હવે આઇબ્રોને પણ ડેકોરેટ કરવામાં આવે છે
સ્ત્રીના ચહેરા પર સૌથી વધારે ધ્યાન દોરતી કોઈ બાબત હોય તો એ છે ભ્રમર. ભ્રમરનો આકાર ચહેરાને વિશિષ્ટતા પ્રદાન કરે છે. સુંદરતાની અભિવ્યક્તિમાં એનું યોગદાન અવગણી ન શકાય. ભ્રમરનો આકાર તમારી આંખોને વાચા આપે છે. થોડા સમય પહેલાં દક્ષિણ ભારતીય અભિનેત્રી પ્રિયા પ્રકાશનો ભ્રમરને ઊંચી-નીચી કરી આંખો મટકાવતો વિડિયો સોશ્યલ મીડિયામાં ખૂબ જ પોપ્યુલર થયો હતો. ભારતીય શાસ્ત્રીય નૃત્યમાં પણ ચહેરાના હાવભાવ પ્રગટ કરવા ભ્રમરનો સહારો લેવામાં આવે છે અને આ માટે ખાસ તાલીમ લેવી પડે છે. ચહેરાના આકારમાં વિશિષ્ટ સ્થાન ધરાવતી અને આંખોની સુંદરતામાં વધારો કરતી ભ્રમર હાલમાં ચર્ચાનો વિષય બની છે. ઇન્સ્ટાગ્રામ પર ફિશટેલ સ્ટાઇલની આઇબ્રોએ યુવતીઓમાં ગજબનું આકર્ષણ ઊભું કર્યું છે. આ સ્ટાઇલમાં ભ્રમરને કમાન જેવો આકાર આપી બે ભાગમાં વિભાજિત કરવામાં આવે છે અને પછી એક બાજુથી માછલીની પૂંછડીના આકારની જેમ ઉપરની તરફ વાળવામાં આવે છે. આ પ્રકારની સ્ટાઇલથી વાસ્તવમાં ચહેરો વિચિત્ર દેખાય છે. એના કારણે બ્યુટીજગતમાં ઊહાપોહ મચી ગયો છે. કેટલીક યુવતીઓને આ વિચિત્ર સ્ટાઇલ કૂલ અને બોલ્ડ લાગે છે તો કેટલાક લોકોએ મોં મચકોડ્યું છે. સૌંદર્ય-નિષ્ણાતોનું કહેવું છે કે આ પ્રકારની ભ્રમર બનાવી યુવતીઓએ ચહેરાની સુંદરતા સાથે ચેડાં ન કરવાં જોઈએ.
ઇન્સ્ટાગ્રામ પર ફિશટેલ આકારની આઇબ્રો ધરાવતો ફોટો શેર કરવાની હોડ શરૂ થઈ છે. મોટા ભાગની યુવતીઓ ફોટોશોપની સહાયથી આવી ભ્રમર બનાવે છે. જોકે કેટલીક ફેશનઘેલી યુવતીઓએ તેમની ભ્રમરને ફિશટેલ લુક આપવાની હિંમત પણ દાખવી છે તો વળી કેટલીક યુવતીઓએ કમાન જેવી ભ્રમરને વચ્ચેથી વિભાજિત કરી ઉપરની તરફ પેન્સિલ વડે પૂંછડી બનાવવાની યુક્તિ શોધી કાઢી છે. આર્ક એટલે કમાન અને ફિશટેલ એટલે માછલીની પૂંછડી. જેમ દરેક પ્રકારની હેરસ્ટાઇલ બધાને સારી નથી લાગતી એવી જ રીતે ભ્રમરનો આકાર પણ વ્યક્તિના ચહેરાના આકારને અનુરૂપ હોય તો જ સુંદર દેખાય. ભ્રમરને ખાસ આકાર આપવા માટે વધારાના વાળ દૂર કરવાની સાચી રીત કઈ કહેવાય? ભ્રમરના વાળને પણ શું ટ્રાન્સફોર્મેશનથી ઉગાડી શકાય ખરા? લેઝર પદ્ધતિથી ભ્રમરને કાયમી ધોરણે ચોક્કસ આકાર આપી શકાય? આઇબ્રો-કરેક્શન અને આઇબ્રો-ટેટૂ શું છે તેમ જ આ પ્રકારની ટ્રીટમેન્ટમાં કેવી તકેદારી રાખવી જોઈએ એ જાણી લો. પાતળી અને ખૂબ જ ઓછા વાળ ધરાવતી ભ્રમરને આપણે સહજતાથી લઈએ છીએ, પરંતુ ભ્રમરના વાળનો જથ્થો વધી જાય તો તરત જ બ્યુટી-પાર્લરની મુલાકાત લેવી પડે છે. એનું કારણ એ કે ચહેરા પર વાળ વધી જાય તો તરત જ ધ્યાનમાં આવે છે. આંખોની ઉપર આવેલા થોડા અમથા વાળ તમારી ઇમેજ બદલી શકે છે. ભ્રમરથી ચહેરાની સુંદરતામાં કેવો ફરક પડે છે એ વિશે તેમ જ હાલમાં પોપ્યુલર બનેલી ફિશટેલ આઇબ્રો વિશે વાત કરતાં જુહુનાં બ્યુટિશ્યન સુધા રાય કહે છે, આઇબ્રો તમારા ચહેરાની ઓળખ છે. તમે ગમે તેટલો મેકઅપ કરીને સુંદર દેખાવાનો પ્રયાસ કરો, પણ જો આઇબ્રોનાં ઠેકાણાં નહીં હોય તો ચહેરો સારો નહીં જ લાગે. આઇબ્રોને મેકઅપથી પણ છુપાવી ન શકાય. એ પ્રોપર શેપમાં હોવી જ જોઈએ. ઇન્ડિયામાં આઇબ્રો પર વેક્સિંગ કરવાનું ચલણ જ નથી. અહીં થ્રેડિંગથી આકાર આપવામાં આવે છે. આંખોની આસપાસની ત્વચા સંવેદનશીલ હોય છે.
તેથી થ્રેડિંગ ચાલતું હોય એ દરમ્યાન ગ્રિપ છૂટવી ન જોઈએ. ગ્રિપ છૂટી જાય તો આંખની આસપાસ કટ આવી જાય કે લોહી પણ નીકળે. જોકે એક્સપર્ટ હોય તેમને આ બાબતનો તરત જ ખ્યાલ આવી જાય એટલે કસ્ટમરના હાથની ગ્રિપ છૂટે તો તરત જ થ્રેડિંગ માટે વાપરવામાં આવતા દોરાની ઢીલ મૂકી દે એટલે ચહેરા પર ખરોંચ પણ ન આવે. હાલમાં ફિશટેલ આઇબ્રો પોપ્યુલર બની છે એ વાત સાચી, પણ આ પ્રકારની આઇબ્રોનો ક્રેઝ ટીનેજ ગર્લ્સ પૂરતો જ મર્યાદિત છે. મહિલાઓ આર્ક સ્ટાઇલને વધારે પસંદ કરે છે. ફિશટેલમાં આગળના વાળને ઉપર તરફ વાળવામાં આવે છે અને પાછળનો ભાગ પાતળો રાખવામાં આવે છે. આર્ક સ્ટાઇલમાં આઇબ્રોને ઉપરની તરફ પોઇન્ટ આપવામાં આવે છે. મોટા ભાગની મહિલાઓ બોલીવુડ સ્ટાઇલ જ અપનાવે છે અને એને જ બરકરાર રાખે છે. વારંવાર સ્ટાઇલ ચેન્જ કરવાનો ક્રેઝ ટીનેજ ગર્લ્સમાં જ છે.આપણે ત્યાં ઘટ્ટ અને આગળથી જાડી દેખાતી આઇબ્રોને સદાબહાર કહી શકાય.