લાંબા સમયથી ચાલી રહેલા આંદોલનને સમેટી લેવા મનોજ જરાંગેની જાહેરાત
મરાઠા આંદોલનને મોટી જીત મળી છે. રાજ્ય સરકારે મનોજ જરાંગે પાટીલની તમામ માંગણીઓ સ્વીકારી લીધી છે. તેના તમામ વટહુકમ આજે સવારે જ બહાર પાડવામાં આવ્યા છે. મરાઠા આંદોલનના સંઘર્ષને મોટી સફળતા મળી છે. જેના કારણે 27 જાન્યુઆરી શનિવારના રોજ નવી મુંબઈના વાશીમાં છત્રપતિ શિવાજી મહારાજ ચોક ખાતે સવારે 8 કલાકે મુખ્યમંત્રી એકનાથ શિંદે અને મરાઠા આંદોલનના સંઘર્ષ સેનાની મનોજ જરાંગે પાટીલની હાજરીમાં વિજય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. મળતી માહિતી મુજબ, શુક્રવારે રાત્રે મનોજ જરાંગે પાટિલ અને મહારાષ્ટ્ર સરકારના પ્રતિનિધિમંડળ વચ્ચે વાતચીત થઈ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર અને મનોજ પાટીલ વચ્ચેની વાતચીત પોઝિટિવ રહી હતી. જે બાદ અનામતને લઈને ઉકેલ મળી ગયો છે. કહેવામાં આવી રહ્યું છે કે મનોજ જરાંગે નવી મુંબઈમાં એક મોટી જાહેરાત કરશે, જે મુજબ મરાઠા મોરચા મુંબઈ તરફ કૂચ નહીં કરે. મનોજ શિવાજી ચોકમાં હજારો મરાઠાઓ સાથે વાત કરી હતી અને શિવાજી ચોકમાં જ ઉપવાસ તોડ્યા હતા.
મુખ્યમંત્રી એકનાથ શિંદેએ રાજ્યમાં મરાઠી બંધુઓ સામેના કેસ પાછા ખેંચવા કહ્યું છે. વંશાવળી માટે તાલુકા કક્ષાની સમિતિની નિમણૂંક કરવામાં આવશે. હવે શિંદે કમિટી ગેઝેટ બહાર પાડીને મરાઠવાડામાં ઓછા પ્રમાણપત્રો પ્રાપ્ત થયા તે હકીકત પર કામ કરવા જઈ રહી છે. તેમજ વિધાનસભામાં આ અંગે કાયદો પસાર કરવામાં આવશે. મનોજ જરાંગે પાટીલે કહ્યું કે, મુખ્યમંત્રી એકનાથ શિંદેએ અમારા આરક્ષણનું કામ કર્યું છે.
મરાઠા આરક્ષણને લઈને હિંસા ફાટી નીકળી’તી
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં ગયા વર્ષે સપ્ટેમ્બરમાં મરાઠા આરક્ષણને લઈને હિંસા ફાટી નીકળી હતી. તે સમયે જરાંગે પણ ઉગ્ર આંદોલન કર્યું હતું. જેના કારણે રાજ્યની શિંદે સરકાર મુશ્કેલીમાં ફસાઈ ગઈ હતી. આ મુદ્દે ભારે રાજનીતિ પણ થઈ હતી. જો કે, હવે આ મામલે સુખદ અંત આવ્યો છે.
મુખ્યમંત્રી એકનાથ શિંદેએ સારું કામ કર્યું : જરાંગે પાટીલ
મરાઠા સમુદાય માટે અનામતની માગ કરનારા કાર્યકર્તા મનોજ જરાંગે પાટીલે જણાવ્યું હતું કે, ’મુખ્યમંત્રી એકનાથ શિંદેએ સારું કામ કર્યું છે. અમારો વિરોધ હવે સમાપ્ત થઈ ગયો છે. અમારી માગને સ્વીકારવામાં આવી છે. અમે તેમનો પત્ર સ્વીકારીશું.’ મરાઠા અનામતના આંદોલન પર મહારાષ્ટ્રના મંત્રી મંગલ પ્રભાત લોઢાએ કહ્યું, ’મહારાષ્ટ્રમાં મનોજ જરાંગે પાટીલના નેતૃત્વમાં મરાઠા સમુદાય માટેના અનામતને લઈને ચાલી રહેલું આંદોલન ઉકેલ પર પહોંચી ગયું છે. આજે પસાર થયેલા વટહુકમમાં તમામ સમસ્યાઓનો ઉકેલ છે.’