કોરોના વાઈરસની મહામારી માં લોકો શ્રમ વડે, આર્થિક સહયોગના માધ્યમથી દેશ સેવા કરી રહયા છે. એ ફરજ પણ છે અને રાષ્ટ્ર સેવા પણ. વૈશ્વિક મહામારી કોરોના વાયરસના કારણે માસ્ક બનાવી રાષ્ટ્રીય સામાજિક અને નૈતિક જવાબદારી જૂનાગઢ જિલ્લાના સખીમંડળની બહેનો એ નિભાવી છે. અને માસ્કની અછત વચ્ચે જૂનાગઢ જિલ્લાના સખી મંડળની બહેનો માટે માસ્ક રોજગારી મેળવવાનું માધ્યમ પણ બન્યા છે.
જૂનાગઢ જિલ્લાના સખી મંડળના બહેનોને મિશન મંગલમ યોજના તળે જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય શાખા દ્વારા માસ્ક બનાવવાનું કામ સોપાયું છે. જેમાં જૂનાગઢ જિલ્લામાં અત્યાર સુધીમાં ૪૭ સખી મંડળના ૧૪૮ બહેનો દ્વારા ૧,૫૬,૮૫૦ જેટલા માસ્ક બનાવવામાં આવેલ છે.