ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકામાં સ્થિત હરસોલ ગામમાં જોગમાયા સખીમંડળની મહિલાઓએ સુચારૂ સંકલન દ્વારા ઘન કચરાના વ્યવસ્થાપનની કામગીરી કરી છે. આ કામગીરીમાંથી જોગમાયા સખીમંડળની મહિલાઓએ અત્યારસુધીમાં ₹56,370ની આવક મેળવી છે, જેમાં ગ્રામ પંચાયત તરફથી મહેનતાણાની રકમ તરીકે ₹35,000 અને GEDAની પ્રોત્સાહક રકમની ગ્રાન્ટમાંથી ₹21,370ની રકમનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ગામના લોકોના ઘરમાંથી એકત્રિત કરેલા ભીના કચરા પર પ્રક્રિયા કરીને તેમાંથી સખીમંડળની મહિલાઓ સેન્દ્રિય ખાતર બનાવીને તેનું વેચાણ કરે છે. જ્યારે સૂકા કચરામાંથી પુનઃ ઉપયોગમાં લઇ શકાય તેવી વસ્તુઓનું તેઓ ભંગારવાળાને વેચાણ કરીને તેમાંથી પણ કમાણી કરે છે.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ 17 સપ્ટેમ્બરથી સમગ્ર દેશમાં ‘સ્વચ્છતા હી સેવા અભિયાન 2024’ નો પ્રારંભ કર્યો છે, અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતમાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત વિવિધ સફાઇ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે. 31 ઓક્ટોબર સુધી ચાલનારા આ અભિયાનનો ઉદ્દેશ જન-જનમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવાનો અને જનભાગીદારીથી સફાઈ કાર્યક્રમો પૂરા કરવાનો છે.
ઘન કચરા વ્યવસ્થાપનની કામગીરી માટે સખીમંડળની બહેનોની પસંદગી
હરસોલ ગામમાં સામુદાયિક શૌચાલય, શોકપીટ, કોમ્પોસ્ટ પીટ, સેગ્રીગેશન સેટ વગેરેનું નિર્માણ કરવામાં આવ્યું હતું, પરંતુ ગામમાં સૂકા અને ભીના કચરાને અલગ કરવામાં નહોતો આવતો. પ્લાસ્ટિકને ગમે ત્યાં ફેંકવામાં આવતું હતું અથવા તો બાળી નાખવામાં આવતું હતું. જેનાથી પર્યાવરણને નુકસાન થતું હતું. આ સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે જિલ્લા અને તાલુકા અધિકારીઓની ટીમો એકસાથે બેઠી અને તેના સમાધાન અંગે ચર્ચા કરી.
ગ્રામ પંચાયતે ગામડાના ઘન કચરા વ્યવસ્થાપન સાથે સંકળાયેલા તમામ કાર્યો સખીમંડળની મહિલાઓને સોંપવાનો સર્વસંમતિથી નિર્ણય કર્યો. વિવિધ સખીમંડળની બહેનોને સૌપ્રથમ તો ઘન કચરા વ્યવસ્થાપનની પ્રક્રિયાઓ અંગે વાકેફ કરવામાં આવ્યા, તે અંગે સમજણ આપવામાં આવી. ત્યારબાદ મહિલાઓના જ્ઞાન અને રસ-રૂચિ અનુસાર તેમજ સખીમંડળના સમૂહની તાકાતના આધારે તેમની પસંદગી કરવામાં આવી હતી. આ કામગીરી માટે હરસોલ ગામથી 12 કિમી દૂર આવેલા સાગપુર ગામના જોગમાયા સખીમંડળની પસંદગી કરવામાં આવી.
જોગમાયા સખીમંડળની મહિલાઓને નિષ્ણાંતોની ટીમ દ્વારા કચરો છૂટો પાડવા અંગેની, રિક્ષા ચલાવવાની, કચરાને રિક્ષા દ્વારા સેગ્રીગેશન શેડ સુધી પહોંચાડવાની, ભીના કચરામાંથી ખાતર બનાવવા માટેની પ્રક્રિયા સંબંધિત તમામ તાલીમ આપવામાં આવી. આમ, ઘન કચરાના વ્યવસ્થાપન માટેની સમગ્ર પ્રક્રિયાની શરૂઆતથી અંત સુધીની સઘન તાલીમ સખીમંડળની મહિલાઓને આપવામાં આવી.
ગામના લોકોને સૂકો અને ભીનો કચરો ઘરેલૂ સ્તરે જ અલગ કરવા માટે પ્રેરિત કર્યા
સખીમંડળની બહેનોના કામની શરૂઆત, ગામના લોકોમાં જાગૃતિ પેદા કરવા સાથે થઈ. ગામની શાળાઓ અને વિવિધ જાહેર સ્થળોની દીવાલો પર સ્વચ્છતા વિશે જાણકારી આપતા ભીંતચિત્રો બનાવવામાં આવ્યા. આ ઉપરાંત, સખીમંડળની મહિલાઓએ વિવિધ વિસ્તારોમાં બેઠકો પણ આયોજિત કરી અને નાગરિકોને તેમના ઘરેથી જ ભીનો અને સૂકો કચરો અલગ-અલગ રાખવા માટે પ્રેરિત કર્યા.
ભીના કચરામાંથી સખીમંડળની બહેનો બનાવે છે સેન્દ્રિય ખાતર, સૂકા કચરામાંથી પુનઃઉપયોગની વસ્તુઓ ભંગારવાળાને વેચે છે
સખીમંડળની મહિલાઓ પોતે જ રિક્ષા ચલાવીને ડોર ટુ ડોર કચરાનું કલેક્શન કરવા માટે એકાંતરે દિવસે ગામના દરેક ઘરે પહોંચી જાય છે. દરેક ઘરમાંથી એકત્રિત કરવામાં આવેલો સૂકો કચરો, ભીનો કચરો, સેનિટરી અને ખતરનાક એટલે કે હેઝાર્ડસ વેસ્ટને તેઓ રિક્ષા મારફતે સેગ્રીગેશન શેડ સુધી પહોંચાડે છે. સેનિટરી કચરાનો નિકાલ કરવા માટે તેને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર પહોંચાડવામાં આવે છે. આજે ગામના તમામ લોકો તેમનો કચરો ઘરેથી જ અલગ કરીને આપે છે, જે લોકોમાં આવેલી વ્યાપક જાગૃતિનું પરિણામ છે.
સેગ્રીગેશન શેડમાં લાવવામાં આવેલા ભીના કચરાને વિવિધ તબક્કામાંથી પ્રક્રિયા કરીને ખાતરમાં રૂપાંતરિત કરવામાં આવે છે. તમામ તબક્કાઓ પછી તૈયાર થયેલા ખાતરને વજન કરીને બેગમાં પેક કરવામાં આવે છે. આ રીતે તૈયાર થયેલા જૈવિક ખાતરને સખીમંડળની બહેનો ગામડાના ખેડૂતોને વેચે છે. સખીમંડળની બહેનોએ અત્યારસુધીમાં 300 કિલોગ્રામ ખાતરનું ઉત્પાદન કર્યું છે, જેને તેઓ ₹70 પ્રતિ કિલોના ભાવથી ખેડૂતોને વેચે છે. ખેડૂતોનું કહેવું છે કે સખીમંડળની બહેનો દ્વારા તૈયાર કરવામાં આવેલ વર્મી કોમ્પોસ્ટ ખાતરના ઉપયોગથી તેમની જમીનની ફળદ્રુપતામાં સુધારો થયો છે અને તેમના પાક ઉત્પાદનમાં પણ વધારો થયો છે.
સૂકા કચરામાંથી રિસાયકલ કરીને પુનઃઉપયોગમાં લઇ શકાય તેવી ચીજવસ્તુઓને અલગ કરીને તેમનો સંગ્રહ કરવામાં આવે છે. આ તમામ ચીજો વેચવા માટે ગ્રામપંચાયતે ભંગારવાળાઓ સાથે એમઓયુ કર્યા છે. આ તમામ કામો સખીમંડળની મહિલાઓ સુચારૂ રીતે કરી રહી છે. આજે ઘન કચરામાંથી અલગ કરવામાં આવેલી અને પુનઃઉપયોગ થઈ શકે તેવી ચીજવસ્તુઓ તેમજ કોમ્પોસ્ટના માધ્યમથી તૈયાર થયેલા ખાતરના વેચાણથી ગ્રામ પંચાયત માટે નિયમિત આવકનું સર્જન થયું છે અને સખીમંડળની મહિલાઓને રોજગાર મળ્યો છે, જે આ મોડલને સસ્ટેનેબલ બનાવે છે.
ગુજરાત સરકારના ગ્રામીણ વિકાસ વિભાગના નિયમિત માર્ગદર્શનથી આજે સાબરકાંઠા જિલ્લાના હરસોલ ગામની ગ્રામપંચાયતે સખીમંડળની મહિલાઓના સહયોગથી ગામને સુંદર અને સ્વચ્છ રાખવાનું અનોખું ઉદાહરણ સ્થાપિત કર્યું છે. સાથે જ, સમગ્ર કામગીરીમાં ગામના લોકોને જોડીને જનભાગીદારીનું પણ એક અનોખું ઉદાહરણ રજૂ કર્યું છે. ગ્રામપંતાયતે કચરામાંથી કંચન બનાવીને આવક ઊભી કરી છે, તો સખીમંડળની મહિલાઓ પણ આર્થિક ફાયદો પ્રાપ્ત કરીને આત્મનિર્ભર બની છે. સ્વચ્છતાના આ મહાયજ્ઞમાં તમામ ગ્રામજનોએ પણ જાગૃત થઈને, ખભે ખભો મેળવીને માનનીય વડાપ્રધાનશ્રીના સ્વચ્છ ભારતના સંકલ્પને સાકાર કર્યો છે.