાં પણ પહોચી ગઈ હતી. ધીરૂભાઈએ પીએને પોતાની ઓળખાણ આપી હાલ મુળીથીવાત કરે છે. તેમ કહ્યું એટલે પીએએ આઈજીપીને તેજ વાત કરી પરંતુ પીએ એ ધીરૂભાઈને કહ્યું કે સાહેબ ઓફીસમાં જ નથી ! ધીરૂભાઈએ સુરેન્દ્રનગ પોલીસ વડાની કચેરીમાં ફોન લગાડયો તો પોલીસ વડા પણ બહાર ગામ હતા.

જયદેવ સમજી ગયો કે ડોકટર હવે જે કરે છે તે કાવત્રુ તાલુકા પંચાયતનું છે.અને તે કાવત્રુ એવું હોય કે આરોપીઓના લોહીના સેંપલને બદલે બીજા નહિ પીધેલના લોહીના સેંપલ મૂકી દેવા! જયદેવે જોયુંકે હોસ્પિટલનો બાલુભા સહિતનો સ્ટાફ રાત્રે દેશી દારૂ પીવાની ટેવ વાળો છે. તમામ રાત્રીના નિયમિત દારૂ પીએ છે.તેમના જો અત્યારે લોહીના નમુના લેશે તો પણ આલ્કોહોલનું પ્રમાણ તો આવશે જ. ત્રણેની મેડીકલ તપાસણી પુરી થઈ તેમ ડોકટરે જણાવ્યું. પરંતુ ખરી સત્ય હકિકત તો પાછળથી જાણવા મળી જયારે પ્રમુખ બનારાજા એ રાજયના આરોગ્ય મંત્રીને પોરહ કરીને મોરબી તાલુકાના જેતપર ગામે વાત કરેલી ત્યારે.

જયદેવ ફરીથી અગાઉ મુજબ તમામને કાર નં. જી.જે.ઓ ૮૦૫૪માં વારાફરતી પોલીસ સ્ટેશને લાવ્યો. ત્યાંજ જયદેવના એક સંબંધી ભરતસિંહ અડવાળ વાળા પોલીસ સ્ટેશનમાં આવ્યા અને કહ્યું કે બાજુના ગામડામાં જવું છે. તમારૂ મોટર સાયકલ લઈ જવું છે. જયદેવે તુરત ચાવી આપી અને ચા-પાણી માટે આગ્રહ કયો. પરંતુ તેઓ હંસીને બોલ્યા ‘તમે મોટા કામમાં છો પછી વાત’ અને તેઓ રવાના થયા હવે જયદેવ પાસે કોઈ જ વાહન ન હતુ પોલીસ લાઈનમાં તપાસ કરાવરાવી કોઈ પોલીસ વાળા ઘેર જ આવ્યા ન હતા. બપોરના એક વાગ્યે પીએસઓ શકિતસિંહના જે રીલીવર આવા જોઈએ તે પણ આવ્યા ન હતા. બારોબાર પોબારા ગણી ગયા હતા.

હવે બપોરના અઢી વાગ્યા હતા જયદેવે તમામને જમવા કે નાસ્તા માટે કહ્યું તો શરદભાઈએ કહ્યું કોલ્ડ્રીંકસ મંગાવી લોને આમાં કયાં જમવું? તમામે કોલ્ડ્રીંકસ પીધા પછી તમામના આંગળાની છાપો લેવાની વાત જયદેવે કરી એટલે શરદભાઈએ કહ્યુંં કે તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટે ચૂકાદો આપેલ છે કે કોઈને આંગળાની છાપો આપવાની ફરજ પાડી શકાય નહિ. તે વાત ખરી હતી ચાર-પાંચ દિવસ પહેલા જ આ ચૂકાદાના સમાચારો છાપામાં હતા. તેથી જયદેવે તે વાત ત્યાંજ પડતી મૂકી. જોકે વર્ષો પછી સુપ્રિમ કોર્ટનું તે રૂલીંગ ફરી ગયેલું.

દરમ્યાન સાંસદ શરદભાઈના મિત્ર અને નિવૃત જમાદાર, છનુભા કે જેઓ બહારગામ ગયેલા તે આવી ગયા અને સીધા પોલીસ સ્ટેશને આવ્યા. તેઓ શરદભાઈને મળ્યા અને જયદેવને કહ્યું કે હવે શું કરવું છે?

જામીન ઉપર છોડવા છે કે કોર્ટમાં મોકલવા છે ? આથી જયદેવે ટેલીફોન અને વાયરલેસ બંનેથી સુરેન્દ્રનગર પોલીસ વડાની કચેરીનો સંપર્ક કરવા કોશીષ કરી પરંતુ સંપર્ક થયો નહિ. બધુ હજી ચુપચાપ જ હતુ. આથી જયદેવે છનુભાને કહ્યુંં તમે કહો તે રીતે કરીએ. આથી મનુભાઈ રાયચૂરાએ કહ્યું કે કોર્ટમાં જ મોકલો ને? તેમને ખબર હતી પોલીસ પાસે વાહન નથી તેથી પોલીસને હજુ પણ તાગવી હતી.પરંતુ શરદભાઈએ કહ્યું વાત ટુંકાવો અને જામીન અહી જ આપી દો. જયદેવે પાંચેયના જામીન અને જાત મુચરકા લીધા જામીન છનુભા પરમાર રહે. છત્રીયા મુળી રૂ.૫૦૦ ના અને આરોપીઓ તથા જામીનની સહીઓ થઈ.

તમામ કાર નં. જી.જે.ઓ ૮૦૫૪માં આવ્યા તેમજ ગોઠવાઈ ગયા છનુભાએ તેમને રોકાવા આગ્રહ કર્યો પરંતુ કાર રાજકોટ તરફ રવાના થઈ. અને પોલીસ સ્ટેશનનું વાતાવરણ જે તંગ હતુ તે શાંત થયું. જયદેવ સહિત પોલીસ દળના ચારેય જવાનોના ચહેરા વિલાય ગયેલા અને ઝાંખા પડી ગયા હતા. કેમકે ખરી કસોટી હવે શરૂ થવાની હતી. ખાતાના અધિકારીઓ દ્વારા ! ચારેય જણા સવારથી જ માનસીક તાણમાં હતા.

જયદેવને તો હજુ ઘણી કામગીરી કરવાની બાકી હતી પોલીસની ભાષામાં લમણાજીક તથા ગૂનેગારની માફક આ કરેલ બબાલ કે પરાક્રમની કંટ્રોલ રૂમને ઓથોરાઈઝડ જાણ કરવાની હતી તથા તે અંગેના ખુલાસા ખુલાસી તથા ઈન્કવાયરીનો પણ સામનો કરવાનો હતો. જેથી જયદેવે આ આખા બનાવનો મેસેજ કે જેમાં સૌ પહેલા કંટ્રોલ રૂમથી વરધી આવી ત્યાંથી લઈ પંચનામું આરોપીઓ, કરેલ કાર્યવાહી અને આરોપીઓને ક ૧૬/૦૦ વાગ્યે જામીન ઉપર છોડયા ત્યાં સુધીની માહિતી લખી તૈયાર કર્યો. અને જયદેવે જાતે જ વાયર લેસ સેટનું સ્પીકર લઈને સુરેન્દ્રનગર કંટ્રોલનો સંપર્ક કર્યો ‘મુળી ટુ સુરેન્દ્રનગર કંટ્રોલ’ પરંતુ કોઈ એ જવાબ આપ્યો નહિ. જયદેવને જમાદાર હસુભાઈ રાવળની વાત ઉપરથી ખ્યાલ તો આવી જ ગયો હતો. કે કોઈ શાબાશી તો આપવાનું નથી પરંતુ જાણે મુળી પોલીસે ગુન્હો કર્યો હોય તેવો વ્યવહાર થશે જ. તેથી કેસ કાગળો લઈને જ બેઠો. બે ત્રણ વખત સંપર્ક કરવાની કોશીષ કરી પણ કોઈ જવાબ ન મળ્યો.

હવે જયદેવની ધીરજ નો અંત આવી ગયો હતો અને જે મર્યાદા હતી તેનો પણ અંત આવી ગયો હતો તેના પણ કારણો હતા એક તો સુરેન્દ્રનગર પોલીસ વડાની કચેરીએ સીપીઆઈ દીનકર તથા જમાદાર હસુભાઈ રાવળે સાથે થયેલ વર્તુણુંક અને વ્યવહારની વાત સાંભળેલી તથા આવો વિકટ બનાવ અને સંજોગો છતા અત્યાર સુધીમાં હેડકવાર્ટરમાંથી કોઈ પોલીસ કર્મચારીઓ કે અધિકારીઓની મદદ નહિ મોકલી તે તો ખરૂ પણ જે અધિકારી ડી.જી. ગોહિલ આવવા માગતા હતા તેને ધમકી આપી બેસાડી દીધા અને ત્રીજુ ત્યારથી લઈ હજુ સુધી વાયરલેસ ઉપર તેઓ જવાબ આપતા ન હતા. જેથી જયદેવને હૈયે જે વાત હતી તે હોઠે આવી ગઈ. અને જયદેવે વાયરલેસનું સ્પીકર લઈ વ્યંગમાં જ કહ્યું ‘મુળી ટું કંટ્રોલ મરદ ના દિકરાઓ હવે તો જવાબ આપો તમારા અન્નદાતાઓને ક ૧૬/૦૦ વાગ્યે જામીન ઉપર છોડી દીધા છે.

અને ચમાત્કાર થયો. થોડીવારમાં જ કંટ્રોલ એર ઉપર આવ્યું અને સીધો મુળીને કોલ આપ્યો. કંટ્રોલ ટુ મુળી એક મેસેજ લખો. જયદેવે વળતું કહ્યું પહેલા આ ગુન્હાની જાહેરાતહકીકતતો લખો મને ખબર છે. તમારો શું મેસેજ છે. તે મેસેજ એવો જ હશે કે મુળી ફોજદારે જ ગુન્હો કર્યો છે ! પરંતુ કંટ્રોલેપોતાનો જ મેસેજ લખવા આગ્રહ રાખતા જયદેવે મુળીના ઓપરેટરને કહ્યું તું લખ, તે જે વાંકા કાઢે તેનો હું જવાબ જ તૈયાર કરતો જાઉં.

કંટ્રોલ રૂમ દ્વારા જે મેસેજ હતો. તેમાં આ દારૂના કેસમાં નીચે મુજબની કાર્યવાહી કરેલ કે કેમ? અને ન કરી હોય તો તાત્કાલીક ખુલાસો કરવા જણાવેલું હતુ ખરેખર તો વડી કચેરીએ આ મુળી પોલીસની છ કલાકની કાર્યવાહી દરમ્યાન સતત સંપર્કમાં રહી તે કાર્યવાહીમાં તેમને જે સુચન, વિચાર, ખામી કે તુકકા જે સુઝે તે મુજબ કરવા મુળી ફોજદારને જણાવવું જોઈતું હતુ જેથી તેમની દ્રષ્ટીએ જે ખામી હોય તેમાં સુધારો થઈ શકે. પોલીસદળમાં એક જોક છે. ‘અંગ્રેજો ભારતને આઝાદી આપી બધુ સોંપીને રવાના થતા હતા. છેલ્લે બધુ જ બધાને સોંપી દીધું પરંતુ રવાના થતા સુધી ‘ગુલામી’ ચુપચાપ ઉભી હતી તેણે છેલ્લે અંગ્રેજોને પુછયું કે બધાને ઠેકાણે ઠેકાણે સોંપ્યા હવે મારૂ શું? જેથી અંગ્રેજો એ કહ્યું હવે તો બધુ પતી ગયું. હા, પોલીસ દળ બાકી છે. તું જા આ દળમાં તું અમારો વારસો અને ઈતિહાસ સાચવજે! તે અંગ્રેજોનો વારસો અને ઈતિહાસ હજુ પોલીસમાં અધિકારીઓ ગૌરવપૂર્વક સાચવે છે. શિસ્તના નામે તો અનેક ગતકડા અધિકારીઓ ચલાવતા. માનવ અધિકાર પંચ ખરેખર આ પોલીસ દળમાં માનવ અધિકાર નહિ ફકત લોકશાહી અધિકાર જુએ તો પણ ઘણું છે!

વાયલેસ મેસેજમાં વડી કચેરીએ નીચે મુજબના પ્રશ્ર્નો પૂછયા હતા (૧) કાર કબ્જે કરી કે કેમ?, (૨) કારની કોઈ ન્યાય સહાયક વૈજ્ઞાનીક (એફ.એસ.એલ.) તપાસણી કરાવી કે કેમ? (૩) કારમાં કોઈ સ્ત્રી હતી કે કેમ? તેની તમે શું તપાસ કરી? (૪) કારનું પાસીંગ અને માલીકી કોની હતી તેની તપાસ કરી કે કેમ? (૫) અરોપીઓ ઈગ્લીશ દારૂ કયાંથી લાવ્યા તેની તપાસ કરી કે કેમ? આરોપીઓના રીમાન્ડ લીધા કેકેમ? વિગેરે તથા આ દાખલ થયેલ મુળીના દારૂના ગુન્હાની પ્રાથમિક ઈન્કવાયરી નાયબ પોલીસ અધિક્ષક ધ્રાંગધ્રાને સોંપવામાં આવે છે! ખુબીની અને નવાઈની વાત તો એ હતી કે હજુ શું ગુન્હો કે શું કેસ તેની માહિતીની કોઈ વિગતતો તેઓ મુળી પાસેથી લખતા ન હતા. છતાં જાણે જયદેવે ભયંકર કૃત્ય કરી નાખ્યું હોય તેમ ખુલાસો તો પુછયો પણ તેની ઈન્કવાયરી પણ સોંપાઈ ગઈ! એક બાજુ મુળી ઓપરેટર આ ખુલાસાનો મેસેજ લખતો હતો ત્યારે તે મેસેજ સાંભળીને જ બાજુના જ ટેબલ ઉપર બેસીને જયદેવ તેનો જવાબ લખતો જતો હતો જેવો કંટ્રોલનો મેસેજ પૂરો થયો એટલે કંટ્રોલ મુળીને કહ્યું હવે તમારો આ ગુન્હાની હકિકતનો મેસેજ લખાવો પરંતુ જયદેવે જ વાયર લેસનું સ્પીકર હાથમાં લઈને કંટ્રોલને કહ્યું પ્રથમ તમારા મેસેજનોજ વળતો જવાબ લખો. અને લખાવવાનું ચાલુ કર્યું મુદા નં. (૧) આ કાર કબ્જે કરેલ નથી કેમકે તે ધંધાદારી રીતે દારૂની હેરાફેરીમાં કે વેચાણમાં વપરાયેલી નહતી પરંતુ મુસાફરીના હેતુ માટેની હતી. (૨) કંટ્રોલ રૂમનો સંપર્ક કોઈ જ માધ્યમથી થતો નહિ હોય કારની કોઈ વૈજ્ઞાનીક તપાસણીની કાર્યવાહી માટે મેસેજ મોકલી શકયા નથી. કાર હજુ પાંચ જ મીનીટ પહેલા મુકત થયેલ છે.આ કારને ચોટીલા રાજકોટ કે સાયલા, લીંબડી ખાતે રોકાવી ને આવી વૈજ્ઞાનિક તપાસણી કરાવી લેવા હુકમ કરવા વિનંતી છે. (૩) કાર જયારે પકડાઈ ત્યારે કોઈ સ્ત્રી કારમાં હતી નહિ. કારની બેઠક વ્યવસ્થા પાંચ વ્યકિત માટેની જ હતી. બે આગળ અને ત્રણ પાછળની તથા તેમાં પાછળની સીટમાં ભારે શરીર વાળી વ્યકિતઓ બેઠી હતી તેથી તેમાં છઠ્ઠી વ્યકિત મુસાફરી કરી શકે તેવી પ્રાથમિક દ્રષ્ટીએજ કોઈ શકયતા ન હતી. પંચનામું કર્યું ત્યારે પંચો રૂબરૂ કારની સંપૂર્ણ તપાસ કરી કરાવી છે. તેમાં સ્ત્રી બાબતે કોઈ પુરાવો મળેલ નથી. પરંતુ કારમાં ટેપરેકર્ડર હતુ આરોપીઓએ એવો ખુલાસો કરેલ કે કદાચ કેસેટમાં તેવો અવાજ આવતો હોય. (૪) કારનું પાસીંગ પોરબંદરનું અને માલીકી પોરબંદરના ધારાસભ્ય લક્ષ્મણભાઈ આગઠની હતી. (૫) આરોપીઓના જણાવ્યા પ્રમાણે હસમુખભાઈ ચોટાઈ રહે સ્વીડન વાળા પાસે પરમીટ છે. પરંતુ શરતચૂકથી પરમીટ સાથે રાખવાની રહી ગઈ હતી. તેમજ ગુન્હો જામીન લાયક હોય રીમાન્ડ માગવાનો કોઈ અર્થ જ નથી. આમ મેસેજ આપી જયદેવ બહાર આવ્યો અને જોયું તો તેની સેના જવાનો પ્રતાપસિંહ, જયુભા તથા શકિતસિંહ ભુખ્યા અને થાકેલા અને હેરાન થયેલા હોવા છતા તેમના ચહેરા ઉપર તેજ આવી ગયું હતુ આ મેસેજનો વળતો જવાબ વિના વિલંબે તુરત જ કર્યો તેથી ખુશ હતા જયુભા બોલ્યા આતો ‘ઉલ્ટા ચોર કોટવાલ કો દંડે’ તેવું કરે છે. શકિતસિંહ સૌથી વધુ ખુશ હતા કેમકે તેમણે કરેલો લોચો જયદેવે એક ઝાટકે પતાવી દીધો હતો. શકિતસિંહ બોલ્યા ‘સાહેબ તમે એફ.આઈ.આર.માં કમાલ કરીને સુધારો કર્યો’. પરંતુ જયદેવ એન્ડ કંપની હજુ જમવા જઈ શકે તેમ નહતી મોટો પ્રશ્ર્ન સામે આવીને ઉભો રહી ગયો !

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.