ચિઠ્ઠી નહિ પણ જેલમાં પ્રવેશ માટે ઇસ્યુ કરાયેલુ ટોકન બહેને ભૂલથી મનસુખને આપી દીધું’તું : જેલ તંત્રની સ્પષ્ટતા
રાજકોટ જેલમાં રાખડી બાંધતી વેળાએ
ટીઆરપી ગેમઝોનની ગોઝારી ઘટના બાદ મનપાના ટીપીઓની ગુનાહિત બેદરકારી સામે આવતા એસીબીએ પણ તપાસમાં ઝુકાવ્યું હતું અને ટીપીઓ સાગઠીયા વિરુદ્ધ અપ્રમાણસર મિલ્કતનો ગુનો અલગથી દાખલ કરવામાં આવ્યો હતો. હાલ સસ્પેન્ડેડ ટીપીઓ મનસુખ સાગઠીયા જેલમાં બંધ છે ત્યારે રક્ષાબંધનના પર્વે સાગઠીયાના બહેન પણ રાખડી બાંધવા જેલ ખાતે પહોંચ્યા હતા. દરમિયાન બહેને સાગઠીયાના હાથમા એક ચબરખી આપતાં ભારે દેકારો મચી જવા પામ્યો હતો. બહેને સાગઠીયાને આપેલી ચબરખી ચિઠ્ઠી હોવાના અહેવાલ મીડિયામાં વાયરલ થયાં હતા.
પ્રાપ્ત વિગત અનુસાર સસ્પેન્ડેડ ટીપીઓ મનસુખ સાગઠીયા હાલ જેલ હવાલે છે. આજે રક્ષાબંધન પર્વે સાગઠીયાના બહેનો પણ રાખડી બાંધવા જેલ ખાતે પહોંચ્યા હતા. જ્યાં પોલીસ બંદોબસ્ત વચ્ચે બહેનોએ સાગઠીયાને રાખડી બાંધી હતી. દરમિયાન બહેને એક ચબરખી સાગઠીયાના હાથમા મૂકી હોય તેવો વિડીયો વાયરલ થયો હતો. આ ચબરખી કોઈ ચિઠ્ઠી છે જેમાં કશુંક લખ્યું હતું તેવા અહેવાલો સામે આવ્યા હતા.
જો કે, આ ચબરખી સાગઠીયાના હાથમાં મુકતા જેલના ગાર્ડએ જોઈ લીધું હતું. જેથી તાત્કાલિક આ ચબરખી જેલ ગાર્ડએ લઇ લીધી હતી. ત્યારે હવે આ મામલામાં જેમ તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે. જેલ તંત્રએ જણાવ્યું છે કે, રક્ષાબંધન પર્વે બહેનોને જેલમાં પ્રવેશ આપવા માટે ટોકન ઇસ્યુ કરવામાં આવ્યા હતા. સામાન્ય રીતે જેલમાં મુલાકાતીઓને પીતળના સિક્કા જેવા ટોકન આપવામાં આવતા હોય છે પણ બહેનો મોટી સંખ્યામાં આવનાર હોય ત્યારે આટલા કોઈનની ઉપલબ્ધતા નહિ હોવાથી કાગળના ટોકન બનાવવામાં આવ્યા હતા. આ ટોકન સાગઠીયાના બહેનને પણ આપવામાં આવ્યું હતું જે ટોકન બહેને ભૂલથી સાગઠીયાને આપી દીધું હતું. જેનો વિડિયો વાયરલ થયો હતો. સાગઠીયાને અપાયેલી ચબરખી કોઈ ચિઠ્ઠી નહિ પણ ખરેખર ટોકન હતું તેવી સ્પષ્ટતા જેલ તંત્ર દ્વારા કરવામાં આવી છે.