કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરાની જાહેરસભા: વિશાળ સંખ્યામાં કાર્યકરો ઉમટયા: કલેકટર કચેરીએ નામાંકનપત્ર ભર્યું
કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરાએ આજે જાહેરસભા સંબોઘ્યા બાદ જિલ્લા કલેકટર કચેરી ખાતે નામાંકનપત્ર ભર્યું હતું. જાહેરસભામાં તેઓએ કહ્યું હતું કે, ભાજપને મત એ પાપ છે. ભાજપ સરકારે ગામડા અને ખેડુતોને ભાંગી નાખ્યા છે. તેઓએ ઉમેર્યું કે, તમામ મતદારો ખુદ સાંસદ સભ્યો છે. રાજકોટને કેમ ડેવલોપ કરવું તેનો મારી પાસે રોડ મેપ તૈયાર છે. ભાજપના ઉમેદવાર ખુદ સિરામિક ઉધોગો ધરાવતા હોવા છતાં તેઓએ કયારેય સિરામિકના પ્રશ્નોને વાચા આપી નથી.
બહુમાળી ભવન નજીક કોંગ્રેસ દ્વારા આજે જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિશાળ સંખ્યામાં રાજકોટ તેમજ આસપાસના તાલુકાઓમાંથી કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા. આ જાહેરસભા સંબોધતા કોંગ્રેસના ઉમેદવાર લલિતભાઈ કગથરાએ જણાવ્યું હતું કે, મને ઘણા બધા લોકો કહેતા હતા કે રાજકોટ લોકસભા બેઠક ભાજપનો ગઢ છે તેમ છતાં મેં આ બેઠક પરથી ઝંપલાવ્યું છે. કારણકે મને વિશ્વાસ છે કે, જુમલાની પાર્ટી ભાજપને લોકો બરાબર જવાબ આપવાના છે. ભાજપ કપાસ અને વિમાના નામે ખેડુતોને છેતરી ગયું છે. આજે રાજકોટમાં હજારો યુવાનો બેકાર રખડે છે. નરેન્દ્ર મોદીના રાજમાં દેશમાં ૧.૧૦ કરોડ યુવાનોએ નોકરી ગુમાવી છે. ભાજપના કારણે આજે ખેડુતોની આવકમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે.
વધુમાં લલિત કગથરાએ ઉમેર્યું કે, મેં ધારાસભ્ય તરીકે હરહંમેશ લોકોના પ્રશ્ર્નોને વાચા આપી છે. આજે કોઈપણ વ્યકિત મારું નામ કોઈ કચેરીમાં લ્યે તો ત્યાંનો અધિકારી ખુરશી પરથી ઉભો થઈ જાય છે. જયારે ભાજપના ઉમેદવાર ખુદ સિરામિક એકમો ધરાવે છે તેમ છતાં સિરામિકના પ્રશ્નોને વાચા આપતા નથી. ભાજપે જામનગરનો બ્રાસપાર્ટ, જેતપુરનો સાડી અને રાજકોટનો ઓટો પાર્ટ ઉધોગ ભાંગી નાખ્યો છે. ભાજપને મત દેવો તે હું પાપ ગણું છું. રાજકોટને ડેવલોપ કેમ કરવું તે મેં તૈયાર પણ કરી નાખ્યો છે.
સભામાં શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગરે જણાવ્યું હતું કે, રાજકોટ બેઠકના બંને ઉમેદવારોમાં એક તરફ કોંગ્રેસના ગ્રેજયુએટ ઉમેદવાર છે જયારે બીજી તરફ ભાજપના ૮ ચોપડી પાસ ઉમેદવાર છે. ગઈકાલે ભાજપનો જાહેરસભા યોજાઈ જેમાં અનેક લોકોના ખીસ્સા કપાણા હતા તેનું કારણ એ હતું કે, ખુદ ચોકીદાર જ ચોર છે. વધુમાં તેઓએ કાર્યકર્તાઓને સંબોધતા કહ્યું કે, જો કોઈ અધિકારી તમને દબાવવાનો પ્રયત્ન કરે તો સીધો મારો સંપર્ક કરજો.
વાંકાનેરના ધારાસભ્ય પીરજાદાએ જણાવ્યું કે, જો ભાજપને પોતાની જીત પર એટલો બધો વિશ્ર્વાસ હતો તો તેઓએ ૫-૬ ધારાસભ્યને જમાઈ કેમ બનાવ્યા ? વધુમાં તેઓએ કહ્યું હતું કે, જયારે પરસોતમ સાબરીયા કોંગ્રેસમાં હતા ત્યારે ભાજપ તેઓને ભ્રષ્ટાચારી કહેતા હતા પરંતુ તે એવી કંઈ ગંગામાં ન્હાયા કે ભાજપે તેને અપનાવી લીધા.
જાહેરસભામાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિતેશ વોરા, શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર, ધારાસભ્યો બ્રિજેશ મેરજા, જાવેદ પીરજાદા, ડાયાભાઈ પીપળીયા, હેમાંગભાઈ વસાવડા, ચિરાગભાઈ કાલરીયા સહિતના કોંગી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સભા પૂર્ણ થયા બાદ લલિત કગથરાએ જિલ્લા કલેકટર સમક્ષ નામાંકનપત્ર ભર્યું હતું. આ તકે તેઓના સમર્થક તરીકે ૪ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કોંગ્રેસના કાર્યકરોને નેતા બનવાનો ભારે શોખ: સ્ટેજ પર બેસવા પડાપડી
કોંગ્રેસની જાહેરસભામાં આજે કાર્યકરોને નેતા બનવાનો ભારે શોખ હોવાનું જોવા મળ્યું હતું. સભામાં શ‚આતની એક કલાક તો સ્ટેજ પર કોને બેસાડવા? તેમાં વેડફાઈ હતી. બાદમાં કાર્યકરો સ્ટેજ ઉપર બેસવા માટે આવતા હતા અને પૂર્વ કાર્યકારી પ્રમુખ આ કાર્યકરોને ચોખ્ખા શબ્દોમાં સ્ટેજ પર બેસવાની ના પાડી દેતા હતા. આમ કોંગ્રેસના કાર્યકરોને સ્ટેજનો ભારે મોહ હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા.
પૂર્વ ડે.મેયર ભરત મકવાણા કોંગ્રેસમાં જોડાયા
કોંગ્રેસની જાહેરસભામાં આજે પૂર્વ ડે.મેયર ભરતભાઈ મકવાણા વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા છે. તેઓના રાજકીય ગુરુ ગણાતા અશોકભાઈ ડાંગર કોંગ્રેસમાં આવતા તેઓએ પણ ભાજપ સાથે છેડો ફાડીને આજે કોંગ્રેસમાં પ્રવેશ કર્યો છે. ધારાસભ્ય બ્રિજેશ મેરજા, જાવેદ પીરજાદા અને લલિત કગથરાએ તેઓને કોંગ્રેસનો ખેસ પહેરાવીને આવકાર આપ્યો હતો.
કગથરા ઉપર બે ગુના, રૂ.૮.૫૯ કરોડની સંપતિ
રૂ.૧૫.૬૬ લાખ | ૪ જગ્યાએ ખેતીની જમીન |
રૂ.૧.૦૨ લાખ | સોનુ |
રૂ.૭.૫૦ થી ૧૦ લાખ | રીટર્ન |
રૂ.૭.૯૮ કરોડ | (દેણુ) |
રૂ.૧.૧૩ લાખ | કાર |
રૂ.૮.૮૪ કરોડ | (લેણુ) |
રૂ.૧.૫૮ કરોડ | કંપની, શેર, મ્યુ.ફંડમાં રોકાણ |
રૂ.૮.૫૯ કરોડ | કુલ મિલકત |