સુરતના મહુવા તાલુકાના ગુણસવેલના સખી મંડળે ફેશન માટે સોના-ચાંદી, જણસ કે પ્લાસ્ટિકના નહી પરંતુ ઈકોફ્રેન્ડલી જૂટ (શણ)ને ફેશન નવો રંગ પુરી જૂટની જ્વેલરી બનાવી છે. ચાર સખીઓએ સાથે મળીને જૂટની જ્વેલરીનું સ્ટાર્ટઅપ શરૂ છે અને પોતાના જૂટના ઉત્પાદનો લઈને સુરતના સરસ મેળામાં ભાગ લેવા આવી છે. ગ્રામીણ મહિલાઓને પ્રોત્સાહિત કરવા માટે સુરતના હની પાર્ક, અડાજણ ખાતે તા.૧૫મી માર્ચ સુધી આયોજિત સરસ મેળામાં ગુજરાત અને અન્ય રાજ્યોની કલાના કસબી મહિલાઓએ ભાગ લીધો છે. મહુવાના ગુણસવેલ ગામના જય બાલગોપાલ સખી મંડળના બહેનોએ પોતાની કોઠાસૂઝથી પેકિંગ મટીરીયલ્સ કહેવાતા જુટને ફેશનનું નવું રૂપ આપવાનો પ્રયાસ કર્યો છે. સખી મંડળના પ્રમુખ હેમાંગિની મૈસુરીયાએ સરસ મેળા થકી જુટ પ્રોડકટસને નવું માર્કેટ મળ્યું છે એમ જણાવ્યું હતું. તેમણે ગ્રામીણ આજીવિકા માટે કાર્યરત સ્ટાર્ટઅપ્સને નાણાકીય સહાય માટે તાજેતરમાં વડાપ્રધાનશ્રીએ જી-મૈત્રી યોજનાનો અમલમાં મૂકી છે. જેનાથી અમને વિકાસની તકો મળશે.
વધુમાં તેમણે કહ્યું કે, ગ્રામીણ મહિલાઓ પણ પોતાની કલા, કોઠાસૂઝને બહાર લાવી રહી છે. અમે ચાર બહેનપણીઓ મળીને છ મહિના પહેલા નવું સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે. ચાર બહેનપણીઓ અલગ અલગ ફિલ્ડમાં કામ કરીએ છીએ, જેમાં હેતલ મિસ્ત્રીએ એલએલબી કર્યું છે. નેન્સી મિસ્ત્રી ફેશન ડિઝાઈનર છે અને મનિષા મિસ્ત્રી મહેંદી આર્ટિસ્ટ છે. મેં બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન સુધીનો અભ્યાસ કર્યો છે. અમે બહેનોને જુટ જ્વેલરી બનાવવાની તાલીમ પણ આપીએ છીએ અને રૂ. ૧૫૦થી લઈને રૂ.૬૦૦ સુધીની ઈકોફ્રેન્ડલી જુટ જ્વેલરી પણ બનાવીએ છીએ. જુટમાંથી ઈકોફ્રેન્ડલી હેર બેન્ડ, કેપ, બંગડી, પાટલા, બક્કલ, લોકેટ, ઇયરિંગ્સ, પર્સ, પેન્ડલ સેટ, નેકલેસ જેવી અનેક વસ્તુઓ બનાવવાનું શરૂ કર્યું અને ઇનોવેટિવ રૂપ આપીએ છીએ. તેમણે જણાવ્યું કે, જુટમાંથી બનાવેલી જ્વેલરી પરવડે તેવી કિંમતે વેચીએ છીએ. આપણેં જુટ (શણ)ના કોથળા, ચપ્પલ, પગલુંછણીયા બનતા જોયા છે, પણ ઈકોફ્રેન્ડલી જ્વેલરી બનાવવાનો અમે પ્રયાસ કર્યો છે. પેકેજીંગ મટીરીયલ્સ અને ખાસ ઉપયોગમાં ન આવતા જુટને મોર્ડન લૂકથી ફેશનનું રૂપ આપ્યું છે. અમે છ મહિનામાં ૧૦ જેટલી મહિલાઓને રોજગારી આપી રહ્યા છીએ. અમે જે પ્રોડક્ટ બનાવીએ છીએ તેનું મોડેલિંગ, બ્રાન્ડિંગ પણ જાતે જ કરીએ છીએ. જૂટની જ્વેલરીને પહેરીને અન્ય મહિલાઓમાં કેવી લાગશે એ મુજબ સુધારા-વધારા કરીએ છીએ.