- સમાજ બદલાઈ રહ્યો છે
- પુખ્તવયના યુગલે લગ્ન ન કર્યા હોય તો પણ સાથે રહેવાના હકદાર : અલ્હાબાદ હાઇકોર્ટ
સમાજ હવે ધીમે ધીમે બદલાઈ રહ્યો છે તેમ પુખ્ત વયના અપરિણીત યુગલોને સાથે રહેવાનો હક છે તેવું અવલોકન કરીને અલ્હાબાદ હાઈકોર્ટે એક આંતરધાર્મિક લિવ-ઈન યુગલને પોલીસ સુરક્ષા આપી છે. ઉલ્લેખનીય બાબત છે કે, લિવ ઇનમાં રહેતી મહિલાની સગીર પુત્રી દ્વારા અરજી દાખલ કરવામાં આવી હતી કે, તેની માતાના ભૂતપૂર્વ સાસરિયાઓ સતત ધમકી આપી રહ્યા છે.
ન્યાયાધીશ શેખર બી સરાફ અને ન્યાયાધીશ વિપિન ચંદ્ર દીક્ષિતની ડિવિઝન બેન્ચે તેના આદેશમાં અવલોકન કર્યું હતું કે, એવું લાગે છે કે બાળકના જૈવિક પિતા અને માતા અલગ ધર્મના છે અને 2018 થી સાથે રહેતા હતા. કોર્ટે નોંધ્યું હતું કે, બાળક હાલમાં એક વર્ષ અને ચાર મહિનાનું છે.કોર્ટે નોંધ્યું હતું કે બાળકના માતાપિતાને જૈવિક માતાના ભૂતપૂર્વ સાસરિયાઓ તરફથી ચોક્કસ ધમકીઓનો ડર હોવાનું જણાવાયું છે. તેમાં નોંધ્યું હતું કે તેના ભૂતપૂર્વ પતિના મૃત્યુ પછી બાળકની જૈવિક માતાએ જૈવિક પિતા સાથે રહેવાનું શરૂ કર્યું હતું.
અમારા મતે બંધારણીય યોજના હેઠળ પુખ્ત વયના માતા-પિતાએ લગ્ન ન કર્યા હોય તો પણ સાથે રહેવાના હકદાર છે, તેવું બેન્ચે સુપ્રીમ કોર્ટના વિવિધ ચુકાદાઓનો ઉલ્લેખ કરતા કહ્યું હતું. બાળકના માતા-પિતાએ રજૂઆત કરી હતી કે પોલીસ અધિકારીઓ ખાનગી પ્રતિવાદીઓ સામે પ્રથમ માહિતી અહેવાલ નોંધવા તૈયાર નથી અને જ્યારે તેઓ એફઆઈઆર નોંધાવવા માટે પોલીસ સ્ટેશનનો સંપર્ક કરે છે ત્યારે પોલીસ અધિકારીઓ વારંવાર તેમનું અપમાન કરે છે.
આ દૃષ્ટિકોણથી, કોર્ટે 8 એપ્રિલના રોજના તેના આદેશમાં રિટ અરજીને મંજૂરી આપી હતી અને સંબંધિત પોલીસ અધિક્ષકને નિર્દેશ આપ્યો હતો કે જો માતાપિતા સંબંધિત પોલીસ સ્ટેશનનો સંપર્ક કરે તો એફઆઈઆર નોધવામાં આવે. કોર્ટે એસપીને કાયદા અનુસાર બાળક અને માતા-પિતાને કોઈ સુરક્ષા પૂરી પાડવાની જરૂર છે કે કેમ તે પાસાની તપાસ કરવાનો પણ નિર્દેશ આપ્યો હતો.